News of Wednesday, 30th October 2024
સિવિલ હોસ્પિટલમાં દિવાળી, નવા વર્ષમાં દર્દીઓની સારવાર માટે તબિબો, નર્સિંગ સ્ટાફ રહેશે ખડેપગેઃ વધારાના બેડની સુવિધા
દિવાળીની રજાઓમાં મોટા ભાગની ખાનગી હોસ્પિટલોમાં રજા રહેશે ત્યારે... : સાડા ચારસો ડોક્ટર ફરજ બજાવશેઃ ત્રણ દિવસ ઓપીડી પણ ચાલુ રાખશેઃ ભાઇબીજે રજાઃ ઇમર્જન્સી વિભાગમાં પણ તબિબો સહિતના સ્ટાફ સતત રહેશે ફરજ પરઃ ઇન્ચાર્જ સિવિલ સર્જન ડો. હેતલ કયાડાએ જણાવી વિગતો

રાજકોટ તા. ૩૦: દિવાળી પર્વની ઉજવણીની શરૂઆત થઇ ચુકી છે. શહેરીજનો રજાના મૂડમાં આવી ગયા છે અને પોતપોતાની રીતે ઉજવણીના આયોજનો કરી રહ્યા છે. આ વચ્ચે શહેરનો મોટા ભાગની ખાનગીહોસ્પિટલો, ખાનગી તબિબોના ક્લીનીકોમાં પણ લગભગ રજા જેવો માહોલ રહેતો હોય છે. ત્યારે સિવિલ હોસ્પિટલમાં કામનું ભારણ અને દર્દીઓની આવક વધી જતી હોય છે. ઇન્ડોર પેશન્ટ પણ વધી જતાં હોય છે. રજાઓમાં પણ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને પુરતી સારવાર, નિદાનની સેવા મળી રહે તે માટે તબિબો સહિતનો સ્ટાફ સતત ફરજ પર હાજર રહેશે. દિવાળી-નૂતન વર્ષના દિવસે પણ આ સ્ટાફ ફરજ બજાવશે. દિવાળીના તહેવારને અનુલક્ષીને વધારાના ૧૦૦ બેડની સુવિધા પણ ઉભી કરવામાં આવી છે.
ઇન્ચાર્જ તબિબી અધિક્ષક ડો. હેતલ કયાડાએ જણાવ્યું હતું કે દિવાળીને દિવસે જો દાઝી જવાની ઘટનાઓ બને અને દર્દીઓને દાખલ કરવા પડે તેમ હોય તો વધારાના ૪૦ બેડની સુવિધા પીએમએસએસમાં કરવામાં આવી છે. બાકીના ઇન્ડોર પેશન્ટ માટે વોર્ડ નં. ૭ અને વોર્ડ નં. ૧૦માં ૬૦ બેડની સુવિધા રાખવામાં આવી છે. રજામાં પણ ત્રણ દિવસ ત્રેવીસ વિભાગનો ઓપીડી ચાલુ રહેશે. ભાઇબીજને દિવસે જ રજા રખાશે. જો કે ત્યારે ૧૬૦ ડોક્ટરો ફરજ પર હશે. સિવિલ હોસ્પિટલમાં દિવાળી, નૂતનવર્ષના તહેવારમાં પણ સાડા ચારસો જેટલા તબિબો તથા નર્સિંગ સ્ટાફ, ચોથા વર્ગના કર્મચારીઓ પોતાની ફરજ બજાવશે.
રજાઓના દિવસો હોય ત્યારે મોટે ભાગે ખાનગી હોસ્પિટલો અને ખાનગી તબિબોના ક્લીનિક પણ મોટે ભાગે બંધ રહેતા હોય છે. આવા કારણોસર સિવિલમાં દર્દીઓની સંખ્યા ત્રીસ ટકા જેવી વધી જતી હોય છે. સિવિલ હોસ્પિટલમાં કુલ ૧૬૦૦થી વધુ બેડની સુવિધા હાલમાં ઉપલબ્ધ છે. ઇન્ચાર્જ અધિક્ષક ડો. હેતલ કયાડાએ વધુમાં જણાવ્યું હતું કે કયો સ્ટાફ કયા સમયે હાજર રહેશે? તેની યાદી કરી લેવામાં આવી છે. તેમજ સામાન્ય દિવસો કરતા વધારાનો ૨૦ ટકા સ્ટાફ પણ રિઝર્વ રાખવાનો રહેશે. દવાઓનો જથ્થો પણ રખાયો છે. દિવાળીમાં બર્ન્સના કેસ વધુ આવતા હોવાથી ચામડીના વિભાગ પર સૌથી વધુ જવાબદારી આવશે. આ માટે વધુ બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. સિવિલ હોસ્પિટલના ઇમર્જન્સી વિભાગના નં. ૦૨૮૧ ૨૭૧૧૧૮ છે. જેનો ઇમર્જન્સીના સમયમાં લોકો ઉપયોગ કરી શકે છે. તેમ વધુમાં ડો. કયાડાએ જણાવ્યું હતું.
તેમજ ઝનાના હોસ્પિટલ અને બાળકોના વિભાગમાં પણ ઇમર્જન્સી સહિતની સેવાઓ રજામાંપણ યથાવત રહેશે. તેમ જણાવાયું હતું. (૧૪.૯)
(3:54 PM IST)










