તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 24th September 2024
શિવમ્ કોમ્પ્લેક્ષ-૧ને ધમધમતુ કરવા મંજુરી
સ્ટેબીલીટી રિપોર્ટ માન્ય રાખતું કોર્પોરેશન : ૧ વર્ષ બાદ ફરી ધમધમશે : મંજુરી મળતા હવે ૮૦ થી ૧૦૦ ઓફિસો - દુકાનો ફરી ખુલશે : સર્વેશ્વર ચોકના વોંકળાની કામગીરી ટુંક સમયમાં હાથ ધરાશે

રાજકોટ તા. ૨૪ : શહેરમાં યાજ્ઞિક રોડ ઉપર સર્વેશ્વર ચોકમાં શિવમ કોમ્પલેક્ષ-૧ ઓનર્સ એસોસીએશને સ્ટેબિલીટી રિપોર્ટ મ્યુનિ. કોર્પોરેશનમાં રજૂ કરતા અંદાજે ૮૦ થી ૧૦૦ દુકાનો અને ઓફિસો ફરી ધમધમતુ કરવા મનપા દ્વારા મંજુરી આપવામાં આવી છે. આ કોમ્પ્લેક્ષ ફરી એક વર્ષ બાદ ફરી ખુલ્લુ મુકાશે.
હવે મનપા દ્વારા વોકળા ઉપર સ્લેબ ભરવાની કામગીરી ટુંક સમયમાં શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે.
આ અંગેની પ્રાપ્ત માહિતી મુજબ યાજ્ઞિક રોડ તરીકે પ્રખ્યાત સર્વેશ્વર ચોકમાં ગત વર્ષે આ જ સમયે રાત્રીના સમયે ગણેશ ઉત્સવ ચાલુ હતો અને બીજી બાજુ ખાણી-પીણીના ધંધાર્થીઓને ત્યાં ભારે ભીડ હતી તે સમયે જ વોકળાનો સ્લેબ ધસી પડતા સેંકડો લોકો ઈજાગ્રસ્ત થયા હતાં. જેમાં એક મહિલાનું મળત્યુ નિપજેલ .આ બનાવની ગંભીરતા સમજી મહાનગરપાલિકા દ્વારા સર્વેશ્વર ચોક તુરંત બંધ કરી દેવામાં આવેલ તેવી જ રીતે વોકળાના સ્લેબ સાથે જોડાયેલ બાજુના શિવમ કોમ્પલેક્ષમાં પણ ક્ષતિઓ થઈ હોવાનું બહાર આવ્યું હતું. જેના કારણે શિવમ કોમ્પલેક્ષના સંચાલકોને આ કોમ્પલેક્ષમાં રિપેરીંગ કામ કરી ઈન્ફાસ્ટ્રક્ચર રિપોર્ટ આપવાની સુચના આપવામાં આવી હતી. મ્યુનિ. કોર્પોરેશન દ્વારા શિવમ કોમ્પલેક્ષ-૧ને બિલ્ડીંગના સ્ટ્રકચર સ્ટેબીલીટી રજૂ કરવા સુચના આપવામાં આવી હતી. જે અન્વયે ઓનર્સ એસો. દ્વારા બિલ્ડીંગનું સ્ટ્રકચર સ્ટેબલીટી રિપોર્ટ ૧૨ ઓગષ્ટના મનપાને રજૂ કરવામાં આવ્યું હતું. એસો.એ સાથે આપેલી અરજીમાં જણાવ્યું હતું કે, કન્સ્ટ્રકશન સ્ટ્રકચર તથા સીવીલ એન્જીનિયર મનિષભાઇ દોશીના માર્ગદર્શન હેઠળ સ્ટેબીલીટી વર્ક કરાવી આપવામાં આવેલ છે. ઉપરાંત જુદા જુદા સમયે કરવામાં કોમ્પ્રેસસિવે સ્ટ્રેન્થ રિપોર્ટ પણ સામેલ કરવામાં આવ્યો હતો. ત્યારે મહાનગર પાલિકા દ્વારા સ્ટેબિલીટી રિપોર્ટ માન્ય રાખવામાં આવ્યો છે અને કોમ્પ્લેક્ષની ૮૦ થી ૧૦૦ જેટલી દુકાનો અને ઓફિસોને ખુલવાની મંજુરી આપવામાં આવી હોવાનું સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું.
શિવમ કોમ્પ્લેકસ-૧ નાઓફિસ ધારકો અને દુકાનધારકોનું કહેવું છે કે હવે વહેલી તકે કોન્ટ્રાકટરે સોંપેલ કામ પુરૂ કરવુ જોઇએ અને પીજીવીસીએલ સબ સ્ટેશન ખસેડવા વહેલી કાર્યવાહી કરવી જોઇએ.
(4:14 PM IST)










