તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Tuesday, 10th September 2024
મનપાના બુલડોઝરની ધણધણાટી : ઉપલાકાંઠે ૩ સ્થળે ડીમોલેશન
વોર્ડ નં.પ અને ૬ના વિવિધ વિસ્તારમાં માર્જીનમાં દબાણ તોડી પાડતી ટાઉન પ્લાનીંગ શાખા

રાજકોટ, તા.૧૦: શહેરના વોર્ડ નં.૫માં કૈલાશધારા મેઇન રોડ અને મારૂતિ ૫૦ ફૂટ રોડ જ્યારે વોર્ડ નં.૬માં મેહુલનગર મેઇન રોડ પર માર્જીનમાં ઉભેલા દબાણને તોડી પડાયા હતા.
સામાન્ય રીતે ચોમાસાની સિઝનમાં સુપ્રિમ કોર્ટની ગાઇડ લાઇન મુજબ ડિમોલીશન હાથ ધરવામાં આવતું હોતું નથી. છતાં ટીપીના અનામત પ્લોટ કે માર્જીનમાં ગેરકાયદે ખડકાતા દબાણો દૂર કરવા માટે કોર્પોરેશન દ્વારા ગમે ત્યારે બુલડોઝરની ધણધણાતી બોલાવવામાં આવે છે. આજે શહેરના સામાકાંઠા વિસ્તારમાં વોર્ડ નં.૫ અને ૬માં હાથ ધરવામાં આવેલા ડિમોલીશનમાં માર્જીનમાં ખડકાયેલા દબાણો જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા હતા.
આ અંગેની મનપાની સત્તાવાર વિગત મુજબ કોર્પોરેશનની ઇસ્ટ ઝોન કચેરીની ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા ઓપરેશન ડિમોલીશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં શહેરના સામાકાંઠા વિસ્તારમાં વોર્ડ નં.૫માં કૈલાશધારા મેઇન રોડ પર ઇヘરભાઇ શર્મા દ્વારા ગ્રાઉન્ડ ફ્લોર ઉપરાંત ત્રણ માળમાં માર્જીન ર્પાકિંગમાં ખડકી દેવાયેલું આશરે ૬૦૦ ફૂટનું બાંધકામ તોડી પાડવામાં આવ્યું હતું. જ્યારે મારૂતિ-૫૦ ફૂટ રોડ પર સંજયભાઇ ઢોલરીયા નામના આસામી દ્વારા ગ્રાઉન્ડ ફ્લોર ઉપરાંત ત્રણ માળ સુધી માર્જીનની જગ્યામાં આશરે ૭૫૦ ફૂટનું ગેરકાયદે બાંધકામ ખડકી દેવાયું હતું. જેને જમીનદોસ્ત કરી દેવાયું હતું. ત્યારબાદ કાફલો વોર્ડ નં.૬માં મેહુલનગર મેઇન રોડના છેડે ત્રાટકયો હતો.
ભાવેશભાઇ સોલંકી નામના વ્યકિત દ્વારા ગ્રાઉન્ડ ફ્લોર ઉપરાંત ત્રણ માળ સુધી માર્જીનની જગ્યામાં ગેરકાયદે બાંધકામ કરી લેતા તોડી પડાયું હતુ.
(3:55 PM IST)










