News of Tuesday, 17th September 2024
રાજકોટ લવાતો ૭૧લાખથી વધુ કિંમતનો દારૂ પાણશીણા પાસેથી ઝડપી લેતુ એસએમસી

રાજકોટ, તા., ૧૭: સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા આજે પાણશીણા નજીક એક રનીંગ ટ્રેપમાં ૭૧ લાખથી વધુ કિંમતનો વિદેશી પ્રકારનો દારૂ ઝડપી લેવામાં આવ્યો હતો. આ દારૂ રાજકોટના અજાણ્યા બુટલેગરે મંગાવ્યો હતો. ઝડપાયેલા બે આરોપી (ડ્રાઇવરો)ની પુછપરછમાં આ માહીતી બહાર આવી છે. મોબાઇલ નંબરના આધારે બુટલેગર કોણ ? તે શોધવા એસએમસીએ તપાસ હાથ ધરી છે.
વિદેશી દારૂની રર,૪૦૭ બોટલ, બે મોબાઇલ, જીપીએસ ટ્રેકર અને બે ટ્રક સહિત ૧ કરોડથી વધુનો મુદામાલ કબ્જે કરાવામાં આવ્યો છે.
સ્ટેટ મોનીટરીંગ સેલે મળેલી બાતમીના આધારે પાણશીણા નજીકના કાનાલારા ગામ પાસેના આશાપુરા ઇન્ડીયન ઓઇલ પેટ્રોલીયમ પાસેથી એક ટ્રક દારૂ ભરેલો ઝડપી લીધો હતો. જયારે બીજો ટ્રક પાણશીણા નજીકની રાધીકા હોટલ અને પાન પાર્લર પાસેથી ઝડપી લીધો હતો. પ્રકાશનાથ કેશવનાથ જોગી (રહે. એલગવાસ, જી. બાડમેર, રાજસ્થાન) અને ખેતરામ વાકારામ જાટ (રહે. સરલા ગામ, જી. બાડમેર)ને ઝડપી લેવામાં આવ્યા છે. દારૂનો જથ્થો કોટપુતલીના સતપાલસિંઘ યાદવે અને તેના ભાઇએ મોકલ્યાનું બહાર આવ્યું છે. રાજકોટ ખાતે એક મોબાઇલ નંબર ઉપર જાણ કરી જે સ્થળે કહે તે સ્થળે માલ ડીલીવર કરવાનો હતો. સ્ટેટ મોનીટરીંગ સેલના પીએસઆઇ ડી.વી.છીત્રાએ ડીવાયએસપી કે.ટી. કામરીયાના માર્ગદર્શન હેઠળ આ જથ્થો ઝડપી લીધો હતો.
(3:06 PM IST)










