<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th September 2024

શેરબજારમાં એફ.આઇ.આઇ.નું કમબેક : યુએસ ફેડ દ્વારા વ્યાજદરોમાં ઘટાડાની અસર

સપ્ટેમ્બર મહિનામાં ૨૬,૩૩૬ કરોડના શેરોની ભારતીય શેરબજારમાં એફ.આઇ.આઇ. દ્વારા ખરીદી : જાપાન - ચીન દ્વારા વ્યાજદરો યથાવત રખાયા

રાજકોટ તા. ૨૪ : ભારતીય શેરબજારમાં વિદેશી નાણાકીય સંસ્થાઓ દ્વારા શુક્રવારે ૧૪,૦૬૪ કરોડની ખરીદી કરવામાં આવી છે. ફકત સપ્ટેમ્બર મહિનામાં જ વિદેશી નાણાકીય સંસ્થાઓ દ્વારા ૨૬,૩૩૬ કરોડના શેરોની ભારતીય શેર બજારમાં ખરીદી કરવામાં આવી છે. જેને લઈને શેર બજારમાં તેજીનો જુવાળ ફાટી નીકળ્યો છે. સેન્સેકસ ૮૪,૮૦૦ ની ઉપર ટ્રેડ કરતો થયો છે.

બીજી બાજુ પ્રાઇમરી માર્કેટમાં આજે એકી સાથે નવ આઈ.પી.ઓ ના લિસ્ટિંગ છે. આ વીક માં દસ થી વધુ આઈ.પી.ઓ સબસ્ક્રીપ્સન માટે બજારમાં આવશે. આમ પ્રાઇમરી માર્કેટ પણ ધમધમી રહ્યું છે. નવ-નવ આઈ.પી.ઓ ના લિસ્ટિંગ એક જ દિવસમાં થવા તે પણ એક ઐતિહાસિક ઘટના છે પ્રાઇમરી માર્કેટમાં ૫,૦૦૦ કરોડના આઈ.પી.ઓ સબસ્ક્રીપ્સન થવા તે એક સામાન્ય થઈ રહ્યું છે. વિદેશી નાણાકીય સંસ્થાઓ ના કમ બેક ની અસર સેકન્ડરી માર્કેટમાં જોરદાર પડશે અને નવી તેજીના મંડાણ થશે. પ્રાઇમરી માર્કેટમાં ટાટા,બજાજ અને હુંડાઈ જેવી નામી કંપનીઓના આઇ.પી.ઓ પ્રાઇમરી માર્કેટમાં તેજીના પ્રાણ ફૂંકી રહી છે.

શેર બજારના નિષ્ણાંત પરેશભાઈ વાઘાણીના જણાવ્યાનુસાર, આવનારા દિવસોમાં રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા વ્યાજદરોમાં ઘટાડો થવાની શકયતા પૂરેપૂરી છે. વિશ્વમાં વ્યાજદરો નો ઘટાડો શેરબજારો માટે ફાયદાકારક જ હોય છે. જયારે-જયારે વ્યાજદરો ઘટે છે, ત્યારે રોકાણકારો બેન્કોમાં ફિકસ ડિપોઝીટો માંથી રૂપિયા અન્ય જગ્યાએ ઠાલવતા હોય છે. આમાં સૌથી વધુ અને પહેલી પસંદ શેરબજાર જ હોય છે અને ઓવરઓલ જોવા જઈએ, તો છેલ્લા ઘણા વર્ષોમાં બેંક કરતાં વધુ વળતર શેર બજારે આપ્યું છે. જેથી લોકોનો વિશ્વાસ શેરબજાર તરફ જોવા મળી રહ્યો છે.

સોના-ચાંદીમાં પણ હાલમાં તેજીનો જુવાળ જોવા મળી રહ્યો છે,પરંતુ લોકોની રોકાણ કરવા માટેની પહેલી પસંદ મ્યુચ્યુઅલ ફંડ કે પછી ડાયરેકટ શેર બજારમાં રોકાણ કરવાની હોય છે.

આવનારા દિવસોમાં કંપનીઓના ત્રિમાસિક પરિણામો જાહેર થશે. કંપનીઓના પરિણામો પર બજારની આગામી ચાલ નક્કી થશે.આવનારી રિઝર્વ બેન્કની પોલીસી પણ બજાર પર સકારાત્મક અસર કરી શકે છે. સરવાળે શેર બજારમાં તેજીનું વાતાવરણ જળવાયેલું રહેશે

(1:44 PM IST)