<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th September 2024

વિનમ્રતા ક્ષમાપનાને પૂર્ણ કરે છેઃ નમ્રમુનિ મ.સા. લોકસભાના અધ્‍યક્ષ ઓમ બિરલાજીની ઉપસ્‍થિતિ

ભારત જૈન મહામંડળ આયોજિત, જૈન સમાજના ચારે ફિરકાઓના સંત - સતીજીઓએ એક મંચ પર એકત્રિતઃ જૈન એકતાનો આપ્‍યો પરિચયઃ ક્ષમાપનાનો સંદેશ પ્રસરાવ્‍યો

રાજકોટ તા. ર૪ :.. છેલ્લાં ૧૨૫ વર્ષથી જૈન ધર્મનું નેતળત્‍વ કરીને શાસન સેવા કરતાં ભારત જૈન મહામંડળ દ્વારા આયોજિત સામુહિક ક્ષમાપના - વિશ્વ મૈત્રી દિવસ અને જૈન સમાજ રત્‍ન અલંકરણ સમારોહ અંતર્ગત જૈન સમાજના સ્‍થાનકવાસી, દેરાવાસી, દિગંબર તેમજ તેરાપંથ - ચારે ફિરકાઓના સંત-સતીજીઓની ઉપસ્‍થિતિમાં રાષ્‍ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબ ઉપસ્‍થિત સર્વને વિનમ્રતાના ગુણને પ્રગટાવવાની પાવન પ્રેરણા આપી હતી.

સમૂહ ક્ષમાપના અવસરે આચાર્ય શ્રી પૂજ્‍ય વિજય પ્રભાકર સૂરીશ્વરજી મ.સા., આચાર્ય શ્રી પૂજ્‍ય મતિચંદ્રસાગરસૂરીજી મ.સા., રાષ્‍ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મ.સા., સાધ્‍વીજી પૂજ્‍ય મંગલપ્રજ્ઞાજી, મુનિશ્રી પૂજ્‍ય પ્રણુતસાગરજી મ.સા., મુનિશ્રી પૂજ્‍ય જયન્‍દ્રસાગરજી મ.સા.ના પાવન સાંનિધ્‍ય સાથે મુખ્‍ય અતિથિરૂપે-  ઓમ પ્રકાશજી બિરલા-અધ્‍યક્ષ લોકસભા (દિલ્લી), રાજ્‍યસભા સાંસદ  મિલિંદજી દેવરા,  મંગલપ્રભાતજી લોઢા, જૈન સમાજ રત્‍ન ઉપાધિથી સમ્‍માનિત થયેલ વિભૂતિઓ -  કિશનલાલજી દુગડ(નેપાલ),  રમનલાલજી લુંકડ (પૂણે), સુશીલાજી બોહરા (રાજસ્‍થાન),  પ્રશાંતજી જૈન (મુંબઈ),  રમેશચંદ્રજી મુથા (ચેન્નાઈ) સહિત અનેક મહાનુભવોની ઉપસ્‍થિતિ સાથે પ્રત્‍યક્ષ તેમજ લાઈવના માધ્‍યમે હજારો ભાવિકો આ ક્ષમાપનાના અવસરે જોડાયાં હતા.

આચાર્ય શ્રી પૂજ્‍ય વિજય પ્રભાકર સૂરીશ્વરજી મ.સા. એ ક્ષમાપના ગુણની મહત્તા દર્શાવતા ફરમાવ્‍યું હતું કે જેની પાસે ક્ષમા હોય તેમની સામે દુર્જન પણ કાઇ કરી શકે નહીં. રાષ્‍ટ્રસંત પરમ ગુરુદેવે શ્રી ઓમ બિરલાજીના નમ્રતા ગુણની અનુમોદના કરતાં ફરમાવ્‍યું કે, જેમનો સમય સ્‍વાર્થ માટે નહીં પણ સેવામાં વીતે છે તે માનવ નહીં પણ મહામાનવ હોય છે. સાથે પરમ ગુરુદેવે કહ્યું, વિનમ્રતા વગર ક્ષમાપના અધૂરી હોય છે, વિનમ્રતા જ ક્ષમાપનાને પૂર્ણ કરે છે.

આ અવસરે મુનિશ્રી પૂજ્‍ય પ્રણુતસાગરજી મ.સા.એ ફરમાવતા કહ્યું કે, પરંપરા આપણને ભાગ્‍યથી મળે છે પણ જૈન આપણે પુરુષાર્થથી બનીએ છે. જે દુશ્‍મનને પરાસ્‍ત કરી દે એને વીર કહેવાય પણ જે દુશ્‍મનીને પરાસ્‍ત કરી દે તેને ભગવાન મહાવીર કહેવાય છે.  એ સાથે જ, અધ્‍યક્ષ લોકસભાના શ્રી ઓમ પ્રકાશજી બિરલાએ પ્રભુ મહાવીરના બોધને પોતાના જીવનમાં સ્‍વીકારવાના સંદેશ સાથે જૈન ધર્મ અને પ્રભુ મહાવીર પ્રત્‍યે અહોભાવ પ્રગટ કર્યો હતો.   વિશેષમાં રાષ્‍ટ્રસંત પરમ ગુરુદેવના શ્રી હસ્‍તે એક સુંદર નવકાર મહામંત્રની ફ્રેમ સ્‍મળતિચિન્‍હરૂપે શ્રી ઓમ પ્રકાશજી બિરલાજીને અર્પણ કરવામાં આવી હતી.

(4:40 PM IST)