તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 7th October 2024
વીકેન્ડમાં રંગ જામ્યોઃ મોડી રાત્રી સુધી ગલગોટો, સનેડો અને ઢોલીડાની ધૂમ
નવરાત્રીની રોનક વચ્ચે રાજકોટ શહેર આખી રાત ધબકતુ રહ્યું : શેરી-સોસાયટી ગરબાની મોજ સાથે મોડે સુધી નાસ્તા, વિવિધ વાનગીની મિજબાની

રાજકોટ,તા. ૭: રાજકોટ સહિત સર્વત્ર નવરાત્રી પર્વનો ઉત્સાહ, ઉમંગ અને ઉમળકો ચરમસીમાએ પહોંચ્યો છે. છેલ્લા બે મહિનાથી નવરાત્રી પર્વની કાગડોળે રાહ જોઇ રહેલા ખેલૈયાઓએ પહેલા દિવસથી ગરબા, દોઢિયા, દાંડિયા રાસની રમઝટ બોલાવી હતી. તેમાં પણ શનિવાર અને રવિવારે વીકેન્ડમાં પર્વનો રંગ બરાબર જામ્યો હોય એમ શેરી- સોસાયટી ગરબા અને કોમર્શિયલ આયોજનોમાં ગલગોટો, સનેડો અને ઢોલીડાની ધૂમ છવાઇ હતી. નવરાત્રીની રોનક વચ્ચે લોકોની ચહેલપહેલ દેખાઈ હોય શહેર આખી રાત ધબકતું રહ્યું હતું. ગરબે ઘૂમવાની મોજ સાથે જ નાસ્તા, વિવિધ વાનગીની મિજબાની પણ મોડી રાત સુધી ચાલી હતી.
આદ્યશક્તિની આરાધનાના અવસર નવરાત્રીના અવનવા રૂપરંગ શહેરમાં દેખાઇ રહ્યા છે. દર વર્ષે કાંઈક નવા ટ્રેન્ડ, બદલાવ સાથે પર્વની ઉજવણી થાય છે. તેમાં ચાલુ વર્ષે પરંપરાગત ગરબા, નોરતાની સાથે જ વેસ્ટર્ન કલ્ચરનું કોમ્બિનેશન હિટ સાબિત થઈ રહ્યું છે. સનેડો અને ઢોલીડાની સાથે જ આ વર્ષે ગલગોટો સ્ટેપનું ફયુશન ઉમેરાયું છે. પરંપરાગત ગરબાના ગીતો સાથે જ ફિલ્મી ગરબા ગીતોનો તડકો લાગ્યો છે. આ સ્થિતિમાં રાજકોટ શહેર નવરાત્રીની ઉજવણીમાં ઘેલું બન્યું છે. પ્રિ-નવરાત્રીની ઝાકમઝોળ પછી શનિવાર અને રવિવારે પર્વનો રંગ રેલાયો હતો. શહેરમાં ૧૦ જેટલા કોમર્શિયલ આયોજનોની સાથે જ શેરી અને સોસાયટી ગરબાનું મોટા પાયે આયોજન થયું હોય શનિવાર અને રવિવાર મોડી રાત સુધી ભીડ દેખાઈ હતી. શેરી-સોસાયટીમાં અંદાજે ૧૦૦૦થી વધુ ઠેકાણે આયોજનો થયા છે અને અનેક સોસાયટીઓમાં ૫૦થી લઈને મોટી સંખ્યામાં ખેલૈયાઓ ગરબે ઘૂમી રહ્યા છે. શહેરમાં અનેક સોસાયટીમાં ગરબાનું ભવ્ય આયોજન કરાયું હોય વીકેન્ડમાં ખેલૈયાઓ, આબાલવૃદ્ધ સૌને મોજ પડી ગઇ હતી. વળી, સ્વાદરસિયા ગરબાની રમઝટ સાથે જ મોડી રાત સુધી ખમણ, સેન્ડવીચ, ચાઈ નીઝ સહિતની વાનગીઓની મિજબાની પણ માણતા દેખાયા હતા. શનિવાર અને રવિવારે મોડી રાત સુધી લારી, રેસ્ટોરાં, હોટેલમાં ભીડ દેખાઈ હતી. બીજી બાજુ આદ્યશક્તિની આરાધના, ઉપાસનાના દોર વચ્ચે મંદિરોમાં ભક્તોની ભીડ ઊમટી પડી હતી. શહેરના કેટલાક મંદિરોમાં શનિવાર, રવિવારે અનુષ્ઠાનના વિશેષ આયોજનો કરાયા હતા.
(2:54 PM IST)










