<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th September 2024

ગાંધીગ્રામમાં ગટરની ખુલ્લી કુંડીને કારણે બાઇક ફંગોળાયું: અગ્રણી અખબારી એજન્‍ટ વનરાજસિંહ જાડેજાનું મૃત્‍યુ

અક્ષરનગરમાં રહેતાં વનરાજસિંહ બીજી તારીખે સવારે બાઇક લઇને જતાં હતાં ત્‍યારે અકસ્‍માત નડયો હતોઃ નવ દિવસની સારવારને અંતે દમ તોડતાં પરિવારજનો, અખબારી વિક્રેતાઓમાં ગમગીની

રાજકોટ તા. ૧૩: શહેરમાં અવાર-નવાર તંત્રવાહકોની બેદરકારી સામે આવતી હોય છે અને તેમાં લોકો ભોગ બનતાં હોય છે. દરમિયાન ગાંધીગ્રામ વિસ્‍તારમાં રહેતાં અખબારી વિક્રત આગેવાન બાઇક લઇને વહેલી સવારે નીકળ્‍યા ત્‍યારે ગટરના ખુલ્લા ઢાંકણાને કારણે બાઇકને અકસ્‍માત નડતાં ફંગોળાઇ જતાં તેમને ગંભીર ઇજા થઇ હતી. નવ દિવસની સારવાર કારગત ન નીવડતાં તેમનું મૃત્‍યુ થતાં પરિવારજનો, અખબારી વિક્રેતાઓમાં શોક છવાઇ ગયો હતો.

જાણવા મળ્‍યા મુજબ ગાંધીગ્રામમાં અક્ષરનગર મેઇન રોડ પર હીરાના બંગલા નજીક રહેતાં વનરાજસિંહ ઉદેસિંહ જાડેજા (ઉ.વ.૬૦) ગત તા. ૨/૯ના વહેલી સવારે પોણા છએક વાગ્‍યે પોતાની રોજની અખબાર વિતરણની કામગીરી નિપટાવી બાઇક પર ઘરે જઇ રહ્યા હતાં ત્‍યારે ભારે વરસાદને કારણે શેરીમાં પાણી વહી રહ્યા હોઇ મહાપાલિકાના તંત્રવાહકોએ ગટરનું ઢાકણુ ખુલ્લુ મુકી દીધુ હતું. મેઇન હોલના ઢાંકણામાં પાણીનું વહેણ હોઇ તે ખુલ્લુ હોવાથી અજાણ વનરાજસિંહ બાઇક લઇને પસાર થતાં જ તેમાં બાઇક સહિત પટકાયા હતાં. ફંગોળાઇ જતાં તેમને ગંભીર ઇજાઓ થઇ હતી.

બનાવને પગલે લોકો એકઠા થઇ ગયા હતાં અને વનરાજસિંહના પરિવારજનોને જાણ કરી હતી. તેમને સારવાર માટે જી. ટી. શેઠ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. ત્‍યાંથી ગઇકાલે વધુ સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં લાવવમાં આવ્‍યા હતાં. પરંતુ રાત્રે તેમણે દમ તોડી દેતાં પરિવારમાં કલ્‍પાંત સર્જાયો હતો. અકસ્‍માતને કારણે તેમને બાઇકનું હેન્‍ડલ લાગતાં પેટમાં બે પાંસળી તૂટી ગયાનું તબિબી નિદાન થયું હતું. નવ દિવસની સારવારને અંતે તેમણે અંતિમશ્વાસ લીધા હતાં.

હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, કેતનભાઇ નિકોલા, ધર્મેન્‍દ્રભાઇ હુદડ, ભાવેશભાઇ મકવાણા, તોૈફિકભાઇ જુણાચ, બળુભા સહિતે ગાંધગ્રામ પોલીસને જાણ કરતાં જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી. મૃત્‍યુ પામનાર વનરાજસિંહ જાડેજા ત્રણ ભાઇ અને એક બહેનમાં બીજા હતાં. સંતાનમાં એક પુત્ર છે. વનરાજસિંહ જાડેજા અખબારી જગતમાં સારી નામના ધરાવતાં હતાં. તેમના મૃત્‍યુથી અખબારી એજન્‍ટો, વિક્રેતાઓમાં પણ ગમગીની વ્‍યાપી ગઇ હતી.

(12:25 PM IST)