<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th September 2024

ભ્રષ્‍ટાચારની ચાડી એટલે શહેરમાં ‘ખાડા' રાજઃ આરોપ

રાજકોટ,તા.૧૩: મહાનગરપાલિકા દ્વારા ગત ચૂંટણીમાં જયાં માનવી ત્‍યાં સુવિધા અને ભ્રષ્ટાચાર મુક્‍ત શાસનનો કોલ આપવામાં આવેલ અને અધિકારીઓ પદાધિકારીઓ દ્વારા શહેરને સ્‍માર્ટ સિટી અને હિન્‍દુસ્‍તાનના નકશામાં શિકાગો શહેર બનાવવાની ગુલબાંગો ફેકનારા રાજકોટ શહેરના ૧૨,૦૦૦ ખાડાઓ થી અજાણ હોય તેવું જણાય છે. રાજકોટ શહેરમાં ખાડા બુરવાનું અભિયાન ચાલુ છે પરંતુ ફક્‍ત ખાડાઓ જ નહીં શહેરની પાણીની વાલ્‍વ ચેમ્‍બરો ગટરના ખુલ્લા ઢાંકણાઓ અને રાજકોટ મહાનગર પાલિકાના વિસ્‍તારમાંથી પસાર થતા સ્‍ટેટ હાઇવે અને નેશનલ હાઈવે પરના ખાડાઓ શહેરીજનો અને આજુબાજુના ગ્રામ્‍ય વિસ્‍તારો ના નાગરિકો માટે મોતની લટકતી તલવાર સમાન હોવાનું આક્ષેપ શહેર કોંગ્રેસના પ્રમુખ અતુલ રાજાણી અને વશરામભાઇ સાગઠિયા દ્વારા કરવામાં આવ્‍યો છે.

આ અંગે શ્રી રાજાણી અને શ્રી સાગઠિયાએ જણાવ્‍યું હતું કે, રાજકોટમાં જીવલેણ અકસ્‍માત બને પછી રાજકોટ તંત્ર જાગે છે અને સાપરઘ મનુષ્‍યવધ નો ગુનો દાખલ કરી અધિકારીઓ ઉપર કાર્યવાહી કરે છે પરંતુ અગાઉ જો પોલીસ તંત્ર સજાગ રહે તો અને ખાડાઓન, ગટરની ખુલ્લી કુંડીઓ શહેરના આઇવે પ્રોજેક્‍ટ હેઠળ લાગેલા કેમેરામાં દેખાય છે પરંતુ પગલાં ભરવામાં આવતા નથી.

વધુમાં તેઓ જણાવ્‍યું હતુ કે, હાલ મહાનગરપાલિકા અને સ્‍ટેટ હાઇવે અને નેશનલ હાઈવેના અધિકારીઓના સંકલનની અભાવે રાજકોટ અને શહેરના સીમાડાઓ પરના તોતિંગ ખાડાઓ નાગરિકો માટે જીવલેણ અને મણકાતોડ સાબિત થયા છે. આજે  વોર્ડ નંબર સાતમાં રહેલ પાણીની વાલ્‍વ ચેમ્‍બરમાંથી હજારો લિટર પાણી સવારના ભાગમાં જતું રહ્યું છે. યાજ્ઞિક રોડ પર રામકૃષ્‍ણ આશ્રમ પાસેથી  માલવીયા ચોક સુધી પાણીની રેલમછેલ થઈ હતી. આવી રોડથી ઉપસેલી કે નીચે બેસી ગયેલી ગટરની કેટલીક કુંડીઓ પણ નાગરિકો માટે જોખમકારક છે.

મહાનગરપાલિકા દ્વારા કોલ સેન્‍ટરમાં કલાકો સુધી ફોન વ્‍યસ્‍ત આવે છે અને ક્‍યારેક ફોન લાગતા પણ નથી ત્‍યારે શહેરીજનો માટે કહેવું કોને એ એક પ્રશ્ન છે.

શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા શહેરમાં રહેલા ખાડાઓ, ખુલ્લા ગટરના ઢાંકણાઓ કે બેસી કે ઉપસી ગયેલી વાલ્‍વ ચેમ્‍બરો અંગે કોઈ ફરિયાદ હોય તો વશરામભાઈ સાગઠીયા (મોઃ- ૯૮૨૫૧ ૬૫૧૯૧) શહેર કોંગ્રેસ પ્રવક્‍તા, ફરિયાદ સેલના પ્રમુખ ગજેન્‍દ્રસિંહ ઝાલા (મોઃ- ૯૪૨૬૨ ૨૯૩૯૬) અને મહાનગરપાલિકાની સ્‍ટેન્‍ડિંગ સમિતિના પૂર્વ ચેરમેન મેઘજીભાઈ રાઠોડ (મોઃ- ૮૩૨૦૪ ૧૩૪૪૮) પર રાઉન્‍ડ ક્‍લોક (૨૪ કલાક) ગમે ત્‍યારે ફરિયાદ કરી શકો છો તેમ અંતમાં શ્રી રાજાણી અને શ્રી સાગઠીયાની યાદીમાં જણાવાયું છે.

(3:46 PM IST)