News of Tuesday, 17th September 2024
રાજકોટમાં રોગચાળાનું રાજઃ તાવ-શરદી-ઉધરસ-ઝાડા-ઉલ્ટીના અધધધ ૨૩૦૦ કેસ
મનપા દ્વારા ૯૪ હજાર ઘરોમાં પોરાનાશક કામગીરીઃ મચ્છર ઉત્પત્તિ બદલ ૩૬ હજારનો દંડ વસુલાયો : મચ્છરજન્ય રોગમાં ડેન્ગ્યુના ૨૯, મેલેરીયાના ૨ તથા ચિકનગુનીયાના ૧ દર્દીઃ ટાઇફોઇડના ૫ તથા કમળાના ૨ કેસ

રાજકોટ તા.૧૭: શહેરમાં જન્માષ્ટમી ઉપર પડેલ ભારે વરસાદ અને છેલ્લા સપ્તાહમાં વરસાદી વાતાવરણની અસરના કારણે ઘરે ઘરે રોગચાળો દેખાય રહ્યો છે. મચ્છરજન્ય ડેન્ગ્યુના ૨૯ કેસ નોંધાયા છે. જયારે શરદી,તાવ, ઝાડા,ઉલ્ટીના ૨૩૩૭ થી દર્દી મનપા તંત્રનાં ચોપડે નોંધાયા છે.
શહેરમાં છેલ્લા અઠવાડીયામાં મચ્છરજન્ય રોગ સાથો સાથ પાણીજન્ય રોગે માથુ ઉંચકયું છે. ઉપરાંત ટાઇફોઇડના ૫ અને કોલેરાના ૨ પણ દર્દી નોંધાયા છે. આ અંગે મ્યુ. કોર્પોરેશનની સતાવાર માહિતી મુજબ તા. ૯ સપ્ટે.થી ૧૫ સપ્ટે. સુધીમાં નોંધાયેલ રોગચાળાના કેસની વિગત આ મુજબ છે.
મચ્છરજન્ય રોગચાળાના ૩૨ કેસ
છેલ્લા સપ્તાહમાં ડેન્ગ્યુના ૨૯, મેલેરીયાના ૨ તથા ચિકનગુનીયાના ૧ કેસ નોંધાયા છે. સીઝનનાં મેલેરીયાના ૨૪, ડેન્ગ્યુના ૧૩૩ તથા ચિકનગુનિયાના ૨૩ કેસ નોંધાયા છે. ડેન્ગ્યુ એડીસ મચ્છર દિવસના સમયે કરડે છે અને એક સાથે વધુ લોકોને કરડતા હોવાથી વધુ લોકો હોય તેવા સ્થળોએ આવા રોગ ફેલાવવાનું જોખમ વધુ રહે છે.
શરદી-તાવના ૨૩૩૭ થી વધુ કેસ
શહેરમાં શરદી-ઉધરસના કેસ ૧૨૩૯ તેમજ સામાન્ય તાવના ૭૩૯ અને ઝાડા-ઉલ્ટીના કેસ ૩૫૯ તથા ટાઇફોડનો ૫ તથા કમળાના ૨ સહિત કુલ ૨૩૦૦ થી વધુ દર્દીઓ નોંધાયા હતા.
મચ્છર ઉત્પતિ સબબ ૪૪૯ને નોટીસ
રોગચાળા દ્વારા ઉભા થતા જાહેર આરોગ્ય પડકારને પહોંચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ સ્તરે ધનીષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે. પોરાનાશક કામગીરી હેઠળ ૯૪૩૫૭ ઘરોમાં પોરાનાશક કામગીરી કરેલ છે તથા ૫૦૫૯ ઘરોમાં ફોગીંગ કામગીરી કરેલ છે. આ કામગીરી હેઠળ રહેણાક સિવાય અન્ય ૪૩૯ થી વધુ સ્થળોએ મચ્છર ઉત્પતિ સબબ તપાસ કરવામાં આવતા રહેણાંક સહિત મચ્છર ઉત્પતિ દેખાતા ૪૪૯ લોકોને નોટીસ પાઠવી હતી. જયારે ૩૬ હજારનો વહીવટી ચાર્જ પણ વસુલાયો હતો.
(4:30 PM IST)










