<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 4th November 2024

રૈયા રોડ પ્રમુખ આર્કેડ પાસે ફટાકડાના સ્‍ટોલધારક મિત્રો પર હુમલોઃ ૧૨ હજારના ફટાકડા ખરીદી ૫ હજાર જ દીધા, ઓળખતો નથી હું અમન ગુરૂમ, હવે પૈસા માંગ્‍યા તો પતાવી દઇશ કહી ધમકી દીધી

 

રાજકોટઃ શહેરમાં દિવાળીના તહેવાર વખતે પણ લુખ્‍ખાઓ શાંત રહ્યા નહોતા અને લખણ ઝળકાવ્‍યા હતાં. રૈયા રોડ પ્રમુખ સ્‍વામિ ઓડિટોરીયમ પાસે ફટાકડાના સ્‍ટોલ પર ત્રણ જણાએ બાર હજારના ફટાકડા ખરીદી પુરા પૈસા ન આપી મને ઓળખતો નથી? કહી ડખ્‍ખો કરી બાદમાં ફરીથી આવી ફરી ફટાકડા માંગી સ્‍ટોલધારક અને તેના ભાગીદાર પર હુમલો કરી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતાં તેમજ જ્ઞાતિ પ્રત્‍યે અપમાનીત કરતાં આ બનાવમાં યુનિવર્સિટી પોલીસે નાના મવા રોડ દેવનગર-૧ શિતલ કુંજ ખાતે રહેતાં અને રિક્ષા હંકારી ગુજરાન ચલાવતાં નિલેષભાઇ કેશવભાઇ રાઠોડ (ઉ.વ.૩૪)ની ફરિયાદ પરથી અમન ગુરૂમ અને બે અજાણ્‍યા વિરૂધ્‍ધ ગુનો નોંધ્‍યો છે.

નિલેષભાઇના કહેવા મુજબ મેં મારા મિત્ર સુરેશભાઇ જીવણભાઇ પરમાર સાથે રૈયા રોડ પ્રમુખ સ્‍વામિ ઓડીટોરીયમ પાસે ગ્રીનસીટીની સામે ફટાકડાનો સ્‍ટોલ ભાગીદારીમાં કર્યો હોઇ હું એકત્રીસમીએ રાતે ત્‍યાં હતો ત્‍યારે બીજા મિત્ર તુલસી રાઠોડ, ધર્મેશ ચાવડા આવ્‍યા હતાં. એ દરમિયાન એક એક્‍ટીવામાં ત્રણ જણા આવ્‍યા હતાં અને અમારા સ્‍ટોલેથી ફટાકડા ખરીદતાં અમે તેને હિસાબ કરી ૧૨ હજારનું બીલ આપતાં તેણે મને માત્ર ૫૦૦૦ આપ્‍યા હતાં. મેં તેને બાકીના પૈસા આપવાનું કહેતાં તેણે કહેલું કે મારુ નામ અમન ગુરૂમ છે, તું મને ઓળખતો નથી, હું કોણ છું? તારુ નામ શું છે? કહી મને જ્ઞાતિ પ્રત્‍યે અપમાનીત કરી જતો રહ્યો હતો. 

બાદમાં તા. ૧ના રાતે અઢી વાગ્‍યે ફરીથી અમન અને બે અજાણ્‍યા આવ્‍યા હતાં અને ફટાકડા માંગતા મેં કહેલુ કે ફટાકડા પુરા થઇ ગયા છે, તેમજ આગલા બીલના બાકીના રૂપિયા પણ માંગતા તેણે અમને ગાળો દઇ ઝઘડો ર્યો હતો. અમન અને અજાણ્‍યાએ પ્‍લાસ્‍ટીકની પાઇપથી હુમલો કરી મને માર મારતાં મિત્ર સુરેશભાઇએ વચ્‍ચે પડી બચાવ્‍યો હતો. એ પછી આ લોકોએ અમારા સ્‍ટોલમાં ફાયર સેફટીની બોટલ હતી તેઉપાડી સુરેશભાઇને માથામાં મારી દેતાં તેને ચક્કર આવી જતાં તે બેસી ગયા હતા઼. બીજા માણસો ભેગા થઇ જતાં આ ત્રણેય ભાગી ગયા હતાં. જતાં જતાં ધમકી આપેલી કે હવે ક્‍યારેક કોઇ વસ્‍તુના પૈસા માંગ્‍યા છે તો જાનથી મારી નાખીશ. આ પછી અમે ૧૦૮ બોલાવી હતી અને સારવાર લીધી હતી. દિવાળીનો તહેવાર હોઇ ફરિયાદ ત્‍યારે કરી નહોતી. હોસ્‍પિટલમાંથી રજા અપાતાં સ્‍વસ્‍થ થઇ હવે ફરિયાદ કરી છે. તેમ વધુમાં નિલેષભાઇએ કહેતાં યુનિવર્સિટી પીઆઇ એમ. જી. વસાવાએ એટ્રોસીટી સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્‍યો હતો.

(1:07 PM IST)