તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Friday, 25th October 2024
મનપાના જન્મ-મરણ વિભાગનું સર્વર ડાઉનઃ અરજદારોને ધરમધક્કા
સરકારના પોર્ટલમાં ફોલ્ટ સર્જાતા રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં ગુજરાતભરમાં સમસ્યા સર્જાઇ હોવાનો તંત્રનો દાવોઃ લોકો હેરાન પરેશાન

લાં..બી... કતારોઃ આજે સવારે એકાએક રાજ્યમાં જન્મ-મરણના સર્વરમાં ખામી સર્જતા મ્યુનિ. કોર્પોરેશનના સિવિક સેન્ટરનાં જન્મ-મરણ વિભાગના લાઇનમાં ઉભેલા અરજદારો હેરાન પરેશાન થવા પામ્યા હતા. અને લોકોમાં દેકારો બોલી જવા પામ્યો હતા. (તસ્વીરઃ અશોક બગથરીયા)
રાજકોટ તા. ૨૫: મહાનગરપાલિકાની મોટાભાગની કામગીરી ઓનલાઈન શરૂ થઈ ચુકી છે. અરજદારોને મહાનગરપાલિકાની કચેરીએ ધક્કા ન થાય અને ઘર બેઠા પોર્ટલ ઉપર કામ થઈ શકે તેવી વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે. પરંતુ અમુક વિભાગોમાં આજે પણ સરકાર ઉપર આધાર રાખવો પડે છે. જેના કારણે અરજદારોની સમસ્યા હજુ પણ યથાવત રહી છે. આજે સરકારનું જન્મ-મરણ વિભાગનું પોર્ટલમાં ટેકનીલક ખામી સર્જાતા થતાં સર્વર ડાઉન હોવાથી મનપાના જન્મ મરણ વિભાગની તમામ પ્રકારની કામગીરી ખોરવાતા અરજદારોને ધરમના ધક્કા થવાખ લાગ્યા છે.
સરકારી પોર્ટલમાં પણ અવાર નવાર ખામીઓ સર્જાવાના કારણે ગુજરાતભરના જન્મ-મરણ વિભાગમાં કામગીરી ઠપ્પ થઈ જવાની ઘટના પણ અવાર નવાર બનવા લાગી છે. સરકાર કરોડો રૂપિયાના ખર્ચે પોર્ટલ બનાવે છે. તેમજ ખામીઓ કેમ આવે છે. તેવું લોકો ચર્ચી રહ્યા છે.
મહાપાલિકાના જન્મ-મરણ વિભાગની કામગીરી કેન્દ્ર ખુલતાની સાથો સાથ ખોરવાઈ ગઈ હતી. આ મુદ્દે જન્મ-મરણ વિભાગના ઉચ્ચ અધિકારીઓને પુછવામાં આવતા તેઓએ જણાવેલ કે, મહાનગરપાલિકાએ તૈયાર કરેલ પોર્ટલ ચાલુ છે પરંતુ સરકારના નિયમ મુજબ સરકારના જ પોર્ટલ ઉપર કામગીરી અને જન્મની નોંધણી અપલોડ થતી હોય છે. ત્યારે આજે સવારથી સરકારી પોર્ટલમાં ખામીઓ સર્જાતા ગુજરાતભરના તમામ મહાનગરપાલિકા અને નગરપાલિકાઓ સહિતના જન્મ-મરણ વિભાગ કેન્દ્ર ઉપર સર્વર ડાઉન થઈ ગયા છે. અને કોઈ જાતની કામગીરી થઈ શકતી નથી. આથી પોર્ટલની ખામી દૂર થયા બાદ ફરી જન્મ-મરણ વિભાગ ધમધમતો થશે.તેમ સુત્રોએ જણાવ્યું હતું
(4:20 PM IST)










