<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 17th October 2024

વિરાણી અઘાટના ફેકટરી માલિક રસિકભાઇ ખાણધર સાથે ભાગીદાર-સેલ્સમેનની ૫૬.૪૭ લાખની ઠગાઇઃ એક પકડાયો

વેરીટો ઇન્ડિયામાં કોમ્પ્યુટર સર્વિસ માટે આવતાં ધવલ ખાંટને નોકરીએ રાખ્યો પછી ૩૩ ટકાનો ભાગીદાર બનાવ્યોઃ તેણે હિતેષ સાથે મળી છેતરપીંડી કરીઃ ભકિતનગર પીઆઇ મયુરધ્વજસિંહ સરવૈયા, પીએસઆઇ જે. જે. ગોહિલ, એએસઆઇ નિલેષભાઇ મકવાણાએ કાર્યવાહી કરી

રાજકોટ તા. ૧૭ : નાના મવા રોડ પર અજમેરા શાસ્ત્રીનગર પાછળ બી-૧૮ વ્હાઇટ હાઉસ બંગલોમાં રહેતાં અને વિરાણી અઘાટ ઘનશ્યામનગર-૨માં વેરીટો ઇન્ડિયા નામે હાર્ડવેર પ્રોડકટ, સેનેટરીવેરને લગતી પ્રોડકટનું કારખાનુ ધરાવતાં રસિકભાઇ વિરજીભાઇ ખાણધર (ઉ.વ.૫૦)ની પેઢી સાથે મવડી જીવરાજ પાર્ક સત્યજીત સોપાન એપાર્ટમેન્ટમાં રહેતો ધવલ વલ્લભભાઇ ખાંટ અને પુનિતનગર-૧૦ બ્લોક નં. ૬૭માં રહેતો હિતેશ હરિભાઇ કલોરાણીયા  ભાગીદાર અને સેલ્સમેન તરીકે જોડાયેલા હોઇ ભાગીદારી છુટી થતાં રસિકભાઇને લેવાના નીકળતાં રૃા. ૫૬ લાખ ૪૭ હજાર  ન ચુકવી તેમજ ધવલે પોતે વેરીટોનો માલિક હોય તે રીતે રસિકભાઇની પેઢીની બ્રાન્ડનો ઉપયોગ કરી વેરીટોનો માલ પરત મંગાવી અશ્વેધ બ્રાન્ડનો માલ વેપારીઓને આપી તેમજ ૧.૮૦ લાખના બે મોબાઇલ ફોન અને એક બૂલેટ મળી ૩,૪૭,૦૦૦ પણ લઇ જતાં ફરિયાદ થઇ છે.

 ફરિયાદમાં રસિકભાઈએ જણાવ્યું છે કે તેના કારખાને અને બીજી પેઢી વાયબ્રન્ટ મેટલ ટેકમાં ધવલ કોમ્પ્યુટર સર્વિસનું કામ કરવા આવતો હતો. જેને કારણે તેને ૨૦૦૬થી ઓળખે છે. જે-તે વખતે તેણે કહ્યું હતું કે તેની પાસે કોઈ ધંધો નથી, હાલ જે ધંધો છે તેમાં કમાણી નથી, જેથી તેના કારખાનામાં ગમે તે યુનિટમાં નોકરીમાં રાખી લેવા વિનંતી કરી હતી. પરિણામે તેને ૨૦૧૯માં તેના કારખાનામાં એકપણ રૃપિયાનું રોકાણ કરાવ્યા વગર ૩૩ ટકાના ભાગીદાર તરીકે રાખ્યો હતો. જેનો દસ્તાવેજ પણ કર્યો હતો. ત્યાર પછી ધવલને માર્કેટીંગ, ઓફિસ વર્ક, એકાઉન્ટ અને ફાયનાન્સને લગતું તમામ કામ સોંપ્યું  હતું. જેથી તે ટુરમાં જઈ વેપારીઓને શોધી લાવતો હતો. થોડા સમય બાદ માર્કેટીંગના કામ માટે રાખ્યો હતો. આ રીતે બંને આરોપી તેના કારખાનામાં  સેલીંગ સહિતનું તમામ કામ સંભાળી,  તમામ વહિવટ પણ કરતા હતા. ૨૦૨૩માં રસિકભાઇની તબિયત લથડતા બે- ત્રણ મહિના કારખાને જઈ શક્યા ન હતા. આ સમય દરમિયાન બંને આરોપીઓએ તેની ગેરહાજરીનો ફાયદો લઈ તેના કારખાનાનો મહત્વનો ડેટા લઈ લીધો હતો. જે ડેટામાં પાર્ટીના કોન્ટેક, પ્રોડકટ કોસ્ટીંગ વગેરે હતા.

આ ઉપરાંત બંને આરોપીઓએ તેની જાણ બહાર વાવડીમાં અલગથી બીજુ યુનિટ ઉભું કરી તેમાં મેટ ફોકસ મેટલ નામનું કારખાનું શરૃ કરી દીધું હતું. પોતાની બ્રાન્ડનું નામ અશ્વેધ રાખ્યું હતું. ગઈ તા. ૩૧-૩-૨૦૨૪ના રોજ ધવલે તેને કહ્યું કે કારખાનામાં મને પ૦ ટકા ભાગીદારી કરી આપો અથવા તો હિસાબ આપીને છૂટ્ટો કરો. જેથી તેને ભાગીદારીમાંથી છુટ્ટો કર્યો હતો. તે વખતે તેનો હિસાબ પણ કરી દીધો હતો. નોટરી રૃબરૃ ભાગીદારી છુટ્ટી થયાનો દસ્તાવેજ પણ કર્યો હતો. ધવલ પાસે તે વખતે તેના હસ્તકના અલગ-અલગ વેપારીઓ પાસેથી રૃા. ૫૬.૪૭ લાખ લેવાના નીકળતા હતા. આ તમામ વેપારીઓની માહિતી માત્ર ધવલ પાસે જ હતી. જેથી તે ઉઘરાણું કરી રકમ ચુકવી આપશે તેવું નકકી થયું હતું. સાથો-સાથ ધવલે પોતે તેના કારખાનાની હાર્ડવેર પ્રોડકટનો ઉપયોગ નહીં કરે તેવી બાંહેધરી પણ આપી હતી. જેથી તે ધંધામાં નડતરરૃપ ન થાય તે માટે તેને ગુડવીલના રૃા. ૧૨ લાખ ચુકવ્યા હતા. ત્યારબાદ ભાગીદારી છુટ્ટી થયા બાદ ધવલે વેપારીઓ પાસેથી લેવાના થતા રૃા.૫૬.૪૭ લાખ ઉઘરાણી કરી તેને આપ્યા ન હતા. આ બાબતે આજ સુધી કોઈ જવાબ પણ આપ્યો નથી. એટલું જ નહીં તેના માણસ હિતેષને પણ સાથે લઈ ગયો હતો. બંને આરોપીઓએ તેના ગ્રાહકો પાસે જઈ એવું કહેવાનું શરૃ કર્યું હતું કે વેરીટો બ્રાન્ડના અમે માલીક છીએ, આ બ્રાન્ડને પ્રિમીયમ સેગમેન્ટમાં કન્વર્ટ કરી છે, હવેથી અમે તમને અશ્વેધ બ્રાન્ડનો માલ આપીશું, વેરીટો બ્રાન્ડનો માલ તમારી પાસે પડયો હોય તો અમને પરત આપી દયો, તે માલ હવે વેચવાનો નથી. આ રીતે તેની બ્રાન્ડનો માલ વેપારીઓ પાસેથી પાછો મંગાવે છે અને પોતાનો માલ મોકલે છે. જેનું પેમેન્ટ તેણે કરવું પડે છે. પરિણામે ધંધામાં મોટી આર્થિક નુકસાની થઈ છે. આ ઉપરાંત બંને આરોપીઓએ આ ઉપરાંત બંને આરોપીઓએ  સોશિયલ મીડીયામાં વેરીટોના માલીક હોય તે રીતે પોતાના મોબાઈલ નંબરો લખી  નાખ્યા હતા. તેના પુત્રનું બાઈક અને બે  મોબાઈલ ફોન પણ લઈ જઈ પરત આપ્યા  નથી. તેની પેઢીના ૨૦૧૯થી ૨૦૨૨ સુધીના રોજમેળ પણ અવાર-નવાર કહેવા છતાં પરત આપતો નથી. તેમ વધુમાં ફરિયાદમાં જણાવતાં પીઆઇ મયુરધ્વજસિંહ એમ. સરવૈયાની રાહબરીમાં પીએસઆઇ જેે. જે. ગોહિલ, નિલેષભાઇ મકવાણાએ ગુનો નોંધી ધવલને સકંજામાં લઇ વધુ તપાસ હાથ ધરી છે.

(2:31 PM IST)