તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 24th September 2024
કણકોટના પાટિયે મહિલાઓ બની રણચંડી : ચક્કાજામ
રૂડાએ લાઇન બંધ કરી અને કોર્પોરેશને લાઇન ન બીછાવતા વિસ્તારવાસીઓને પાણીની રામાયણ : સવારના ૮ વાગ્યે મહિલાઓ પાણી સમસ્યા ઉકેલવાની માંગ સાથે કાલાવડ રોડ પર વિરોધ પ્રદર્શિત કરતા બે કિ.મી. વાહનોની લાંબી કતારો લાગી : પોલીસ તંત્ર અને મનપા તંત્ર સ્થળ પર દોડી સમજાવટથી મામલો થાળે પાડયો

આક્રોશ : શહેરના વોર્ડ નં. ૧૧માં આવેલ કણકોટ પાટીયા પાસેના હાઉસીંગ બોર્ડ વિસ્તારના મહિલાઓએ પાણી નિયમીત આપવાની માંગ સાથે કાલાવડ રોડ પર ચક્કાજામ કરી વિરોધ પ્રદર્શન કર્યો હતો તે પ્રસંગની તસ્વીર. (તસ્વીર : અશોક બગથરિયા)
રાજકોટ તા. ૨૪ : શહેરને પીવાનું પાણી પૂરૂ પાડતા જળાશયો છલોછલ છે ત્યારે શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી ઓછા ફોર્સથી, અનિયમિત આવવાની ફરિયાદો ઉઠી રહી છે ત્યારે આજે સવારે કાલાવ રોડ પર કણકોટના પાટિયા વિસ્તારના મહિલાઓએ પાણી પ્રશ્નની સમસ્યા તાકીદે હલ કરવા રોડ પર ચક્કાજામ સાથે સમસ્યા ઉકેલવાની માંગ સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શિત કર્યો હતો. ચક્કાજામ થતા બે કિલોમીટર સુધી વાહનોના થપ્પા લાગ્યા હતા. વિસ્તારવાસીઓએ જણાવ્યું જણાવ્યું હતું કે, અવાર નવાર આ અંગે તંત્ર વાહકોને રજૂઆત કરવા છતાં પરિસ્થિતિ જૈસે થે બની રહી છે. આ ઘટનાની જાણ થતાં પોલીસ તંત્ર અને મનપા તંત્રનો કાફલો ઘટના સ્થળે દોડી જઇ તંત્ર વાહકોએ આ વિસ્તારવાસીઓને જરૂર પડયે વધુ ટેન્કર મોકલવાની ખાત્રી આપતા મામલો થાળે પડયો હતો.
સવારમાં ૮ વાગ્યામાં પાણી સહિતની સુવિધાઓની માંગણી સાથે લોકોએ આંદોલન શરૂ કરતા અને વાહનોની લાઈન થઈ જતા પોલીસ કાફલો અને મહાપાલિકાના અધિકારીઓને જાણ થતા તેઓ પણ સ્થળ ઉપર દોડી ગયો હતો.
કણકોટ ગામનો વિસ્તાર કોર્પો.ની ગત ચૂંટણી પહેલા મ્યુનિ. કોર્પો.માં ભળ્યો હતો. આ વિસ્તાર અગાઉ રૂડામાં આવતો હતો. અહીં ૨૨ વર્ષ પહેલાના કણકોટના પાટીયા તરીકે ઓળખાતા હાઉસીંગ બોર્ડ સોસાયટીના મકાનો આવેલા છે. ૫૦૦થી વધુ પરિવારો અહીં વસવાટ કરે છે અને ૧૫૦૦ જેટલા લોકો બે દાયકાથી પીવાનુ પાણી, સ્ટ્રીટલાઈટ, ભૂગર્ભ ગટર, રસ્તાની સુવિધા માંગે છે. હવે થોડા દિવસ પહેલા આ વિસ્તારના લોકોને જયાંથી પીવાનુ પાણી મળે છે તે પાઈપલાઈન રૂડાએ બંધ કરી દીધી છે આથી લોકોને પીવાનુ પાણી મળવાનુ બંધ થઈ જતા ભારે હાલાકી છે. મનપામાં સતત રજુઆતો છતાં કોઈ વ્યવસ્થા ન થતા આજે સવારમાં ભાઈઓ અને બહેનો મેઈન રોડ ઉપર આવી ધરણા પર બેસી ગયા હતા. લોકોએ કટારીયા ચોકડીથી ન્યારી ડેમ ખૂણા વચ્ચેનો કણકોટ સહિતનો રોડ બંધ કરી દેતા નાના-મોટા વાહનોની લાઈન લાગી ગઈ હતી.
આ અંગેની જાણ થતા ટ્રાફીક પોલીસ કાફલો સ્થળ ઉપર દોડયો હતો. લોકોએ જયાં સુધી તેમને પીવાના પાણીની સુવિધા માટેની ખાત્રી નહીં મળે ત્યાં સુધી ઉભા નહી થવા કહી દીધુ હતુ. આ બાદ મનપાના તંત્રવાહકો રૂબરૂ ન આવે અને ખાત્રી ન આપે ત્યાં સુધી નહી હટે તેવુ જણાવતા દોડાદોડી થઈ પડી હતી.
વિસ્તારના લોકોએ જણાવ્યુ હતુ કે હાઉસીંગ બોર્ડની આ સોસાયટીમાં ૨૨ વર્ષથી ૫૦૦થી વધુ પરિવારો વસવાટ કરે છે. પૂર્વ ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા અને હાલના મંત્રી ભાનુબેન બાબરીયા, મોટા મવા ગ્રામ પંચાયત, રૂડાને પણ અવારનવાર રજુઆતો કરવામા આવી છે પરંતુ આજ સુધી ખાત્રી સિવાય કશું મળ્યું નથી. આ અંગેની અરજી પણ કોર્પો. તંત્રને આપવામા આવી છે. રોજ વેચાતુ પાણી લેવુ પડે છે.
દરમ્યાન આ અંગે વેસ્ટ ઝોનના સીટી ઈજનેર કુંતેશ મહેતાનો સંપર્ક કરતા તેમણે જણાવ્યુ હતુ કે આ વિસ્તાર વોર્ડ નં.૧૧માં ભળેલો છે. રૂડાની લાઈનમાંથી તેમને પાણી અપાતુ હતુ પરંતુ હવે આ લાઈન બંધ કરી દેવામાં આવી છે. આ કારણે મનપા દ્વારા ટેન્કરથી પાણી આપવાની વ્યવસ્થા કરવામા આવી છે. જરૂર પડયે વધુ ટેન્કર મોકલવા ખાત્રી આપતા આંદોલન સમેટાયું હતું.

ચમત્કાર વિના નમસ્કાર નહિ
રાજકોટ : આજે સવારે કણકોટ પાટીયા વિસ્તારના મહિલાઓએ પાણી પ્રશ્ને હલ્લાબોલ કરતા હાઉસિંગ બોર્ડમાં પાણીની જરૂરીયાત વધુ હોય ટેન્કરના ફેરા વધારવાની વોર્ડના કોર્પોરેટર અને શાસક પક્ષ નેતા લીલુબેન જાદવે સંબંધિત વિભાગના અધિકારીઓને સુચના આપી હતી.
(3:18 PM IST)










