તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Tuesday, 10th September 2024
રાજપૂત-ક્ષત્રીય સમાજને મોટી ખોટ પડીઃ પ્રવિણસિંહજી જાડેજા (સોળીયા)ની ચિરવિદાય
આઝાદી પૂર્વે સ્થપાયેલી રાજકોટની હરભમજીરાજ ગિરાસદાર છાત્રાલયના હજારો યુવાનોનું ઘડતર કર્યુઃ જમીન વિકાસ બેંકમાં વર્ષો સુધી કાર્યરત રહી ખેડુત હિતના કાર્યો કર્યા

રાજકોટ, તા., ૧૦: પ્રવિણસિંહજી જાડેજા (સોળીયા)નું તા.૯ના રોજ દુઃખદ અવસાન થયું છે. રાજપૂત ક્ષત્રીય સમાજના પથદર્શક તરીકે આઝાદીકાળથી ઉભરી આવેલા પ્રવિણસિંહજીએ રાજપૂત ક્ષત્રીય સમાજના યુવકોને શિક્ષણ ક્ષેત્રમાં માર્ગ ચીંધવાનું ભગીરથ કાર્ય કર્યુ હતું.
રાજકોટની હરભમજીરાજ ગિરાસદાર છાત્રાલયના મુ. સાહેબ (પ્રિન્સીપાલ) તરીકે જીવન પર્યંત સેવાઓ આપી અનેક રાજપૂત ક્ષત્રીય યુવકોને બિઝનેસમેન, ઓફીસર અને રાજકીય ક્ષેત્રમાં આગળ ધપાવવા મહત્વનું યોગદાન આપ્યું હતું.
સાથોસાથ જમીન વિકાસ બેન્કના ડાયરેકટર તરીકે વર્ષો સુધી સેવાઓ આપી ખેડુત હિતને હૈયે વળગાડી ઉત્કૃષ્ટ સેવા પ્રદાન કરી હતી. નિવૃત પાણી પુરવઠા અધિકારી શ્રી દેવેન્દ્રસિંહ જાડેજા અને નિવૃત ડીવાયએસપી શ્રી અજયસિંહ જાડેજાના પિતાશ્રી સ્વ. પ્રવિણસિંહજી જાડેજાએ અત્યંત સાદગીભર્યુ અને સિધ્ધાંતવાદી જીવન જીવી અન્યોને પ્રેરણાઆપી હતી.
તેમણે રાજપૂત ક્ષત્રીય સમાજના અનેક યુવાનોને વિદ્યાર્થીકાળથી ઘડવાનું શરૂ કર્યુ હતું.
પથ અને પ્રકાશ નામના માસીક થકી પ્રવિણસિંહજી જાડેજાએ રાજપુત ક્ષત્રીય સમાજને ધબકતો રાખવાનું અનન્ય કાર્ય પણ કર્યુ હતું. જે રાજપૂત-ક્ષત્રીય સમાજને સદૈવ યાદ રહેશે.
આજે સવારે ૭ વાગ્યે સદગતના પાર્થિવ દેહને હરભમજીરાજ ગિરાસદાર છાત્રાલયમાં અંતિમ દર્શનાર્થે રખાયો હતો. સેંકડો લોકોએ પ્રવિણસિંહજીને શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતા. ત્યાર બાદ ૯ વાગ્યે કોટડાસાંગાણીના સોળીયા ગામે સદગતની અંતિમવિધિ કરવામાં આવી હતી
(1:39 PM IST)










