<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 11th October 2024

સર્વોદય સોસાયટીમાં ગરબી જોઇને ઘરમાં આવ્‍યા બાદ ઢળી પડતાં નિકુલનું મોત

વૈશાલીનગરના ધનાભાઇ ધોળકીયાનું પણ હૃદય બેસી જતાં મૃત્‍યુ

રાજકોટ તા. 11: હૃદય રોગના હુમલાથી મૃત્‍યુના બનાવો યથાવત રહ્યા છે. થોરાળા ન્‍યુ સર્વોદય સોસાયટીમાં રહેતાં 30 વર્ષના યુવાનનું અને રૈયા રોડ વૈશાલીનગરમાં 50 વર્ષના પ્રોૈઢનું હાર્ટએટેકથી મૃત્‍યુ થયું છે. નવા થોરાળા ન્‍યુ સર્વોદય-7માં રહેતો નિકુલભાઇ ચનાભાઇ રાઠોડ (ઉ.વ.30) રાતે બારેક વાગ્‍યે ગરબી જોઇને ઘરમાં આવ્‍યા બાદ એકાએક બેભાન થઇ ઢળી પડતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ દમ તોડી દેતાં સ્‍વજનોમાં કલ્‍પાંત સર્જાયો હતો. નિકુલભાઇ બે ભાઇમાં નાનો અને અપરિણીત હતો. તે છુટક મજૂરી કરતો હતો. હાર્ટએટેક આવી ગયાનું પરિવારજને કહ્યું હતું.

બીજા બનાવમાં રૈયા રોડ વૈશાલીનગર-3માં રહેતાં ધનાભાઇ ભલાભાઇ ધોળકીયા (ઉ.વ.50) સવારે એકાએક બેભાન થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્‍યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. તેઓ પાંચ ભાઇ અને બે બહેનમાં ચોથા હતાં અને રિક્ષા હંકારી ગુજરાન ચલાવતાં હતાં. સંતાનમાં એક પુત્રી અને બે પુત્ર છે. હાર્ટએટેક આવી ગયાનું જણાવાયું હતું. હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, કેતનભાઇ નિકોલા, ભાવેશભાઇ, તોૈફિકભાઇ, ધર્મેન્‍દ્રભાઇએ થોરાળા અને ગાંધીગ્રામ પોલીસને જાણ કરી હતી.

(3:04 PM IST)