તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 28th September 2024
શિવમ કોમ્પ્લેક્ષ ખોલવા મંજુરી પણ આકરી શરતો અવ્યવહારૂ
બિલ્ડીંગ સ્ટેબીલીટી રિપોર્ટ રજૂ કર્યા બાદ કોર્પોરેશન આપેલી મંજુરીના પત્રની ૧ થી ૭ શરતો પૈકી અમુક અવાસ્તવિક : ફેરવિચારણા કરવા એસો.ની માંગણી : વોકળાની માલિકી કોર્પોરેશનની પણ તેની સફાઇની જવાબદારી એસોસીએશનની : આતે કેવી શરત? ઓફિસ ધારકે રીનોવેશન કરતા પહેલા સ્ટ્રકચરલ એન્જીનીયરની નિમણુંક કરવાની : આવું હોય?

રાજકોટ, તા. ર૮ : રાજકોટ મ્યુ. કોર્ર્પો દ્વારા વોર્ડ નં. ૭માં સર્વેશ્વર ચોકમાં આવેલ શિવમ કોમ્પ્લેક્ષ ૧ બિલ્ડીંગની દુકાનો-ઓફિસનો ભોગવટો પુનઃ ચાલુ કરવા તા. રપ ના રોજ મંજુરી આપેલ છે. આ મંજુરી પત્રમાં ૭ પ્રકારની વિવિધ શરતોનું પાલન કરવાના નિર્દેશો આપ્યા છે. જે સામે શિવમ કોમ્પ્લેક્ષ ૧ ના ઓનર્સ એસો. વતી પ્રમુખ મહેશભાઇ રાજપૂતે એડી. સીટી એન્જીનીયર મ્યુ. કોર્પો.ને એક પત્ર લખી આ શરતો બીનજરૂરી, બીનવ્યવહારૂ હોવાનું જણાવી શરતો અઅંગે ફેરવિચારણા કરવા માંગણી કરી છે. પત્રમાં જણાવાયું છે કે, રીનોવેશન વોંકળાની સફાઇ વોટરવે, ૧ર વર્ષે સ્ટેબીલીટી રિપોર્ટ આપવા જેવી શરતોમાં છુટછાટ આપવા પણ પત્રમાં જણાવ્યું છે.
શિવમ કોમ્પ્લેક્ષ-૧ એસો.ના પ્રમુખ મહેશભાઇ રાજપૂતે કોર્પો. ને લખેલા પત્રમાં વધુમાં જણાવ્યું છે કે અમુક શરતો અમોને લાગુ પડતી ન હોય છતા અમોને લાગુ પાડવા માટે જણાવવામાં આવેલ છે. આ પત્રમાં ૧ થી ૭ શરતો મુકવામાં આવેલ છે તે અંગે અમો આપની સાથે સ્પષ્ટતા કરવા માંગીએ છીએ. જે પૈકીની અમુક શરતો આપના પત્ર નંબર સાથે દર્શાવેલ છે તેને નંબર સાથે નીચે મુજબ સ્પષ્ટતા કરવા માંગીએ છીએ.
(૧) શરત નં. ૧ - આ બીલ્ડીંગમાં કોઈપણ નવું બાંધકામ કરી શકાશે નહી- આપની આ શરત અંગે સ્પષ્ટ જણાવીએ છીએ અમો દુકાન / ઓફીસધારકોએ કોઈ વધારાનું બાંધકામ કરેલ નથી અને કરવા માંગતા પણ નથી.
(૨) શરત નં. ૨- આ બીલ્ડીંગમાં હયાત દુકાન/ઓફીસમાં કોઈપણ જાતનું રીનોવેશન કરતા પહેલા સ્ટ્રકચર એન્જીનીયરની નિમણુંક કરવાની રહેશે અને તેમના અભિપ્રાય અનુસાર કામગીરી કરવાની રહેશે. તેમજ તેની જાણ રાજકોટ મહાનગરપાલિકાને અગાઉથી કરવાની રહેશે. આ અંગે આપશ્રીને જણાવવાનું કે રીનોવેશન એટલે કેવું? કલર કામ, ફર્નીચર કરીએ તો પણ શું અમારે સ્ટ્રકચર એન્જીનીયરની નિમણુંક કરવાની? આ અંગે પણ અમારે મહાનગરપાલિકાની મંજુરી લેવાની? રીનોવેશન અંગે આપે કોઈ સ્પષ્ટતા આપે કરેલ નથી. છતાં અમારે આપને જણાવવાનું કે સ્ટ્રકચર એન્જીનીયરની નિમણુંક કે નગરપાલિકાની મંજુરી ત્યારે જ લેવાની હોય કે અમારે કોઈ બાંધકામ કરવાનું હોય તો. એટલે અમોને આ શરત આપની યોગ્ય લાગતી નથી.
(૩) શરત નં. ૩ ૩ ラ અંગે જણાવવાનું કે આ એસોસીએશનની રચના થઈ અને આ એસોસીએશનના સભ્યો / દુકાનધારક / ઓફીસધારક જયારથી લીધેલ છે ત્યારથી આ બીલ્ડીંગમાં એસોસીએશન દ્વારા કોઈપણ જાતનું ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવેલ નથી અને ભવિષ્યમાં પણ અમો કરીશું નહી તેની અમો ખાત્રી આપીએ છીએ.
(૪) શરત નં. ૪ - રાજકોટ મહાનગરપાલિકામાં દર વર્ષે એન્જીનીયરશ્રી પાસે બીલ્ડીંગની સ્ટેબીલીટી ચકાસી રીપોર્ટ રજુ કરવાનો રહેશે. આ અંગે અમો જાણવા માંગીએ છીએ કે માત્ર રાજકોટમાં અમોએ જ દર વર્ષે સ્ટેબીલીટી રજુ કરવાનો રહેશે? અને આ દર વર્ષે રજુ કરવાનું કારણ શું? અને આવા રાજકોટના કેટલા બીલ્ડીંગ ધારકોને આવી શરતો આપશ્રી દ્વારા મુકવામાં આવી છે તે અંગે આપશ્રી અમોને જણાવશો.
(૫) શરત નં. ૫ -માં અમો આપની સાથે સહમત છીએ અમારા ઁશિવમ કોમ્પ્લેક્ષ-૧ઁ ના સભાસદો ઉપયોગ નહી કરે તેની ખાત્રી આપીએ છીએ અને તમો દ્વારા ઓલરેડી રેલીંગ એટલા ભાગમાં કરેલ જ છે એટલે તેટલો ભાગ કોઈ ઉપયોગ કરી શકે તેમ નથી.
(૬) શરત નં. ૬ - બીલ્ડીંગ નીચે વોટર વેમાં કોઈપણ પ્રકારનો કચરો કે બાંધકામ કે વેસ્ટેજ કોઈપણ ન નાખે તેની તકેદારી રાખવાની રહેશે. આ અંગે શિવમ કોમ્પલેક્ષ-૧ : ના નીચેના ભાગમાં વોટર વે જતો નથી અને આ વોટર વે કોઈપણ જગ્યાએ બીલ્ડીંગની આજુબાજમાં કે બીલ્ડીંગના ભાગમાં ખુલ્લો નથી તેથી અમારા તરફથી કચરો નાખવાની કોઈ વાત જ આવતી નથી અને અમારી બિલ્ડીંગમાંથી તમામ બાથરૂમનો નિકાલ ડ્રેનેજ દ્વારા સીધો જ ભૂગર્ભ ગટરમાં થતો હોય તેથી આ શરત અમોને લાગુ પડતી નથી.
(૭) શરત નં. ૭ - દર ચોમાસા પહેલા વોકળાની સફાઈ સ્વખર્ચે કરાવવાની રહેશે, સફાઈની કામગીરી દરમ્યાન કોઈપણ જરૂરીયાત ઉભી થાય તો રાજકોટ મહાનગરપાલિકાની સોલીડ વેસ્ટ મેનેજમેન્ટને જાણ કરવાની રહેશે. આ શરત અંગે બહુ સ્પષ્ટ જણાવવાનું કે આ વોકળાની માલિકી અમારી નથી, આ વોકળાની લંબાઈ કેટલા કિલોમીટરની છે અને ઉપરથી લઈ આગળ સુધી રાજકોટ ભરના લોકો આ વોકળામાં કચરો નાખતા હોય તો તેની જવાબદારી કોઈ સંજોગોમાં અમારી બનતી નથી અને આ વોકળાની માલીકી રાજકોટ મહાનગરપાલિકાની છે. રાજકોટ મહાનગરપાલીકાના સોલીડ વેસ્ટ વિભાગની છે આની જવાબદારી કોઈ સંજોગોમાં અમારી કે અમારા એસોસીએશનની થતી નથી. છતાં કયા કારણોસર આપના દ્વારા આ શરત અમને લાગુ કરવામાં આવી છે તે અમને સમજાતુ નથી. અમો તમામ દુકાનધારકો / ઓફીસધારકો રાજકોટ મ્યુનિસિપાલીટીના નિયમો મુજબ તમામ ટેક્ષો ભરીએ છીએ ત્યારે આ વોકળાની સફાઈની જવાબદારી રાજકોટ મહાગરપાલિકાની થાય છે અને તેની જ રહેશે જેથી આ શરત અમોને કોઈપણ સંજોગોમાં માન્ય નથી.
ઉપરોકત તમામ હકીકતોને અને અમારી રજુઆતને હૃદયપૂર્વક ધ્યાને લઈ અને અમારી છેલ્લા એક વર્ષથી તમામ લોકોની રોજગારી બંધ રહી છે તેને પણ આપ હૃદયપૂર્વક અમારી રજુઆતને ધ્યાને લઈ અમારી રજુઆતને માન્ય રાખશો.તેવું પત્રના અંતે જણાવ્યું છે.

(3:27 PM IST)










