News of Friday, 13th September 2024
ભાવી મંગેતર સાથે ચડભડ થતાં સદર બજારની હોસ્ટેલમાં કેશવનો ગળાફાંસો ખાઇને આપઘાત
મુળ મહિસાગરના ખાનપુરનો ૨૩ વર્ષનો યુવાન પિતા સાથે હોસ્ટેલમાં રહી હોટેલમાં નોકરી કરતો હતો

રાજકોટ તા. ૧૩: શહેરના સદર બજારમાં પોલીસ ચોકી નજીક આવેલી રાધે હોસ્ટેલમાં પિતા સાથે રહેતાં મુળ મહિસાગર જીલ્લાના લુણાવાડા તાબેના ખાનપુર ગામના કેશવભાઇ દલપતભાઇ માલીવાડ (ઉ.વ.૨૩) નામના યુવાને બપોરે હોસ્ટેલના રૂમમાં છતમાં પ્લાસ્ટીકની પટ્ટી બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં અરેરાટી વ્યાપી ગઇ હતી.
કેશવ તેના પિતા દલપતભાઇ પેમાભાઇ માલીવાડ સાથે ચારેક દિવસ પહેલા જ તેના ગામથી અહિ હોટેલમાં કામ કરવા આવ્યો હતો અને રાધે હોસ્ટેલના રૂમમાં રહેતો હતો. આજે તે બપોર સુધી હોટલ પર ન પહોંચતા પિતા જોવા જતાં રૂમમાં લટકતો મળતાં કલ્પાંત સર્જાયો હતો. બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ તબિબે નિષ્પ્રાણ જાહેર કરતાં કલ્પાંત સર્જાયો હતો.
આપઘાત કરનાર કેશવ બે ભાઇ અને એક બહેનમાં નાનો હતો. તેનુ સગપણ તેના નજીકના ગામની યુવતિ સાથે થયુ હતું. બે દિવસથી કેશવ અને તેની ભાવી મંગેતર સાથે કોઇ બાબતે ફોનમાં બોલાચાલી ચાલતી હતી. આજે પણ આવુ કંઇક થયા બાદ કેશવે આ પગલુ ભરી લીધાની શક્યતા તેના પિતાએ જણાવી હતી.
પ્ર.નગર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. યુવાન દિકરાના આ પગલાથી પિતા આઘાતમાં ગરક થઇ ગયા હતાં.
(2:53 PM IST)










