<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th September 2024

સૌરાષ્‍ટ્રભરમાં સર્વત્ર જુલૂસ નિકળ્‍યાઃ રાજકોટનું જુલૂસ સાંજે પૂર્ણ થયું

મુસ્‍લિમ સમાજ દ્વારા પૈગમ્‍બર સાહેબને ભવ્‍ય શ્રધ્‍ધા સુમન અર્પણઃ ઠેરઠેર નિયાઝ, મીલાદ, ઝિયારત, દરૂદ સહિતના કાર્યક્રમો યોજાયા : રાજકોટમાં આ વખતે વિક્રમજનક માત્રામાં ખાણીપીણીનું વિતરણઃ સમાપન પછી પણ રાત્રે ૧૦ વાગ્‍યા સુધી ગેબનશાહપીર દરગાહે ધમધમાટ રહ્યો

રાજકોટ તા. ૧૭ :.. રાજકોટ સહિત સૌરાષ્‍ટ્રભરમાં ગઇકાલે સોમવારે મુસ્‍લિમ સમાજ દ્વારા ઇદોની ઇદ ‘ઇદેમીલાદ' ની સર્વત્ર શાનદાર ઉજવણી કરવામાં આવી હતી.

મળતા અહેવાલો મુજબ નાના નાના ગામો સહિત ઠેરઠેર વિશાળ જુલૂસો નિકળ્‍યા હતાં. અને મુસ્‍લિમ સમાજ એ પોતાના પ્‍યારા પૈગમ્‍બર સાહેબની પ્રસંશામાં શ્રધ્‍ધાના પુષ્‍પો ન્‍યોછાવર કર્યા હતાં.

રાજકોટ શહેરમાં રાબેતા મુજબ વિશાળ જુલૂસ પોતાના રૂટ ઉપર યોજાયું હતું પરંતુ આ વખતે સવારે ૮-૯ વાગ્‍યે પ્રસ્‍થાન થવાની તમામ વિસ્‍તારોમાં પરંપરા તૂટી હતી અને જુલૂસો મોડા નિકળ્‍યા હતા જેના લીધે તમામ જુલૂસો રાજકોટ શહેરના હાર્દસમાં ત્રિકોણ બાગ ચોકમાં પહોંચતા બપોરના એક વાગી ગયો હતો.બીજી તરફ ખાસ કરીને રાજકોટ શહેરમાં આ વખતે પગપાળા લોકો વધુ માત્રામાં જોડાયા હતા અને એ ઉપરાંત દાન - પુણ્‍યના કાર્યો થકી કયારેય  ના થયું હોય તેટલું ખાણી-પીણીની વસ્‍તુઓનું વિના ભેદભાવે ભારે માત્રામાં વિતરણ થયું હતું. જુલૂસ મોડા પ્રસ્‍થાન થતા આ જુલૂસનું સાંજે ૭ વાગ્‍યે સમાપન થવા પામ્‍યું હતું.

રાજકોટ શહેરમાં નિકળેલું વિશાળ જુલૂસ કોમી એકતાના પ્રતિક હઝરત ગેબનશાહ પીર દરગાહે પહોંચી સમાપન કયા બાદ રાત્રીના ૧૦ વાગ્‍યા સુધી હઝરત ગેબનશાહપીર દરગાહે લોકસમૂહ યથાવત રહેતા ઇદનો ધમધમાટ રહ્યો હતો.

એકંદરે સૌરાષ્‍ટ્રભરમાં આન-બાન અને શાન સાથે ઇસ્‍લામ ધર્મના મહાન અને અંતિમ પયગમ્‍બર, માનવતાના મસીહા હઝરત મુહમ્‍મદ સાહેબનો જન્‍મોત્‍સવ શાનદાર રીતે ઉજવાયો હતો.

(10:50 AM IST)