તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 22nd October 2024
ત્રંબાની પોપ્યુલર સ્કુલમાં કાલે ત્રિવિધ સમારોહ
એઇમટ્રોન ફાઉન્ડેશનના સહયોગથી રકતદાન કેમ્પ, આંખનો તપાસ કેમ્પ અને વિદ્યાર્થી સન્માનનું આયોજન

રાજકોટ તા. ૨૨ : પોપ્યુલર સ્કુલ ત્રંબાના આંગણે એઇમટ્રોન ફાઉન્ડેશન દ્વારા કાલે તા. ૨૩ ના બુધવારે નિઃશુલ્ક નેત્રયજ્ઞ, રકતદાન કેમ્પ અને વિદ્યાર્થી સન્માન એમ ત્રિવિધ સમારોહનું આયોજન કરાયુ છે.
‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા સંસ્થાના આગેવાનોએ જણાવ્યુ હતુ કે સ્વસ્થ સમાજ સ્વસ્થ ભારતના હેતુથી સિધ્ધ કરવા એઇમટ્રોન ફાઉન્ડેશન દ્વારા કાલે તા. ૨૩ ના સવારે ૮ થી બપોરે ૧ સુધી પોપ્યુલર સ્કુલ, ત્રંબા ખાતે આ સમારોહ યોજેલ છે.
જેમાં રેડક્રોસ બ્લડ બેંકના સહયોગથી યોજાનાર રકતદાન કેમ્પમાં વધુને વધુ સંખ્યામાં રકતદાન કરવા અનુરોધ કરાયો છે. અંદાજીત ૩૦૦ થી વધુ યુનિટ રકત એકત્ર થાય તેવી ધારણા સેવવામાં આવી છે. રકતદાતાઓને પ્રોત્સાહન ભેટ અપાશે.
ઉપરાંત રણછોડદાસજી બાપુ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત આંખની હોસ્પિટલના સહયોગથી વિનામુલ્યે આંખનો તપાસ કેમ્પ યોજાશે. મોતીયો, જામર, વેલ, લઘુદ્રષ્ટિની ખામી તેમજ ગુરૂદ્રષ્ટિની ખામી વગેરે તપાસ કરી જરૂરી સારવાર અપાશે.
ઉપરાંત પોપ્યુલર સ્કુલ ખાતે ચાલતા સ્પર્ધાત્મક અને આમીની તૈયારીના ચાલતા વર્ગોના તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનીત કરવા પણ આયોજન કરાયુ છે.
માનવસેવા માટે કાર્ય કરતી સંસ્થા એઇમટ્રોન ફાઉન્ડેશન (યુ.એસ.એ.) દ્વારા આયોજીત આ કાર્યક્રમ માટે જેરામભાઇ વસાણીની પ્રેરણાથી તેમના સુપુત્ર મુકેશભાઇ વસાણી (ચેરમેન એઇમટ્રોન) પોતાના વતનનું ઋણ ચુકવવા આ આયોજનમાં સહભાગી બન્યા છે.
એઇમટ્રોન ફાઉન્ડેશનનો ઉદેશ્ય સમાજ શિક્ષિત અને સ્વસ્થ બને તેવા હેતુથી મહિલા સશક્તિકરણના ભાગરૂપે ત્રંબા ગામે પોપ્યુલર સ્કુલમાં સિવણના વર્ગો પણ ચલાવવામાં આવે છે. જેમાં ૧૮૦ બહેનો સિવણની તાલીમ લઇ પગભર બની ચુકયા છે. હાલ સરધાર ગામે પણ સિવણ વર્ગ શરૂ કરાયો છે. જેમાં આસપાસના ૮ થી ૧૦ ગામના બહેનો સિવણની તાલીમ મેળવી રહ્યા છે.
સંસ્થા દ્વારા બરોડાના સુખલીપુર ખાતે સિવણના વર્ગો તેમજ લીમડા (વાઘોડીયા) ગામે સિવણ અને કોમ્પ્યુટરના વર્ગો શરૂ કરાયા છે.
ત્રંબા ખાતે યોજાયેલ આ ત્રિવિધ કેમ્પનો વધુને વધુ લોકોએ લાભ લેવા પોપ્યુલર સ્કુલના સર્મીલાબેન બાંભણીયા (મો.૯૭૨૫૨ ૦૮૮૭૭) દ્વારા અનુરોધ કરાયો છે.
તસ્વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા એઇમટ્રોન ફાઉન્ડેશનના સી.ઇ.ઓ. મુકેશભાઇ વસાણી, પોપ્યુલર સ્કુલના સર્મીલાબેન બાંભણીયા, ગોપાલભાઇ શાહ, ચિંતનભાઇ જોશી, મગનભાઇ પરસાણા, રાજેશભાઇ અદાણી, ભાનુબેન વસાણી, નિષ્ઠાબેન વસાણી નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)
(11:22 AM IST)










