<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 6th October 2024

વ્યાજંકવાદ... મિત્ર પાસે વ્યાજે લીધેલા ૨.૫૨ લાખ સામે અધધધ ૧૩.૬૭ લાખ ચૂકવ્યા છતા વધુ ૧.૪૮ લાખ માંગી ધમકી: ટ્રાવેલ બુકીંગનું કામ કરતા સુરેશ ચૌહાણની મનીષ પંડ્યા વિરૂધ્ધ ફરિયાદ: પ્ર. નગર પીઆઇ ભાર્ગવ ઝણકાતે ગુનો નોંધ્યો

રાજકોટઃ વ્યાજંકવાદનો વધુ એક બનાવ જાહેર થયો છે જેમાં ટ્રાવેલ બુકીંગનું કામ કરતાં યુવાને પોતાના જ મિત્ર પાસેથી દસ ટકા વ્યાજે લીધેલા ૨,૫૨,૪૦૧ (બે લાખ બાવન હજાર ચારસો એક)ની સામે અલગ અલગ ત્રણ બેન્ક એકાઉન્ટમાં ગુગલ પે મારફત કુલ રૂપીયા- ૧૩,૬૭,૩૩૯ (તેર લાખ સડસઠ હજાર ત્રણસો ઓગણચાલીસ પુરા) પેનલ્ટી વ્યાજ સહિત ચુકવી આપેલ હોઇ તેમ છતા હજુ ૧,૪૮,૦૦૦ની માંગણી કરી ધમકી અપાતી હતી.

આ બનાવમાં પ્ર. નગર પોલીસે સુરેશભાઇ વિભાભાઇ ચૌહાણ (ઉ.વ.-૪૨, ધંધો-ટ્રાવેલ્સ બૂકીંગ, રહે-પરસાણા નગર શેરી નં-૧૧, કાવેરી કોમ્પ્લેક્ષ, બીજો માળ, ફ્લેટ નં- ૨૦૬, જામનગર રોડ, રાજકોટ મુળ વતન ગામ–મેસરીયા તા-વાંકાનેર જી- મોરબી)ની ફરિયાદ પરથી મનીષ પંડ્યા વિરૂધ્ધ બી.એન.એસ કલમ-૩૫૧ (૩), ૩૫૨, ૧૧૫ (૨) તથા મની લેન્ડ એક્ટ કલમ-૪૦ તથા એટ્રોસીટી એક્ટ કલમ- ૩(૧) (આર) (એસ), ૩ (૨) ૫(એ) મુજબ ગુનો દાખલ કર્યો છે.

 સુરેશભાઇ વિભાભાઈ ચૌહાણએ ફરીયાદમાં જણાવ્યું છે કે  હું મોહસીનભાઈ આઈ.કે. સીલેકશન વાળાના મકાનમાં ભાડેથી છેલ્લા બે વર્ષથી રહું છું અને ટ્રાવેલ્સ બૂકીંગનો ધંધો કરૂ છું.આજથી આશરે બે વર્ષ પહેલા હું સાધુવાસાણી રોડ, ગુરૂજીનગર આવાસ યોજનાના ક્વાર્ટર, રાજકોટ ખાતે રહેતો હતો ત્યારે મનીષ પંડ્યા પણ સાધુવાસાણી રોડ, રાજકોટ ખાતે આવેલ આવાસ યોજનાના ક્વાર્ટર ખાતે રહેતા હતા અને તેઓ મારા અંગત મિત્ર હતા. અમે બન્ને ત્યાં નીચે ભેગા થતા હતા જેથી આશરે અઢી ત્રણ વર્ષે પહેલા હું મનીષ પંડ્યાના પરીવારને ભુજ ખાતે ફરવા લઇ ગયેલ હતો. અમે એકબીજાને ઓળખતા હોવાથી અલગ અલગ સ્થેળેથી અને સને મે-૨૦૨૨થી તારીખ-૩૧/૦૮/૨૦૨૪ ના સમય દરમિયાન ગુગલ-પે મારફત મનીષ પંડયા પાસેથી કુલ રૂપીયા- ૨,૫૨,૪૦૧ (બે લાખ બાવન હજાર ચારસો એક પુરા) ૧૦% વ્યાજે લીધેલ હતા. તેના બદલામા મે મનીષ પંડયાએ આપેલ અલગ અલગ ત્રણ બેન્ક એકાઉન્ટમાં ગુગલ પે મારફત મનીષને ગુગલ-પે થી રૂપીયા- ૧૩,૬૭,૩૩૯ (તેર લાખ સડસઠ હજાર ત્રણસો ઓગણચાલીસ પુરા) પેનલ્ટી વ્યાજ સહિત ચુકવી આપેલ હતા. તેમ છતાં મનીષભાઇ પંડ્યા મારી પાસે રૂપીયા ૧,૪૮,૦૦૦ની માંગણી કરે છે.

ઉપરાંત આજથી આશરે ત્રણેક મહીના પહેલા મનીષ પંડયાએ રૈયા રોડ નાયરા પેટ્રોલ પમ્પની સામે ખોડીયા૨ ટી સ્ટોલ પાછળની શેરીમાં મને બોલાવેલ હતો. ત્યાં મને મુઢ માર મારેલ હતો પણ મારા મીત્ર હોવાથી મે કોઈ ફરિયાદ કરેલ નહી અને સારવાર પણ લીધેલ ન હતી. મને અનેક વાર ફોનમાં મનીષએ ગાળો પણ આપેલ છે. આજથી આશરે બે મહીના પહેલા હુ અને મનીષ પંડ્યા જામનગર રોડ કનૈયા હોટેલ ખાતે ભેગા થયેલ હોય ત્યારે પણ તેણે મારી સાથે બોલાચાલી કરી જાતી વિષયક અપશબ્દો બોલેલ હતા. હવે મનિષ પંડ્યા મને કહે છે કે, તારા જેટલા સમાજના હોય તેને બોલાવી લેજે તેમ કહેલ અને જાતિ વિષયક અપશબ્દો બોલેલ હતા.

 તેમજ ગઇ તારીખ ૧૯/૦૯/૨૦૨૪ના રોજ મનીષ પંડયાએ મારે ઘરે આવી મારી માતાને કહેલ તમારા દિકરાને બોલાવો નહીતર તમારા દિકરાના દિકરાને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપેલ હતી. હાલ મારી પાસે રૂપીયા ન હોઇ તેમ છતા વ્યાજના રૂપીયાની પઠાણી ઉઘરાણી તે કરતો હોઇ જેથી હુ અમારા સમાજના આગેવાન અજયભાઈ વાઘેલા તથા દિપકભાઈ ચૌહાણને લઈ ફરિયાદ કરવા પહોંચ્યો હતો. તેમ વધુમાં સુરેશભાઈએ કહેતાં પીઆઇ બી.એમ. ઝણકાતે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

(6:19 PM IST)