તા. ૪ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૮ શુક્રવાર
News of Friday, 25th October 2024
હરિ ધવા રોડ પારસ સોસાયટીના પિયુષ ઠુમ્મરને વ્યાજ પ્રશ્ને મિત્ર નરેશે છરી ઝીંકી
બે વર્ષ પહેલા પાંચ ટકે વીસ હજાર લીધા હતાં: થોરાળા પાસેથી ગ્રીનલેન્ડ ચોકડીએ વાત કરવાના બહાને લઇ જઇ હુમલો કર્યાનું કથન

રાજકોટ તા. ૨૫: હરિ ધવા રોડ પર પારસ સોસાયટી-૧માં રહેતાં પિયુષ ધીરૂભાઇ ઠુમ્મર (ઉ.વ.૩૮)ને સાંજે સાડા આઠેક વાગ્યે ગ્રીનલેન્ડ ચોકડી પાણીના ટાંકા પાસે હતો ત્યારે તેના જ મિત્ર નરેશ સોજીત્રાએ ઝઘડો કરી છરીથી હુમલો કરી છાતી, હાથ, ખભા પર ઇજા કરતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.
પિયુષે કહ્યું હતું કે હું લોખંડનું મજુરી કામ કરુ છું. સાંજે હું સાડા આઠેક વાગ્યે કામ સબબ થોરાળા નજીક હતો ત્યારે નરેશ આવ્યો હતો અને કામ છે કહી તેના બાઇકમાં બેસાડી ગ્રીનલેન્ડ ચોકડીએ પાણીના ટાંકા પાસે લઇ ગયો હતો. જ્યાં વ્યાજના પૈસા મામલે વાત કર્યા બાદ તેણે હવે મારે પૈસા જોતા જ નથી, તને મારવો છે તેમ કહી છરી કાઢી હુમલો કરી દીધો હતો અને ઘા મારી દીધા હતાં. દેકારો મચાવતાં તે ભાગી ગયો હતો અને લોકો ભેગા થઇ જતાં મને કોઇએ હોસ્પિટલે ખસેડયો હતો.
પિયુષે વધુમાં કહ્યું હતું કે મેં બે વર્ષ પહેલા મિત્ર નરેશ પાસેથી વીસ હજાર પાંચ ટકા વ્યાજે લીધા હતાં અને ત્રણ ચાર મહિના વ્યાજ ભર્યુ હતું. પછી રકમ ચુકવી શક્યો નહોતો. ઉઘરાણી મામલે આ હુમલો થયાનું તેણે કહ્યું હતું. હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, ધર્મેન્દ્રભાઇ હુદડે જાણ કરતાં બી-ડિવીઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
(2:51 PM IST)










