તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 21st October 2024
કલેકટર તંત્રે કોઇ પ્રશ્ન ઉકેલ્યો નથીઃ અનુસુચીત જાતિ અધિકારી આંદોલન સમીતીની રેલીઃ દેખાવોઃ કલેકટરને આવેદન
કલેકટર ન્યાય અંગે લેખીતમાં આપે તેવી માંગણીઃ ગાર્ડનમાં ધરણા ઉપર બેઠા : સિધ્ધાર્થ પરમારની આગેવાની : ઉગ્ર દેખાવો : ભરતી-પ્લોટ તથા અન્ય બાબતે વિસ્તૃત રજુઆતો

રાજકોટ, તા., ર૧: અનુસુચીત જાતી અધિકારી આંદોલન કમીટીના આગેવાનો-કાર્યકરોએ રેલી કાઢી, કલેકટર કચેરીએ ઉમટી પડી કલેકટરને આવેદન પાઠવી કલેકટરના કાર્યકાળ દરમિયાન અનુસુચિત જાતિ ના અનેકો રજૂઆત માથી એક પણ રજૂઆત ને ન્યાય આપવામાં આવેલ નથી તેવી રજુઆત કરી હતી અને રજુ કરાયેલ પ્રશ્નો અંગે નિવેડો આવશે તેવી લેખીતમાં ખાત્રી માંગી કલેકટર કચેરીના ગાર્ડનમાં ધરણા ઉપર બેસી દેખાવો યોજયા હતા. આગેવાની પુર્વ ધારાસભ્ય શ્રી સિધ્ધાર્થ પરમાર તથા અન્યોએ લીધી હતી. આવેદનમાં જણાવેલ કે, તા.૨૭/૯/૨૦૨૩ ના રોજ વિશાળ રેલી સ્વરૂપે અનુસુચિત જાતિ ના લોકોએ આપને લેખીત આવેદનપત્ર આપેલ હતુ. જેમા આપે અલગ-અલગ વિભાગો માં માત્ર પત્ર લખી જવાબદારી પૂરી કરી નાખેલ જેમા આપશ્રીએ એક પણ વિભાગ ને ન્યાયિક કાર્યવાહી કરવા કડક આદેશ ન કરતા આજ દિન સુધી આમાના એક પણ મુદ્દા માં અનુસુચિત જાતિ ના લોકોને ન્યાય મળેલ નથી
રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન માં વર્ગ-૪ માં સફાઈ કામદારો ની ભરતી માટે તા.૭/૩/૨૦૨૪ નો જનરલ બોર્ડ ઠરાવ નં.૧૬૪ ગૈરબંધારણીય છે. જેને રદ્દ કરવા માટે આપને અને રા.મ્યુ.કોર્પોરેશનના કમિશ્રરશ્રીને કામદાર યુનિયન દ્વારા વારંવાર રજુઆતો કરવા છતા કોઈ કાર્યવાહી આજ દિન સુધી કરવામાં આવેલ નથી.
કોઠારીયા ગામમાં લેન્ડ કમિટી દ્વારા ફાળવવામાં આવતા પ્લોટ માં મોટા ભાગના અનુસુચિત જાતિ, ઓબીસી અને અલ્પ સંખ્યક સમાજના લોકો ને અન્યાય કરવામાં આવેલ છે. જેમા ફાળવવામાં આવેલ પ્લોટ માં તપાસ કરવામાં આવે અને ગૈરલાયક ફાળવેલ પ્લોટો પરત લઈ, જરૂરીયાતમંદ લાયક લોકોને ફાળવવામાં આવે અને આ કૌભાંડ માં શામિલ લોકો ઉપર કાનૂની કાર્યવાહી કરવામાં આવે.
અનુસુચિત જાતિના લોકોએ ૧૯૭૯ નાના મૌવા સર્વે નં. ૧૧૪ (૧) અને ૧૧પ માં મહેશચંદ્ર જટાશંકર ભટ્ટ (શાષાી) પાસેથી વેચાણ ખરીદ કરેલ અને સૂચિત સોસાયટી તરીકે લગભગ ર૦૦ મકાન ઉભા છે. અનુસુચિત જાતિ લોકોની આ જમીન પરત મેળવી લેવા માટે ષડયંત્ર થઇ રહ્યું છે, જે બાબતે આપના સમક્ષ અનેક વાર લેખિત રજૂઆતો કરવામાં આવેલ છે.
નાના મૌવા વિસ્તાર રા. મ્યુ. કોર્પોરેશનની હદમાં ભળ્યા પહેલાથી જય ભીમનગર નામના વિસ્તારમાં લગભગ ૭૦૦ મકાનો ઉભા છે. જે જમીન કિંમતી થતા રાજકોટ મ્યુનિસીપાલના સત્તાધીશો અને ભૂમાફિયાઓ આ જમીન હડપ કરવા માટે અનુસુચિત-જાતિના લોકોના મકાનોનુ ડીમોલીશન કરવા માંગે છે. જેમાં વિસ્તારના રહેવાસીઓનો સખ્ત વિરોધ છે. તેમજ જીવરાજપાર્ક પાસે સુવર્ણભૂમિ એપાર્ટમેન્ટ પાસે વોર્ડ નં. ૧૧ માં દસ્તાવેજ ધરાવતા અનુસુચિત જાતના લોકોના મકાનો ટીપીના રોડનું ખોટુ બહાનુ બતાવી તોડી પાડયા અને આ લોકોને બેઘર કરી નાખેલ છે. જેમાં જવાબદાર અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવે.
ઉપરોકત બાબતે આપને લેખિત રજૂઆતો કરતા આપે લગત વિભાગોને પત્ર માત્ર લખીને જવાબદારીથી છૂટકારો મેળવી લેતા અનુસુચિત જાતના લોકોને તેમના સાચા પ્રશનોમાં અન્યાય થયેલ છે. આપને કલેકટર અને જીલ્લા મેજીસ્ટ્રેટ તરીકે કાનૂની સત્તા છે કે આપ લગત વિભાગને કડક સુચના આપી શકો છો. આ લગત વિભાગને કલેકટર કચેરીમાં બોલાવી તાત્કાલીક યોગ્ય કરવા માટે કડક સુચના આપી શકો છો. પરંતુ આપે આપના ચીટનીશ દ્વારા હળવા પત્રો લગત વિભાગને લખાવ્યા જેના કારણે અનુસુચિત જાતિના લોકો અન્યાયનો ભોગ બનેલ છે, આથી અઆજ રોજ ત્રિકોણ બાગ થી રેલી દ્વારા કલેકટર કચેરી રાજકોટ ખાતે ધરણા ઉપર અમે લોકો બેઠા છીએ.
પોલીસનો દૂરઉપયોગ કરી અમારી ન્યાયીક માંગને દબાવા માટે આપ અમારી અટકાયત કરાશો તો જેલ હવાલે થવા પણ તૈયાર છીએ, પરંતુ ન્યાય નહિ મળશે. ત્યાં સુધી કાયદાની મર્યાદામાં અમારૂ આંદોલન શાંતિપૂર્ણ રીતે ચાલુ રહેશે., રજૂઆતમાં સર્વશ્રી સિધ્ધાર્થ પરમાર, વશરામ સાગઠીયા, પારસ બેડીયા, જીતુભાઇ મહીડા, મોહનભાઇ રાખૈયા, દિનેશભાઇ પડીયા, માવજીભાઇ રાખશીયા વિગેરે જોડાયા છે.
(3:12 PM IST)










