તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Friday, 25th October 2024
રાજકોટના દેવેન મહેતા સાથે યુએસડીટીમાં રોકાણના નામે સુરત સ્થિત મિત્ર અને મિત્રના પુત્રની ૫૫ લાખની છેતરપીંડી
નિલ સીટી એડલ્ફી એન્કલેવમાં રહેતાં જુની ગાડી અને જમીનના ધંધાર્થીએ શરૂઆતમાં જે રકમ રોકી તે ત્રણ ચાર કલાકમાં જ વળતર સાથે પાછી આપીઃ આવુ દસેક વખત થતાં વિશ્વાસ બેસી ગયોઃ છેલ્લે મિત્રના પ૦ અને પોતાના ૦૫ મળી પંચાવન લાખ રોક્યા અને ધંબો આવી ગયો : સુરત રહેતાં મિત્ર રાજુ ભંડેરી, તેના પુત્ર સિધ્ધાર્થ ભંડેરી, સિધ્ધાર્થના મિત્રો જતીન કોઠારી તથા અંકિત અજુડીયા વિરૂધ્ધ ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધ્યો

રાજકોટ તા. ૨૫: જુની ગાડીઓના અને જમીન લે-વેંચના ધંધા સાથે સંકળાયેલા નીલ સિટીમાં રહેતાં વેપારી યુવાન સાથે સુરત રહેતાં તેના જ મિત્ર, મિત્રના દિકરા સહિત ચાર જણાએ યુએસડીટીમાં રોકાણ કરવાથી સારુ વળતર મળશે તેમ કહી લલચાવી દસેક વખત આ વેપારી યુવાને જે રકમનું રોકાણ કર્યુ તે સાથે ત્રણ ચાર કલાકમાં જ તેને વળતર સાથે નાણા પાછા આપી દઇ છેલ્લે પંચાવન લાખ આ ચારેયએ મેળવી લઇ અલગ અલગ બહાના કરી રકમ પાછી ન આપતાં વેપારી યુવાને ચારેય વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરાવી છે. આ યુવાને પોતાના પાંચ લાખ અને મિત્ર પાસેથી પચાસ લાખ લઇને આ રોકાણ કર્યુ હતું.
આ બનાવમાં ગાંધીગ્રામ પોલીસે યુનિવર્સિટી રોડ નીલ સિટી ક્લબ એડલ્ફી એન્કલેવ ફલેટ નં. ડી-૩૦૨માં રહેતાં અને જુની ગાડીઓની લે વેંચ સાથે જમીન લે વેંચનો વેપારધંધો કરતાં દેવેનભાઇ દિલીપભાઇ મહેતા (ઉ.વ.૩૯)ની ફરિયાદ પરથી મોટા વરાછા સુરત રોયલ હીલ્સ સી-૩૦૪ ખાતે રહેતાં રાજુ મોહનભાઇ ભંડેરી, તેના દિકરા સિધ્ધાર્થ રાજુભાઇ ભંડેરી, તેમજ સુરત અમરોલી પ્રમુખ પાર્ક સોસાયટી છાપરા ભાઠા રોડ ઘર નં. ૧૧૦માં રહેતાં અંકિત મુકેશભાઇ અજુડીયા, કામરેજ શિવ વાટીકા નનસાળ રોડ ૫૮૮-વિભાગ બી ખાતે રહેતાં જતીન દેવેન્દ્રભાઇ કોઠારી વિરૂધ્ધ આઇપીસી ૪૦૬, ૪૨૦, ૧૧૪ મુજબ યુએસડીટી લઇ રોકાણ કરશો તો સારુ વળતર મળશે તેમ કહી ચારેયએ દેવેનભાઇ પાસેથી રૂા. ૫૫ લાખ મેળવી લઇ બાદમાં વળતર ન આપી તેમજ આ નાણા પણ પાછા ન આપી ઠગાઇ કર્યાનો ગુનો નોંધ્યો છે.
દેવેનભાઇ મહેતાએ જણાવ્યુ છે કે મારા મિત્ર ભાવીન રમણીકભાઇ સાંગાણીને હું છએક વર્ષથી ઓળખુ છું. એકાદ વર્ષ પહેલા હું સુરત ગયેલો ત્યારે મિત્ર રાજુ મોહનભાઇભંડેરીએ તેના ઘર પાસે મળવા બોલાવી લોકેશન મોકલતાં હું અને મિત્ર ભાવીને તેને સુરત તેના લોકેશન પર મળવા ગયા હતાં. જ્યાં રાજુભાઇએ તેના દિકરા સ્ધ્ધિાર્થ સાથે મુલાકાત કરાવી હતી. સિધ્ધાર્થે મને કહેલુ કે હું અને મારો મિત્ર અંકિત અજુડીયા ભાગીદારીમાં યુએસડીટી કરન્સીનું કામકાજ કરીએ છીએ, તેમાં રોકાણ કરવાથી સારુ એવુ વળતર મળે છે. આ પછી મિત્ર રાજુભાઇ ભંડેરીએ પણ મને રોકાણ કરવાનો આગ્રહ કરતાં મેં તેને કહેલુ કે હાલ રૂપિયા નથી પણ મિત્રો પાસેથી લઇને ઇન્વેસ્ટ કરીશ. એ પછી હું અને મિત્ર ભાવીન અમારુ કામ પતાવી પરત રાજકોટ આવી ગયા હતાં.
ત્યારબાદ બે ત્રણ દિવસ પછી રાજુ ભંડેરીનો મને ફોન આવ્યો હતો અને ફરીથી યુસેસડીટી કરન્સીમાં ઇન્વેસ્ટ કરવા કહ્યું હતું. આથી મેં ૨૨/૧૧/૨૩ના રોજ મારી પાસે રહેલા રૂપિયા ૧૦ લાખનું આંગડીયુ મારા મિત્ર ભાવીન સાંગાણીની આગડીયા પેઢી સદ્દગુરૂ તિર્થધામ એચ.એમ. એન્ટરપ્રાઇઝમાંથી કર્યુ હતું. આ રૂપિયાના અડધા ટકા વળતર સાથેના રૂપિયા મને માત્ર ત્રણેક કલાકમાં જ પાછા આપી દીધા હતાં. આ રીતે મેં દસેક વખત રૂપિયાનો વહિવટ રાજુ ભંડેરી અને તેના દિકરા સિધ્ધાર્થ ભંડેરી સાથે કર્યો હતો. દર વખતે હું રોકાણ કર ુ તેના ત્રણ ચાર કલાકમાં જ તે મને વળતર સાથે રૂપિયા પાછા આપી દેતાં હતાં.
એ પછી ગત ૨૭/૧૨/૨૩ના રોજ મારા મિત્ર રાજુ ભંડેરીએ મને વ્હોટ્સએપ કોલ કરી કહેલું કે હાલ હું દુબઇ છુ, હવે તમે પૈસાની ચિંતા ન કરો, મોટુ પેમેન્ટ કરો જેથી મારો ખર્ચો અહિથી નીકળે અને તમારો પાસપોર્ટ મોકલવાો આપણે અહિ દુબઇથી ધંધો શરૂ કરીએ. જેથી મેં કહેલુ કે હાલમાં મારે દુબઇ જવું નથી, ડિસેમ્બર પછી વિચારીશ. ત્યારબાદ રાજુ ભંડેરીએ મને વધુ રૂપિયા રોકાણ કરવાનું કહેતાં ૨૮/૧૨/૨૩ના રોજ બપોરે મેં મિત્ર ભાવીન સાંગાણી પાસેથી ૫૦ લાખ લઇ તથા પાંચ લાખ મારા બચત કરેલા હતાં તે મળી કુલ ૫૫ લાખ રૂપિયા રાજુ ભંડેરીના કહેવાથી તેના દિકરા સિધ્ધાર્થ સાથે વાત કરી તેને મોકલાવ્યા હતાં. સિધ્ધાર્થના કહેવા મુજબ મેં આ રકમ સુરત મહીધરપુરાની વી. પટેલ આંગડીયામાં રાજકોટ આમ્રપાલી ફાટક પાસેની એચ. એમ. આંગડિયા પેઢી મારફત આ રકમ મોકલી હતી. આ રકમ સુરતથી જતીન દેવેન્દ્રભાઇ કોઠારીએ આંગડીયામાંથી સ્વીકારી હતી. બાદમાં સાંજ સુધી મેં રૂપિયા દર વખતની જેમ ત્રણેક કલાકમાં મને પાછા મળી જાય તેની રાહ જોઇ હતી.
પરંતુ બાદમાં રાજુ ભંડેરીને ફોન કરતાં તેનો ફોન બંધ થઇગયો હતો, વ્હોટ્સએપ કોલ કરતાં તેણે કહેલુ કે હું દુબઇ છું, સાદો કોલ નહિ લાગે તમારા રૂપિયા સેફ છે, રૂપિયા આવવમાં મોડુ થયું છે જેથી તમને આપી શકાયા નથી. તમને રૂપિયા કાલે મળી જશે. તેમજ રાજુ ભંડેરીએ પોતે દુબઇની કરન્સી ગણતા હોય તેવો વિડીયો તથા ફોટા વ્હોટ્સએપમાં મોકલ્યા હતાં. પરંતુ બીજા દિવસે પણ મને મારા રૂપિયા ન મળતાં મેં ફોનક રતાં અલગ અલગ બહાના બતાવ્યા હતાં. આ પછી મેં મારા મિત્ર રાજુના દિકરા સિધ્ધાર્થને ફોન જોડતાં તેણે કહેલુ કે મારા પિતાજી દુબઇથી પાછા આવે એટલે તમને રૂપિયા આપી દઇશ.
એ પછી ૩૦/૧૧/૨૩ના રોજ હું મિત્ર રાજુ ભંડેરીની મળવા સુરત ગયો હતો. પણ તે મળ્યો નહોતો, તેના પુત્ર સિધ્ધાર્થને મળતાં તેણે મારી ઓળખાણ તેના મિત્ર જતીન કોઠારી સાથે કરાવી હતી. તેમજ સિધ્ધાર્થે કહેલુ કે જતીન આપણો માણસ છે, કંઇ જરૂર હોય તો કોન્ટેક્ટ કરજો. હું વીસેક દિવસ સુરત રોકાયો હતો. પછી રાજકોટ આવી ગયો હતો. ત્યારબાદ ૬/૧/૨૪ના રોજ હું ફરી સુરત હતો ત્યારે રાજુ ભંડેરીને સુરતમાં વરાછા રીંગ રોડ પર ભગતની ચા પાસે મળતાં રાજુએ કહેલુકે મારા દિકરા સિધ્ધાર્થ સાથે તેના પાર્ટનર અંકિત અજુડીયાએ ખોટુ કર્યુ છે, જેથી તમારા રૂપિયા ફસાઇ ગયા છે. હું એકાદ મહિનામાં આપી દઇશ. એ પછી મેં અંકિતને વ્હો્ટસએપથી કોન્ટેક્ટ કરતાં તેણે કહેલુ કે કાકા હૂં તમારા રૂપિયા પાંચ દસ દિવસમાં જ આપી દઇશ. એ વખતે હું સુરતમાં પાંચ દસ દિવસ અલગ અલગ હોટેલમાં રોકાયો હતો. તેમજ રાજુ અને તેના દિકરાનો વારંવાર ફોનથી સંપર્ક કરી મારા ૫૫ લાખની ઉઘરાણી કરહતી. પરંતુ આ બંનેએ અલગ અલગ બહાના બતાવ્યા હતાં. મેં મારા અને મિત્ર ભાવીન સાંગાણીના રૂપિયાનું રોકાણ કર્યુ હતું.
રાજુ ભંડેરી, તેનો પુત્ર સિધ્ધાર્થ, સિધ્ધાર્થના મિત્રો અંકિત અને જતીને મળી મારી સાથે ઠગાઇકરી હોઇ અંચે ફરિયાદ કરવી પડી હતી. તેમ વધુમાં દેવેનભાઇ મહેતાએ જણાવતાં ગાંધીગ્રામ પીઆઇ કે. જે. કરપડાની રાહબરીમાં પીએસઆઇ એસ. બી. જાડેજાએ ગુનો દાખલ કરી આરોપીઓને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.
(4:05 PM IST)










