<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th September 2024

૧ વર્ષ બાદ શિવમ કોમ્‍પલેક્ષ ફરી ધમધમશે

આવતા સપ્તાહે સર્વેશ્વર ચોક વોંકળાનું કામ શરૂ થાય તે પહેલા કોમ્‍પ્‍લેક્ષની દુકાનો-ઓફીસો ખોલવાની મંજુરી

 રાજકોટ તા. ૧૩ :. શહેરમાં યાજ્ઞિક રોડ ઉપર સર્વેશ્વર ચોકમાં એક વર્ષ પહેલા વોકળાનો સ્‍લેબ ધરાશાયી થતાં એક મહિલાનું મળત્‍યુ થયું હતું અને વોકળાની બાજુમાં આવેલ શિવમ કોમ્‍પલેક્ષ પણ ક્ષતિગ્રસ્‍ત થતાં આ કોમ્‍પલેક્ષની અંદાજે ૨૦૦ દુકાનો અને ઓફિસો સીલ કરવામાં આવેલ જેને એક વર્ષ થયું છે. ત્‍યારે હવે મનપા દ્વારા હવે વોકળા ઉપર સ્‍લેબ ભરવાની કામગીરી આગામી સપ્તાહથી શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે. અને સાથો સાથ શિવમ કોમ્‍પલેક્ષમાં સીલ કરવામાં આવેલ ૨૦૦થી વધુ ઓફિસ દુકાનો કામ શરૂ થાય તે પહેલા ખોલી નાખવાની મંજુરી અપાશે તેમ મનપાના સુત્રો માંથી જાણવા મળેલ છે.

યાજ્ઞિક રોડ  તરીકે પ્રખ્‍યાત સર્વેશ્વર ચોકમાં ગત વર્ષે આ જ સમયે રાત્રીના સમયે ગણેશ ઉત્‍સવ ચાલુ હતો અને બીજી બાજુ ખાણી-પીણીના ધંધાર્થીઓને ત્‍યાં ભારે ભીડ હતી તે સમયે જ વોકળાનો સ્‍લેબ ધસી પડતા સેંકડો લોકો ઈજાગ્રસ્‍ત થયા હતાં. જેમાં એક મહિલાનું મળત્‍યુ નિપજેલ આ બનાવની ગંભીરતા સમજી મહાનગરપાલિકા દ્વારા સર્વેશ્વર ચોક તુરંત બંધ કરી દેવામાં આવેલ તેવી જ રીતે વોકળાના સ્‍લેબ સાથે જોડાયેલ બાજુના શિવમ કોમ્‍પલેક્ષમાં પણ ક્ષતિઓ થઈ હોવાનું બહાર આવ્‍યું હતું. જેના કારણે શિવમ કોમ્‍પલેક્ષના સંચાલકોને આ કોમ્‍પલેક્ષમાં રિપેરીંગ કામ કરી ઈન્‍ફાસ્‍ટ્રક્‍ચર રિપોર્ટ આપવાની સુચના આપવામાં આવેલ આ વાતને એક વર્ષ જેટલો સમય થઈ ગયો છે. અને સેંકડો ધંધાર્થીઓ હાલ ઘરે બેઠા છે. તેઓની વારંવાર રજૂઆતોને ધ્‍યાને લઈ મહાનગરપલિકાએ વોકળા ઉપર સ્‍લેબ ભરવા માટે ડિઝાઈન તૈયાર કરી ટેન્‍ડર પ્રસિદ્ધ કર્યુ હતું. જે ફાઈનલ થઈ જતાં હવે આગામી સપ્તાહે એટલે કે, ચોમાસા બાદ સ્‍લેબ ભરવાનું શરૂ કરવામાં આવશે. બાંધકામ વિભાગમાંથી જાણવા મળેલ વિગત મુજબ સ્‍લેબનું કામ શરૂ થાય તે પહેલા સીલ કરવામાં આવેલ તમામ દુકાનો અને ઓફિસો ખોલવાની મંજુરી આપી દેવામાં આવશે.

(4:37 PM IST)