<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th September 2024

લાઠીના ગુલામઅહેમદ જાખરાને માધાપર ચોકડીએ એમડી ડ્રગ્‍સ સાથે ઝડપી લેવાયો

અમદાવાદની બસમાંથી ઉતરી લાઠી જવા વાહન પકડે એ પહેલા પકડાયોઃ૬.૧૪ ગ્રામ માદક પદાર્થ કબ્‍જેઃ આર્થિક ભીંસ દૂર કરવા વેંચવા માટે લાવ્‍યાનું રટણ : માદક પદાર્થ સાથે પણ એકને પકડી લેવાયો : હેડકોન્‍સ. સિધ્‍ધરાજસિંહ જાડેજા અને રાજેશભાઇ બાળાની બાતમી

રાજકોટ તા. ૨૭: શહેરમાં દારૂના દૂષણની જેમ માદક પદાર્થનું દૂષણ પણ વધી ગયું છે. આ દૂષણને નેસ્‍તનાબુદ કરવા અને યુવાધનને નશાના રવાડે ચડતું અટકાવવા પોલીસ સક્રિય છે. વધુ એક વખત એસઓજીની ટીમે માકદ પદાર્થ એમડી સાથે એક શખ્‍સને દબોચ્‍યો છે. લાઠીનો રહેવાસી શખ્‍સ અમદાવાદ તરફથી રાજકોટ ડ્રગ્‍સ લઇને આવી રહ્યો છે તે પાક્કી બાતમી મળતાં એસઓજીની ટીમે તે માધાપર ચોકડીએ બસમાંથી ઉતરતાં જ પકડી લીધો હતો. તેની પાસેથી ૬૧૪૦૦નું ડ્રગ્‍સ મળતાં ગાંધીગ્રામ પોલીસમાં ગુનો દાખલ કરાવ્‍યો હતો.

જાણવા મળ્‍યા મુજબ શહેર એસઓજીની ટીમ સે નો ટુ ડ્રગ્‍સ મિશન હેઠળ નાર્કોટિક્‍સના કેસ શોધી કાઢવા પેટ્રોલીંગમાં હતી ત્‍યારે હેડકોન્‍સ. સિધ્‍ધરાજસિંહ જાડેજા અને હેડકોન્‍સ. રાજેશભાઇ બાળાને બાતમી મળતાં માધપર ચોકડી પૂલ નીચે વોચ રાખી બસમાંથી ઉતરેલા શખ્‍સને સકંજામાં લીધો હતો. તેની તલાસી લેતાં તેની પાસેથી શંકાસ્‍પદ પદાર્થ મળ્‍યો હતો. એફએસએલ અધિકારી એફ. આઇ. કાદરીને બોલાવી પરિક્ષણ કરાવતાં તે એમડી (મેફેડ્રોન) હોવાનું ખુલતાં કાર્યવાહી કરી તેની પુછતાછ કરતાં પોતાનું નામ ગુલામઅહેમદ દિલાવરભાઇ જાખરા (ઉ.વ.૩૧-રહે. લાઠી તા. સેતાપાટી, સંધી વાડો જી. અમરેલી) જણાવ્‍યું હતું.

આ શખ્‍સ પાસેથી પોલીસે રૂા. ૫૧૪૦૦નું ૬.૧૪ ગ્રામ ડ્રગ્‍સ કબ્‍જે કર્યુ હતું. તેમજ એક આઇફોન, એક સાદો ફોન, રોકડા રૂા. ૬૩૦૦, આધાર કાર્ડ પણ કબ્‍જે કર્યા હતાં. ગુલામઅહેમદે રટણ કર્યુ હતું કે પોતે આર્થિક ભીંસમાં હોવાથી અમદાવાદ તરફથી આ માદક પદાર્થ વેંચવા માટે લાવ્‍યો હતો. પોતે પેટ્રોલ પંપમાં મેનેજર છે. મોટુ દેણું થઇ જતાં આ ડ્રગ્‍સ વેંચવાના રવાડે ચડયાનું રટણ કર્યુ હતું.આરોપી ગુલામઅહેમદ કેટલુ સાચુ બોલે છે? ખરેખર કોની પાસેથી ડ્રગ્‍સ લાવ્‍યો તે જાણવા રિમાન્‍ડ મેળવવા તજવીજ હાથ ધરવામાં આવી છે. આરોપી વિરૂધ્‍ધ ગાંધીગ્રામ પોલીસ સ્‍ટેશનમાં ગુનો દાખલ કરાવવામાં આવ્‍યો છે અને વધુ તપાસ માટે ત્‍યાં સોંપવામાં આવ્‍યો છે.

(12:16 PM IST)