તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 16th September 2024
રાજસ્થાનથી કારમાં ભરેલો ૧.૮૬ લાખનો દારૂ રાજકોટમાં ઠાલવે એ પહેલા બે ઝડપાયા
ખોટી નંબર પ્લેટ લગાવેલી કાર એલસીબી ઝોન-૧ ટીમે પકડી : ગ્રીનલેન્ડ ચોકડીએ પહોંચે ત્યારે રાજસ્થાનથી શેઠ ફોન કરે પછી દારૂ ડિલીવર કરવાનો હતોઃ પીએસઆઇ બી. વી. બોરીસાગર, ભરતભાઇ, વિજેન્દ્રસિંહ ઝાલા અને ટીમની કાર્યવાહી : રવિરાજભાઈ, સત્યજીતસિંહ, દિવ્યરાજસિંહની બાતમી

રાજકોટ તા. ૧૪: કારમાં ખોટી નમ્બર પ્લેટ લગાવી ૧.૮૬ લાખનો દારૂ ભરી રાજકોટમાં ઘુસેલા બે રાજસ્થાનીને એલસીબી ઝોન-૧ ટીમે દબોચી લીધા હતાં. આ બંને રાજસ્થાનથી દારૂ ભરીને આવ્યા હતાં. રાજકોટ ગ્રીનલેન્ડ ચોકડીએ પહોંચે ત્યારે તેના શેઠ ફોન કરે એ પછી આ જથ્થો સપ્લાય કરવાનો હતો. પરતુ અહિ પહોંચે એ પહેલા પોલીસે દબોચી લીધા હતાં.
એલસીબી ઝોન-૧ ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે કોન્સ. રવિરાજભાઇ પટગીર, સત્યજીતસિંહ જાડેજા અને દિવ્યરાજસિંહ જાડેજાની બાતમી પરથી રાજકોટ અમદાવાદ હાઇવે પર નવા રીંગ રોડ-૨ તરફ જતાં સર્વિસ રોડ પર પૂલ નજીકથી રૂા. ૧.૮૬ લાખનો દારૂ ભરેલી કાર સાથે બે શખ્સને પકડી લીધા હતાં. પુછતાછમાં પોતાના નામ શ્રવણ રામજીવનભાઈ કાવા (ઉ.વ.૨૪) અને સુરેશ ભૈરારામ માંજુ (ઉ.વ.૨૬, રહે. બંને કબૂલી ગામ બાડમેર, રાજસ્થાન) હોવાનું જણાવ્યું હતું. પોલીસે કારની તલાશી લેતાં તેમાંથી અલગ અલગ દારૂની ૩૭૨ બોટલ મળી આવતાં કબ્જે કરી બંનેની ધરપકડ કરી હતી. આ કારની નંબર પ્લેટ અંગે તપાસ કરતાં તે ખોટી હોવાનું ખુલ્યું હતું. આથી પોલીસે દારૂ ઉપરાંત કાર અને ફોન મળી કુલ રૂા. ૯.૯૬ લાખનો મુદ્દામાલ કબ્જે કરી બંને સામે દારૂ ઉપરાંત ખોટી નંબર પ્લેટ લગાવવાની કલમો હેઠળ ગુનો દાખલ કરી ધરપકડ કરી હતી.
પોલીસ કમીશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી સજ્જનસિંહ પરમારની સુચના અનુસાર પીએસઆઇ બી.વી. બોરીસાગર, એએસઆઇ ભરતભાઇ વાઘેલા, હેડકોન્સ. વિજેન્દ્રસિંહ ઝાલા, જીતુભા ઝાલા, મનરૂપગીરી ગૌસ્વામી, ધર્મરાજસિંહ જાડેજા, કોન્સ રવીરાજભાઇ પટગીર, સત્યજીતસિંહ જાડેજા તથા દિવ્યરાજસિંહ જાડેજાએ આ કામગીરી કરી હતી. ઝડપાયેલા બંનેના કહેવા મુજબ ગ્રીનલેન્ડ ચોકડીએ પહોંચે પછી રાજસ્થાનથી દારૂ મોકલનાર શેઠ ફોન કરે ત્યારબાદ આ દારૂ ડિલીવર કરવાનો હતો. દારૂ કોણે મોકલ્યો? કોને આપવાનો હતો? તેની તપાસ થઇ રહી છે.
(2:40 PM IST)










