તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 12th September 2024
અટલ સરોવર પાસે રોંગ સાઇડમાં આવેલા આઇસરે બાઇકને ઉલાળતાં એન્જિનીયર નયન વીરડીયાનું મોતઃ પત્નિને ઇજા
મુળ જામકંડોરણાના ભાદરાનો યુવાન મેટોડા રહી નોકરી કરતો હતોઃ છ મહિના પહેલા જ લગ્ન થયા હતાં: અટલ સરોવર ખાતે લટાર મારવા નીકળ્યા ત્યારે કરૂણ બનાવઃ આઇસર મુકી ચાલક ભાગી જતાં યુનિવર્સિટી પોલીસ દ્વારા કાર્યવાહી

રાજકોટ તા. ૧૨: શહેરના નવા દોઢસો ફુટ રીંગ રોડ પર અટલ સરોવર પાસે રાત્રીના હિટ એન્ડ રનની ઘટનામાં આઇસરના ચાલકે ટુવ્હીલરને ઉલાળતાં તેના પર બેઠેલા ઇલેક્ટ્રીક એન્જિનીયર પતિ અને તેના પત્નિ ફંગોળાઇ જતાં ઇજાઓ થઇ હતી. જેમાં પતિનું ઘટના સ્થળે જ મોત થયું હતું. જ્યારે પત્નિને સારવાર માટે ખસેડાયા હતા. કરૂણતા એ છે કે મૃત્યુ પામનાર યુવાનના હજુ છ મહિના પહેલા જ લગ્ન થયા હતાં. તે મુળ જામકંડોરણાના ભાદરા ગામનો વતની હતો અને હાલ મેટોડા રહેતો હતો.
જાણવા મળ્યા મુજબ રાત્રીના અટલ સરોવર નજીક આઇસર જીજે૦૩બીસી-૭૦૩૦ના ચાલકે ટુવ્હીલરને ઉલાળતાં ચાલક મેટોડા રહેતો મુળ જામકંડોરણાના ભાદરા ગામનો નયનભાઇ મુકેશભાઇ વીરડીયા (ઉ.વ.૨૫) તથા પાછળ બેઠેલા તેના પત્નિ હેપ્પીબેન (ઉ.વ.૨૪) ફંગોળાઇ જતાં ગંભીર ઇજાઓ થઇ હતી. જેમાં પતિ નયનભાઇનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યુ મોત થયું હતું.
બનાવને પગલે લોકો એકઠા થઇ જતાં કોઇએ ૧૦૮ બોલાતાં ઇએમટી રૂપેશ નનેરા અને પાઇલોટો સુનિલભાઇ પહોંચ્યા હતાં અને ઘાયલ થયેલા હેપ્પીબેનને ખાનગી હોસ્પિટલમાં ખસેડયા હતાં. પોલીસને જાણ થતાં યુનિવર્સિટીના એએસઆઇ વાય. ડી. ભગત સહિતે પહોંચી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડયો હતો.
વધુ માહિતી મુજબ મૃત્યુ પામનાર નયનભાઇ ભાદરાનો વતની હતો અને છ મહિના પહેલા જ લગ્ન થયા હતાં. પોતે ઇલેક્ટ્રીક એન્જિનીયર હતો અને નવેક મહિનાથી મેટોડા નોકરી કરતો હતો અને પત્નિ સાથે ત્યાં જ રહેતો હતો. તે બે ભાઇ-બહેનમાં નાનો હતો. બંને પતિ-પત્નિ આટો મારવા નીકળ્યા બાદ અટલ સરોવર ખાતે લટાર મારવા ગયા હતાં. આ વખતે રોંગ સાઇડમાં આવેલા આઇસરે બાઇકને ઉલાળી દેતાં ઘટના સ્થળે જ ખોપરી ફાટી જતાં નયનભાઇનું મૃત્યુ થયું હતું. પોલીસે આઇસર ચાલક સામે કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરી હતી.
(2:35 PM IST)










