તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 13th September 2024
વિરડા વાજડી નજીક ‘હિટ એન્ડ રન': બાઇકને ઉલાળી છકડો ચાલક ભાગ્યોઃરેલનગરના હાર્ડવેરના વેપારીનું મોત
ચોપન વર્ષના મનોજકુમાર ટેકવાણી સવારે નીકાવાના વેપારીને હાર્ડવેરનો સામાન આપવા જઇ રહ્યા હતાં ત્યારે બનાવઃ સિવિલ હોસ્પિટલમાં દમ તોડતાં પરિવારમાં ગમગીનીઃ દરરોજ ઇકો કાર લઇને જતાં આજે ટુવ્હીલરમાં નીકળ્યા હતાં

રાજકોટ તા. ૧૩: કાલાવડ રોડ પર વિરડા વાજડી નજીક હિટ એન્ડ રનની ઘટના બની છે. આ જીવલેણ અકસ્માતમાં રેલનગરમાં રહેતાં હાર્ડવેરના વેપારીનું મૃત્યુ થયું છે. તેઓ સવારે ટુવ્હીલર પર હાર્ડવેરનો છુટક સામાન લઇ નીકાવાના વેપારીને ઓર્ડર મુજબ માલ પહોંચાડવા જઇ રહ્યા હતાં ત્યારે છકડો રિક્ષાની ઠોકરે ચડી જતાં બાઇક સહિત ફંગોળાઇ જતાં ગંભીર ઇજા થતાં મૃત્યુ નિપજ્યું હતું. અકસ્માત સર્જી ચાલક છકડો લઇ ભાગી ગયો હતો.
જાણવા મળ્યા મુજબ રેલનગર શિવમ્ પાર્ક-૫ બ્લોક નં. ૧૮માં રહેતાં મનોજકુમાર સુંદરદાસ ટેકવાણી (ઉ.વ.૫૪) સવારે પોતાનું ટુવ્હીલર હંકારીને કાલાવડના નીકાવા તરફ જઇ રહ્યા હતાં ત્યારે વિરડા વાજડી નજીક શંકર ભગવાનના મંદિર પાસે પહોંચ્યા ત્યારે છકડો રિક્ષાની ઠોકરે ચડી જતાં બાઇક સહિત ફંગોળાઇ જતાં ગંભીર ઇજા પહોંચતા ૧૦૮ મારફત રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દેતાં હોસ્પિટલ ચોકીના રામશીભાઇ, કેતનભાઇ, ભાવેશભાઇ, તોૈફિકભાઇ, બળુભા, ધર્મેન્દ્રભાઇ અને કાનાભાઇએ તાલુકા પોલીસને જાણ કરી હતી.
મૃત્યુ પામનાર મનોજકુમાર બે ભાઇ અને એક બહેનમાં વચેટ હતાં. સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. તેઓ હોલસેલમાં હાર્ડવેરનો સામાન રાજકોટ સહિત આસપાસના ગામોમાં પહોંચાડવાનો વેપાર કરતાં હતાં. સવારે નીકાવાના વેપારીને હાર્ડવેરનો સામાન આપવા જવા નીકળ્યા ત્યારે રસ્તામાં આ બનાવ બની ગયો હતો. મોભીના મોતથી ટેકવાણી પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. તાલુકા પોલીસ મથકના પીએસઆઇ બી. ડી. ઠાકોર કિરીટભાઇ રામાવત અને હોમગાર્ડ રજાકભાઇ દલ સહિતે જરૂરી કાર્યવાહી કરી હતી. અકસ્માત સર્જી ચાલક છકડો લઇને ભાગી જતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
વધુ માહિતી મુજબ દરરોજ આ વેપારી હાર્ડવેરનો સામાન આપવા ઇકો કાર લઇને જતાં હતાં. આજે જ બાઇક લઇને નીકળ્યા હતાં અને જીવલેણ અકસ્માતનો ભોગ બન્યા હતાં.
(7:30 PM IST)










