તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 7th October 2024
વોર્ડ નં. ૧ની શાંતિનિકેતનથી અમૃત પાર્ક વચ્ચેની વિવાદીત દિવાલનો કડુસલોઃ રસ્તો ખુલ્લો કરાયો
મનપાની ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા કાર્યવાહી જયારે વોર્ડ નં. ૮ ની સૂર્યોદય સોસાયટીની ગેરકાયદે બાંધકામવાળી મિલ્કત સીલ કરતું તંત્ર

રાજકોટ તા. ૭: શહેરના વિવિધ વિસ્તારોમાં થયેલ ગેરકાયદે બાંધકામને દુર કરવા મનપાની ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા અવાર-નવાર ડીમોલીશનની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. ત્યારે આજે ફરી મનપાના બુલડોઝર ધણધણ્યા હતા અને વોર્ડ નં. ૧ તથા ૮ માંથી ગેરકાયદે બાંધકામોનો કડુસલો બોલાવવામાં આવ્યો હતો.
મહાનગરપાલિકાની ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા આજે તા. ૭ ના રોજ વોર્ડ નં. ૮ તથા વોર્ડ નં. ૧ માં થયેલ ગેરકાયદેસર દબાણ/બાંધકામ દુર કરવા ડિમોલીશન હાથ ધરવામાં આવેલ.
જેમાં વોર્ડ ૮ માં ભૂપતસિંહ વાઘેલાના સૂર્યોદય સોસાયટી, શેરી નં. ર, કાલાવડ રોડ સ્થિત ગેરકાયદેસર બાંધકામવાળી મિલ્કત સીલ કરાઇ છે.
જયારે ૧માં લતાવાસીઓ દ્વારા શાંતિનિકેતન સોસાયટીથી અમૃત પાર્કને જોડતો માર્ગ ઉપર પર બનાવેલ દીવાલને દુર કરેલ હતી.
આ ડીમોલીશનમાં ટાઉન પ્લાનીંગ શાખા વેસ્ટ ઝોનના આસી. ટાઉન પ્લાનર એમ. આર. શ્રીવાસ્તવ તથા એસ. જે. સીતાપરા તથા વેસ્ટ ઝોનનો તમામ ટેકનીકલ સ્ટાફ જગ્યા રોકાણ શાખાનો સ્ટાફ, રોશની શાખાનો સ્ટાફ તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે વિજિલન્સનો પોલીસ સ્ટાફ સ્થળ પર હાજર રહેલ.
(4:36 PM IST)










