<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th September 2024

કાલથી ગણપતિ મહોત્‍સવઃ પોલીસ કમિશનરે જાહેરનામુ બહાર પાડી નિયમો પાળવા જણાવ્‍યું

વિસર્જન ક્‍યાં કયાં કરી શકાશે તે માટેના ૭ સ્‍થળો જણાવાયાઃ રસ્‍તા પર લોકોને રંગ ઉડાડવો નહિઃ ધાર્મિક લાગણી દુભાય નહિ તેનું ખાસ ધ્‍યાન રાખવું

 રાજકોટ તા. ૬: આવતી કાલે શ્રીગણેશ ચતુર્થીના દિવસથી સતત ૧૧ દિવસ સુધી રાજકોટ શહેરમાં ૧૧ દિવસ સુધી ગણેશ ઉત્‍સવ થશે. આ અન્‍વયે પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાએ જાહેરનામુ પ્રસિધ્‍ધ કર્યું છે. જેમાંપ્રતિમા વિસર્જન, તેના સ્‍થળો તેમજ વિસર્જન પૂર્વે હાર, ફૂલ, વષાો, શણગાર વગેરે દૂર કરવા તેમજ સિન્‍થેટીક લાઈનર વાપરવા તેમજ વિસર્જન વખતે બીજા લોકોને અડચણ ન થાય તે રીતે અને સુલેહ શાંતિનો ભંગ ન થાય તે રીતે ઉજવણી કરવા સહિતના નિયમો જણાવાય છે.

આવતીકાલ તા. ૭ના એટલે કે આવતીકાલ રાત્રિના ૧૨થી તા. ૧૮ની રાત્રિના ૧૨ સુધી અમલમાં રહેનાર આ જાહેરનામામાં ગણેશ વિસર્જનના સરઘસ માટે પૂર્વ મંજુરી લેવાની રહેશે  તેમ જણાવાયું છે. આ ઉપરાંત વિસર્જન માટેના સ્‍થળો પણ જણાવવામાં આવ્‍યા છે તેમાં (૧) આજી ડેમ ઓવરફલો પાસે  ચેક ડેમ ખાણ નં.૧, (૨) આજી ડેમ ઓવર ફલો ખાણ નં. ૨, (૩) આજીડેમ ઓવર ફલો ચેકડેમ, (૪)પાળ ગામ જખરા પીર દરાહ પાસે, મવડી ગામથી આગળ (૫) ન્‍યારાના પાટીયા પાસે ખાણમાં જામનગર રોડ, (૬) બાલાજી વેફર્સ સામે વાગુદળ પાટીયા પછીના પુલ નીચે કાલાવડ રોડ અને (૭) એચપીના પેટ્રોલ પંપ સામે રવિારી બજારવાળુ ગ્રાઉન્‍ડ આજીડેમ પાસે ભાવનગર રોડ જણાવાયા છે.

જાહેરનામામાં આગળ જણાવાયુ છે કે વિસર્જનની જગ્‍યાએ તળાવો, ખાણ, નદીમાં સિન્‍થેટીક લાઈનર (કપડું) ગોઠવવાનું રહેશે અને વિસર્જનના ૪૮  કલાક (બે દિવસ) બાદ બહાર કાઢવાનું રહેશે તથા ફટકડી નાંખવાની રહેશે.  વિસર્જન યાત્રા દરમિયાન આવતા જતા રાહદારીઓ, લોકો પર રંગ છાંટી શકાશે નહીં, ગણેશોત્‍સવ સ્‍થળે ધ્‍વનિ પ્રદુષણ નિયંત્રણનું ધ્‍યાન રાખવાનું રહેશે, અર્થાત્‌ ઘોંઘાટ પર પ્રતિબંધ રહેશે, વોલ્‍યુમ ધીમુ રાખવાનું રહેશે. ગણેશ વિસર્જન બાદ એક દિવસ કરતા વધુ સમય મંડપ રાખી શકાશે નહીં, વિસર્જીત થયેલી મૂર્તિને કોઈ પણ વ્‍યક્‍તિ દ્વારા બહાર કાઢી શકાશે નહીં, ધાર્મિક લાગણી, સદભાવના જળવાય અને જાહેરમાર્ગ પર ટ્રાફિકને અડચણ ન થાય તેનું ધ્‍યાન રાખવા સહિતના નિયમો દર્શાવાયા છે. જેનો ભંગ કરનારા સામે બીએનએસની કલમ ૨૨૩, ગુજરાત પોલીસ એક્‍ટની કલમ ૧૩૧, ૧૩૫ મુજબ કાર્યવાહી થશે તેમ જણાવાયું છે.

(3:29 PM IST)