તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 6th October 2024
વાહનોની ડેકી તોડી ચોરી કરતી ટોળકી સક્રિય: શહેરમાં બે બનાવમાં ૩.૯૪ લાખની મત્તા ચોરાઈ: માલવીયાનગર, ભક્તિનગર પોલીસે તપાસ આદરી

રાજકોટઃ શહેરમાં વાહનોની ડેકી તોડી ચોરી કરતી ટોળકી ફરી સક્રિય થઈ હોય તેમ બે આવા બનાવ નોંધાયા છે. માત્ર ત્રણ કલાકના અંતરે બે ટુ-વ્હીલરની ડેકી તોડી રૂપિયા ૩ લાખ ૯૪ હજારની રોકડ ચોરી જવામાં આવતાં માલવીયાનગર અને ભક્તિનગર પોલીસે તપાસ શરૂ કરી છે. મવડી પાસે લક્ષ્મીનગર શાક માર્કેટમાં એક્ટિવાની ડેકીમાંથી ૧.૪૪ લાખ અને કોઠારિયા મેઈન રોડ પર એક્સેસમાંથી ૨.૫૦ લાખ રોકડ તફડાવી જતા જે તે ડિવિઝન, ક્રાઇમ બ્રાન્ચ,એલસીબીની ટીમોએ તપાસ શરૂ કરી છે.
પહેલા બનાવની વિગત મુજબ મવડી પાસે લક્ષ્મીનગર શાક માર્કેટ વાળા રોડ પર રામેશ્વર પાર્ક, બ્લોક નં.૧૧માં રહેતા કારખાનેદાર લલીતભાઈ ભુસભાઈ કમાણીએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે,તેઓ ગત શનિવારે ગોંડલ રોડ પર આવેલી સમૃધ્ધી ભવન બિલ્ડીંગમાં "માધવ આંગડીયા" નામની પેઢીમાં ઇન્દોરથી તેમના ધંધાના આવેલા ૧.૩૦ લાખ રોકડ લઇને તેમની ડેકીમાં રાખ્યા હતા.તેમજ તેમનું પાકીટ જેમાં રોકડ રૂ. ૧૪ હજાર અને તેમના ડોક્યુમેન્ટ હતા તે પણ ડેકીમાં રાખ્યા હતા.ત્યાંથી એક્ટિવા લઈને તેઓ ઘરે આવ્યા હતા.અને રોકડ રૂપિયા ડેકીમાં રાખીને ઘરમાં જમવા માટે ગયા હતા.બાદમાં જમીને કારખાને જવા માટે એક્ટિવા પાસે આવ્યા ત્યારે એક્ટિવાની ડેકી ખુલ્લી જોવા મળી હતી.અને તેમાંથી રોકડ રકમ અને પાકીટ ચોરાયાનું માલુમ પડતા માલવિયા પોલીસમાં ૧.૪૪ લાખની ચોરીની ફરિયાદ નોંધાવી છે.
બીજા બનાવમાં કોઠારીયા રોડ પર રામનગર શેરીમાં રહેતા કારખાનેદાન પશ મુકેશભાઈ બોઘરાએ આજીડેમ પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે,તેઓ શનિવારે પોતાનું એક્સેસ લઈને સોની બજારમાં આવેલી આર.કે આંગડિયા પેઢીમાં ધંધાના આવેલા ૨.૫૦ લાખ રોકડ લઇ તેને ડેકીમાં રાખીને પોતાન ઘરે આવી ગયા હતા.બાદમાં એક્સેસને ઘર પાસે પાર્ક કરીને ઘરમાં કામ સબબ ગયા હતા.અને બે કલાક બાદ બહાર આવીને જોતા તેમના એક્સેસની ડેકી તૂટેલી જોવા મળી હતી.અને કોઈ અજાણ્યો તસ્કર રોકડ ચોરી ગયાનો માલુમ પડતા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે
(6:07 PM IST)










