તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 13th September 2024
દિકરીને પ્રસુતિની પીડા ઉપડતાં દવાખાને લઇ જતી વખતે અકસ્માતઃ ગુંદાળાના તેજાભાઇનું મોત
આગળ ૧૦૮માં સગર્ભા દિકરી હતી, પાછળ બાઇક પર તેજાભાઇ અને તેમના પત્નિ હતાં: ઉના બાયપાસ તપોવન પાટીયા પાસે બીજુ બાઇક અથડાતાં અકસ્માત નડયો હતોઃ રાજકોટ સિવિલમાં દમ તોડયો

રાજકોટ તા. ૧૩: ગીર સોમનાથના ગુંદાળા ગામે રહેતાં તેજાભાઇ ગોવાભાઇ જોગદીયા (ઉ.વ.૬૫)નું બાઇક અકસ્માતમાં મૃત્યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. તેમને ત્યાં દિકરી પ્રસુતિ માટે આવી હોઇ તેને પીડા ઉપડતાં ૧૦૮માં તેણીને દવાખાને લઇ જતી વખતે પિતા તેજાભાઇ પત્નિ સાથે બાઇકમાં બેસી ૧૦૮ની પાછળ જતાં હતાં ત્યારે બીજુ બાઇક અથડાતાં આ બનાવ બન્યો હતો.
જાણવા મળ્યા મુજબ ગુંદાળા રહેતાં તેજાભાઇ જોગદીયાના દિકરીને તા. ૮ના રોજ પ્રસુતિની પીડા ઉપડતાં ૧૦૮ બોલાવી તેમાં દિકરીને સુવડાવ્યા હતાં. તેની પાછળ પાછળ તેજાભાઇ પોતાના પત્નિ કાલુબેનને બાઇકમાં બેસાડીને જતાં હતાં ત્યારે ઉના બાયપાસ પર તપોવન પાટીયા પાસે પહોંચતા તેમના બાઇક સાથે બીજુ બાઇક અથડાતાં તેજાભાઇ અને તેમના પત્નિ ફંગોળાઇ જતાં પત્નિનો પગ ભાંગી ગયો હતો. તેજાભાઇને ગંભીર ઇજા થતાં ઉના સારવાર અપાવી રાજકોટ સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ ગત રાતે અહિ દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.
હોસ્પિટલ ચોકીના રામશીભાઇ, કેતનભાઇ, ધર્મેન્દ્રભાઇએ ઉના પોલીસને જાણ કરી હતી. મૃત્યુ પામનાર તેજાભાઇ ત્રણ ભાઇ અને બે બહેનમાં મોટા હતાં અને ખેત મજૂરી કરતાં હતાં. સંતાનમાં ચાર પુત્રી અને એક પુત્ર છે
(7:30 PM IST)










