<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th September 2024

જાણીતા વ્‍યાયામવીર અને યોગાચાર્ય કનુભાઇ દવેનું અવસાન : કાલે બેસણું

સાદુ જીવન... ઉચ્‍ચ વિચારના મંત્રને મૂર્તિમંત કરનાર :સેંકડો યુવાનોને યોગમય જીવન જીવવાની પ્રેરણા આપનાર કનુભાઇ દવે અનંતયાત્રાએ

રાજકોટ  : રાજકોટ - સૌરાષ્‍ટ્રના સેંકડો યુવાનોને નિવ્‍યસની અને યોગમય જીવનની પ્રેરણા આપનાર જાણીતા વ્‍યાયામવીર અને યોગાચાર્ય કનુભાઇ દવેનું તા. ૯ના સોમવારે દેહાવસાન થયું છે. સાદગીસભર જીવન જીવીને ઉચ્‍ચ વિચાર અને તંદુરસ્‍ત જીવન જીવવાના પાઠ સેંકડો યુવાનોને શીખડાવનાર કનુભાઇ દવેની અચાનક વિદાયથી દવે પરિવાર તેમજ સેંકડો યોગ સાધકોમાં ઘેરો શોક છવાયો છે.

કનુભાઇ દવે ‘ગુરૂજી'ના નામથી યોગસાધકોમાં જાણીતા હતા. શ્રી કનકરાય મણિશંકર દવેનો જન્‍મ તા. ૨૪-૬-૧૯૪૮ના રોજ ધ્રાફાના એક સામાન્‍ય બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેમનું જીવન ખૂબ જ સંઘર્ષમય હતું પરંતુ તેમને માત્ર ૧૧ વર્ષની વયે એક પૂર્ણયોગી સદ્‌ગુરૂની પ્રાપ્‍તિ થઇ હતી. જેમનું નામ શ્રી આત્‍મસ્‍થાનંદજી હતું. જ્‍યારથી શ્રી સદ્‌ગુરૂની પ્રાપ્‍તિ થઇ ત્‍યારથી તેમનું જીવન સંપૂર્ણ યોગમય બની ગયું અને તેમણે પણ એક પૂર્ણયોગીની કક્ષા પ્રાપ્‍ત કરી.

ગુરૂજી કનુભાઇ દવે ઉચ્‍ચ અભ્‍યાસ કરવા માટે પોતાના ગામને છોડીને રાજકોટમાં સ્‍થાયી થયા તેમના શ્રી સદ્‌ગુરૂદેવ પણ તેમની સાથે રાજકોટ સ્‍થાયી થયા અને તેમની યોગયાત્રા ચાલુ રાખી. આ દરમિયાન તેઓએ સિવિલ એન્‍જીનિયરીંગની ડિગ્રી મેળવી પ્રથમ વર્ગના અધિકારી તરીકે ગુજરાત સરકારમાં શ્રેષ્‍ઠ ફરજ બજાવી અને પ્રમાણિકતા, સત્‍યવ્રત અને નિતીમત્તા સાથે જીવન જીવ્‍યા. પોતાની બધી જ સંસારીક ફરજો બજાવી હતી.

ગુરૂજી કનુભાઇ દવે પાસે આયુર્વેદનું જ્ઞાન હતું અને અનેક રોગીઓને સંપૂર્ણ સ્‍વસ્‍થ કરતા હતા. તેઓ શ્રેષ્‍ઠ વ્‍યાયામવીર હતા, પોતાના જીવનકાળ દરમિયાન તેઓએ કુશ્‍તી, સ્‍વીમીંગ, વેઇટ લીફટીંગ, દોડ વગેરે અનેક સ્‍પર્ધાઓમાં ઉચ્‍ચ ઉપલબ્‍ધિઓ મેળવી હતી. તેઓ પ્રકૃતિ પ્રેમી હતા. ભારતભરમાં તેઓએ પરિભ્રમણ કર્યું હતું.

ગુરૂજી કનુભાઇ દવેએ પોતાના જીવનના ઉત્તરાર્ધમાં નિવૃત્તિ લઇને તેઓએ પૂર્ણયોગીની કક્ષા પ્રાપ્‍ત કરી લીધી હતી અને અનેક સિધ્‍ધીઓ મેળવીને તેઓ પરમાર્થ કાર્ય કરતા હતા. તેઓ પૂર્ણ પવિત્રતા સાથે જીવન જીવ્‍યા.

કાલે બેસણું

રાજકોટઃ શ્રી સોરઠીયા શ્રી ગોૈડ માળવીય બ્રાહ્મણ મુળ ધ્રાફા. હાલ રાજકોટ નિવાસી કનકરાય મણીશંકર દવે (ઉ.વ. ૭૭) નું તા. ૯ ને સોમવારના અવસાન થયેલ છે. તે અમિતભાઇ (મનપાના ફાયર ઓફિસર) તથા બીનાબેન ના પિતાશ્રી  તથા મિતેષકુમાર રવીભાઇ ભટ્ટના સસરા, સ્‍વ. રમણીકભાઇના નાનાભાઇ તથા સુરેશભાઇના મોટાભાઇ તથા મીઠાપુર વાળા સ્‍વ. નાનાલાલ, દુર્ગાશંકર તથા ચંદુલાલ મહાશંકર પંડયાના ભાણેજ નું ઉઠમણું તથા સાદડી તા. ૧૩ ને શુક્રવાર સાંજે ૪:૩૦ થી ૫:૩૦ વાગ્‍યે અલ્‍કેશ્વર મહાદેવ મંદિર, રૈયા રોડ, સદગુરૂ કોમ્‍પલેક્ષ પાછળ, અલકાપુરી મેઇન રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

(9:34 AM IST)