News of Tuesday, 17th September 2024
સટ્ટામાં દેણુ અને ઘરકંકાસથી કંટાળી રેલનગરના ભાવેશ દેત્રોજાએ ઘર છોડયુ
યુવાને પોતાનો વિડિયો બનાવી‘ હું ત્રણલાખ હારી ગયો છું મરવા જાવ છું ' કહી મોટાભાઇને વ્હોટસ એપમાં મોકલ્યોઃ ગાંધીગ્રામ પોલીસમાં ગુમની નોંધ થતા શોધખોળ

રાજકોટ તાફ ૧૭: શહેરના રેલનગર પાસે આવાસના કવાર્ટરમાં રહેતો યુવાન સટ્ટામાં નાણા ગુમાવ્યા બાદ દેણુ થઇ જતા તે ઉપરાંત ઘર કંકાસથી કંટાળી ઘરેથી નીકળ્યા બાદ માધાપર ચોકડી પાસેથી લાપતા થતા ગાંધીગ્રામ પોલીસ મથકમાં જાણ કરવામાં આવી છે.
મળતી વિગત મુજબ રેલનગર સરકારી આવાસ ના કવાર્ટર નં. એચ-૧૨ માં રહેતો ભાવેશ ભુપતભાઇ દેત્રોજા (ઉ.વ. ૩૫) માધાપર પાસે સાગર સેલ્સ નામની દુકાનમાં નોકરી કરતો હોઇ, તેથી ગઇકાલે બપોરે ઘરેથી માધાપર ચોકડી પાસે ગયા બાદ પરત ન આવતા તેના પરિવારજનોએ તેની શોધખોળ હાથ ધરી હતી. દરમ્યાન યુવાને પોતાના મોબાઇલમાં પોતાનો વિડીયો બનાવી તેના ભાઇ જેન્તીભાઇને મોકલ્યો હતો. વિડીયોમાં પોતે ત્રણ લાખ રૂપિયા સટ્ટામાં ગુમાવ્યા બાદ દેણુ થયુ હોઇ, અને ઘર કંકાસથી કંટાળી મરવા જાવ છું, તેમ જણાવતા તેના ભાઇ જેન્તીભાઇ તેના પત્ની સહિતના પરિવારજનોને જાણ કરી ભાવેશની શોધખોળ હાથ ધરી હતી. પરંતુ તેનો કોઇ પત્તો ન લાગતા ગાંધીગ્રામ પોલીસ મથકમાં જાણ કરતા પોલીસે ગુમની નોંધ કરી હેડ કોન્સ. ભગીરથસિંહ જાડેજા સહિતે યુવાનની શોધખોળ હાથ ધરી છે. ભાવેશના પાંચ મહિના પહેલા જ લગ્ન થયા હતાં. તે બે ભાઇ અને એક બહેનમાં નાનો છે.
તેના માતા-પિતા ધોરાજી નજીકના એક ગામમાં રહે છે. જો કોઇને આ યુવાન જોવા મળે તો ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન ફોન નં. ૬૩પ૯૬ ર૭૩૮૧ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.
(3:50 PM IST)










