તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Friday, 25th October 2024
દિવાળીના તહેવારોમાં હેલ્મેટના નામે સામાન્ય લોકોને દંડ ફટકારવાને બદલે ટ્રાફીક નિયમન સુદ્રઢ બનાવો
શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણીની પોલીસ કમિશ્નર બ્રજેશ ઝાને રજુઆત

રાજકોટ, તા., રપઃ હેલ્મેટના કાયદાના અમલીકરણના નામે પોલીસ દ્વારા દિવાળીના તહેવારો ઉપર જ છેલ્લા કેટલાક દિવસોથી હેલ્મેટ ન પહેરવા બદલ ફટકારાતા દંડના કારણે આમ લોકોની હાલત કફોડી બની રહી છે. બિલ અને વેરા ભરવા જતા લોકોના ખિસ્સામાંથી આ નાણા ઉપરાંત પ૦૦-પ૦૦ રૂા.નો વધુ ચાંદલો પોલીસને ધરવો પડતો હોવાથી લોકો પરેશાન થઇ ગયા છે. ત્યારે આવી ઉઘાડી લુંટ બંધ કરી શહેરમાં વ્યાપેલી ટ્રાફીકની બદીને દુર કરવા સુદ્રઢ આયોજનની જરૂર હોવાની રજુઆત શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી દ્વારા કરવામાં આવી છે.
રજુઆતમાં જણાવાયું છે કે, પોલીસ દ્વારા રાજકોટ શહેરમાં છેલ્લા ચારેક દિવસથી હેલ્મેટના નામે લોકોને લૂંટવાનું ચાલી રહ્યું છે ત્યારે શહેરમાં ટ્રાફિક નિયમન સુદ્રઢ બનાવવા અમારી માંગ છે. દિવાળીના તહેવારો હોય લોકો ઉજવણીમાં વ્યસ્ત હોય ત્યારે કોરોના બાદ લોકો કારમી અને કાળજાળ મોંઘવારીના મારથી ત્રસ્ત છે ત્યારે શહેર પોલીસ દ્વારા શહેરમાં મુખ્ય રસ્તા ઉપર હેલ્મેટ ના નામે જે રીતે દંડનીય કાર્યવાહી થાય છે. અને તોતિંગ દંડ વસૂલવામાં આવે છે ત્યારે શહેરીજનોની દિવાળી બગાડવામાં આવી રહી છે. શહેર પોલીસ આમ તો અંદાજે ૮ લાખનો નિયમિત દંડ કરતી હતી હવે હેલ્મેટ ના નામે લોકોને લૂંટતા વધુ દંડની રકમ ના ઉઘરાણા થઈ રહ્યા છે ત્યારે શહેરમાં મસ મોટા ખાડાઓ તેમજ ટ્રાફિક ર્પાકિંગની સુવિધા આપવામાં રાજકોટનું મહાનગરપાલિકા સદંતર નિષ્ફળ નિવડેલ છે અને કરોડો રૂપિયાના ટેક્સ આપવા છતાં સામાન્ય સફેદ કે પીળા પટ્ટા પણ ન હોવાને પગલે લોકોને હાલ તો પોલીસ કાયદાના જોરે જુલમ કરી રહી હોય તેવું જણાય છે.
અમારી જાણ મુજબ હાલ ટ્રાફિકની ડ્રાઈવ સરકારી કચેરીઓ પાસે હેલ્મેટ ના નામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી છે ત્યારે સામાન્ય કરવેરા કે સામાન્ય લાઈટ બિલ ભરવા આવનાર જેમાં ૩૦૦ થી ૪૦૦ રૂપિયાના બિલ ની સામે ૫૦૦ રૂપિયા જેવો તોતિંગ દંડ સામાન્ય નાગરિક પાસે વસૂલવામાં આવે છે.
રાજકોટ શહેરની મુખ્ય બજારો લાખાજીરાજ રોડ, ધર્મેન્દ્ર રોડ, ગુંદાવાડી, પરાબજાર સહિતના વિસ્તારોમાં અને શહેર ના મુખ્ય ચોકમાં ટ્રાફિકજામ અને ટ્રાફિક નિયમન ના નામે કોઈ જાતની કાર્યવાહી પોલીસ તંત્ર કે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવતી ન હોવાને કારણે વખતો વખત આવા વિસ્તારોમાં ઘર્ષણ ઊભું થયું છે જે તાજેતરના બનાવો પરથી સાબિત થાય છે ત્યારે પોલીસ તંત્ર દ્વારા ટ્રાફિક જામની જે સ્થળોએ ફરિયાદો ઊઠવા પામી છે અને શહેરના આઈવે પ્રોજેક્ટ હેઠળ જ્યારે તમામ ગતિવિધિઓ પર નજર છે ત્યારે આ ટ્રાફિક નિયમન ને અગ્રતા આપી ટ્રાફિક નિયમન પોલીસ તંત્ર સુદ્રઢ બનાવે હાલ શહેરમાં અપૂરતું પોલીસ દળ હોવાને પગલે ટ્રાફિક વ્યવસ્થામાં દરેક ટ્રાફિક પોઇન્ટ પર પૂરતો બંદોબસ્ત હોતો નથી ત્યારે હાલ હેલ્મેટ ના કાયદાની અમલવારી માં વધારે અને વધારે પોલીસને લગાડવાને બદલે દિવાળી સુધી જાહેર રસ્તા પરના ખાડાઓની મરામત માટે રાજકોટ મહાનગરપાલિકા સાથે સંકલન કરી જીવલેણ અકસ્માત સર્જાય એ પહેલા પોલીસ તંત્ર આ બાબતમાં ધ્યાન આપવું ઘટે. કારણ કે હેલ્મેટ પહેર્યું હોવા છતાં જીવલેણ અકસ્માત સર્જાય છે. શહેરમાં જીવલેણ અકસ્માતો એ ખાડાઓ અને ઓવર સ્પીડમાં વાહન હંકારતા થયાનું રેકોર્ડ પર છે
(4:11 PM IST)










