<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 11th November 2024

શેરબજારમાં રોકાણના નામે એડવોકેટ સાથે ૧૪.૮૦ લાખની ઠગાઇમાં ભાઇ-બહેન સકંજામાં

બ્‍લુ ફિનકેર એલએલપી ફર્મ કંપની નામે ઓફિસ ખોલી શરૂઆતમાં રોકાણ સામે ૧.૨૦ લાખ ચુકવ્‍યા પછી વળતર અને મુળી કઇ ન આપતાં ફરિયાદઃ યુનિવર્સિટી પોલીસે કલ્‍પેશ ત્રિવેદી અને અલ્‍પા ત્રિવેદીની અટકાયત કરી પુછતાછ

રાજકોટ તા. ૧૧: શહેરના એડવોકેટ સાથે શેરબજારમાં રોકાણના નામે ૧૫૦ ફુટ રીંગ રોડ પર શિતલ પાર્ક પાસે ઓફિસ ધરાવતાં ભાઇ-બહેને ૧૪ લાખ ૮૦ હજારની છેતરપીંડી કરતાં આ બનાવમાં યુનિવર્સિટી પોલીસે કેકેવી ચોક નજીક રોયલ પાર્ક-૧૦ સેટ્રોસા એપાર્ટમેન્‍ટ ફલેટ નં. ૪૦૧માં રહેતાં એડવોકેટ સંજયભાઇ ધીરૂભાઇ ભેંસાણીયા (ઉ.વ.૪૭)ની ફરિયાદ પરથી ગાંધીગ્રામ અક્ષરનગર-૫માં રહેતાં કલ્‍પેશ પ્રદ્યુમનભાઇ ત્રિવેદી અને અલ્‍પાબેન અમિતભાઇ  ત્રિવેદી વિરૂધ્‍ધ છેતરપીંડીનો ગુનો નોંધી બંનેને સકંજામાં લઇ પુછતાછ હાથ ધરી છે.

 સંજયભાઇ ભેસાણીયાએ ફરિયાદમાં જણાવ્‍યું હતું ક વર્ષ ૨૦૨૨ નવેમ્‍બરમાં બ્‍લુ ફીનેકર એલએલપી (ફર્મ)  કંપનીમાંથી મને ફોન આવ્‍યો હતો અને શેરબજારમાં પૈસાનું રોકાણ કરવા માટે સમજાવ્‍યા હતા. બાદમાં ત્રણેક દિવસ બાદ કંપનીના મનીષભાઇ ટેવાણી મારી ઓફિસે મળવા આવ્‍યા હતા અને શેરબજારમાં રોકાણ કરવાથી સારુ વળતર મળશે તેવી વાત સમજણ આપી હતી. આથી મેં તેને તમારી કંપનીમાં રોકાણ કરેલ કોઇ વ્‍યક્‍તિના એગ્રીમેન્‍ટ બતાવવા માટે વાત કરી હતી અને તમારી કંપનીના ઓનરને કોણ છે? તેને મળવું પડશે તેવી વાત કરતાં  ત્રણેક દિવસ બાદ કલ્‍પેશ ત્રિવેદી તથા મનીષ ટેવાણી મારી ઓફિસે આવ્‍યા હતા અને એગ્રીમેન્‍ટની નકલ બતાવી હતી. કલ્‍પેશભાઇ અને તેના બહેન અલ્‍પાબેન કંપનીના ઓર્નર હોવાની વાત કરી મને કરવામાં આવી હતી.

બાદમાં મને કહેલુ કે તમે અમારી કંપનીમાં રોકાણ કરશો તો સારુ એવુ વળતર મળશે. આ પછી થોડા દિવસ બાદ હું શીતલ પાર્ક બીઆરટીએસ બસ સ્‍ટોપ પાસે આવેલી બ્‍લુ ફીનેકર એલએલપી કંપનીની ઓફિસ જે ધ સ્‍પાયર-૨માં ૮૧૦ નંબરમાં હતી ત્‍યાં ગયો હતો. જ્‍યાં કલ્‍પેશ ત્રિદેવી અને મનિષ ટેવાણી હતાં. મને પૈસાનું રોકાણ કરવા સમજાવતાં મેં તેની કંપનીમાં ૧૦ લાખનું રોકાણ કરવા નક્કી કર્યુ હતું. બે ત્રણ દિવસ પછી કલ્‍પેશે મને ફોન કરી કહેલુ કે અમારી કંપનીમાં શેરબજારમાં રોકાણ કરવા માટે મહિનાની પાંચ અને સત્તરમી તારીખે પેમેન્‍ટ કરવું પડે છે. આથી મેં ૧૬/૨૨/૨૨ના રોજ પાંચ લાખનો ચેક આપ્‍યો હતો. રોકડા બીજા પાંચ લાખ આપ્‍યા હતાં. એ પછી કલ્‍પેશ ત્રિવેદી નોટરીઝ જે. વી. ઝાલાને લઇને આવેલ અને મેં તેની કંપનીમાં શેર બજારમાં ૧૦ લાખનું રોકાણ કર્યુ છે તેનો નોટરાઇઝ સમજુતી કરાર કર્યો હતો.

એ વખતે સમજુતી કરાર થયો હતો કે કંપનીમાં રોકેલા પાંચ લાખ સામે દર મહિને કંપની ૨૫ હજાર ચુકવશે. પરંતુ સમજુતી કરારમાં લખેલુ હતું કે નાણા આપ્‍યા પછી ૧૭/૧૨/૨૩ પછી જ નાણા પરત લઇ શકાશે. મેં કરેલા કુલ ૧૦ લાખના રોકાણ સામે મને ૧૦/૭/૨૩ના રોજ મને વળતર પેટે ૫૦ હજાર કંપની તરફથી અલગ અલગ રીતે અપાયા હતાં.  એ રીતે મને કુલ ૧,૨૦,૦૦૦ વળતર પેટે કંપનીના ખાતામાંથી મળ્‍યા હતાં. પરંતુ બાદમાં મને વળતર અપાયુ નહોતું. મારે મેં રોકાણ કરેલા ૧૦ લાખ અને વળતર પેટેના ૪,૮૦,૦૦૦ મળી કુલ ૧૪,૮૦,૦૦૦ કલ્‍પેશ ત્રિવેદી, અલ્‍પાબેન ત્રિવેદી પાસેથી લેવાના નીકળે છે. મેં ફોન કરી અવાર-નવાર ઉઘરાણી કરવા છતાં મને રકમ આપી નથી. અંતે મારે ફરિયાદ કરવી પડી છે તેમ વધુમાં એડવોકેટે સંજયભાઇએ જણાવતાં પીઆઇ એમ. જી. વસાવાની રાહબરીમાં પીએસઆઇ એન. કે. પંડયાએ ગુનો નોંધી આરોપીઓને સકંજામાં લઇ તપાસ હાથ ધરી છે.

(2:45 PM IST)