તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 6th September 2024
મહાવીર પાસે દુઃખ દૂર કરવાનું મેજિક ન હતુ પણ દુઃખના કારણને દૂર કરવાનું લોજિક જ તેમનું મેજિક હતું : પૂ.નમ્રમુનિ મ.સા
પરમધામ ખાતે કાલે ભાઇ v/s ભાઇ કાર્યક્રમઃ રવિવારે 'સંવત્સરી આલોચના વિધિ'

રાજકોટ,તા. ૬: પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વના છઠ્ઠા દિવસે, રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના સાંનિધ્યે ઉપસ્થિત સહુ પ્રભુના જ્ઞાનની શકય એટલી પ્રભાવના કરવા, પ્રભુના અસીમ ઉપકારોથી આંશિક ઋણમુકત બનવા માટે સંકલ્પબદ્ઘ બન્યાં હતાં.
આત્માને પાપોથી પ્રોટેકટ કરાવી દેનારી ઇનર કિલનિંગ ધ્યાન સાધના અને ડુંગર દરબારના વિશાળ શામિયાણામાં પ્રસરેલી 'સાધુપદ'ની અંતરસ્પર્શી ધૂનના પવિત્ર તરંગોમાં ભળી હતી પ્રભુ ચરણમાં ઉપકાર અભિવ્યકિતની અંતરવંદનાની અર્પણતા કરાવતી પરમ ગુરુદેવની જ્ઞાનધારા જયારે પ્રગટ્યા હતા એવા વચન કે, વર્ધમાનરૂપી દેહને જન્મ આપનારી માતા ત્રિશાલાદેવીનો જયકાર બોલાવીને આપણે પ્રભુના જન્મોત્સવ તો અનેક વખત ઉજવ્યા પરંતુ મહાવીરરૂપી ભગવંતતાને જન્મ આપનારા એમના કેવળજ્ઞાનને જગતના હજારો હૃદય સુધી પહોંચાડવાનો પુરુષાર્થ કરવો તે આપણા સહુનું શાસન કર્તવ્ય રહેલું છે.
રાજકુમાર વર્ધમાનમાંથી યોગી મહાવીર અને શ્રમણ મહાવીર બનનારા પ્રભુને જયાં સુધી કેવળજ્ઞાનની પ્રાપ્તિ નહોતી થઈ ત્યાં સુધી જંગલમાં એકલા હતા, અટુલા હતા, લોકો છુ-છુકાર કરીને એમના પર ડોગીઓ છોડીને એમને ભગાડી દેતા હતા પરંતુ એ જ યોગી મહાવીરને જે ક્ષણે, જે દિવસે કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું એ દિવસથી લોકો એમને ભગવાન માનીને પૂજવા લાગ્યા. વ્યકિત એક જ હોય સામાન્ય હોય તો લોકો ભગાવી દે પણ પૂર્ણ જ્ઞાની બની જાય તો લોકો ભગવાન બનાવીને પૂજે. પથ્થર એકનો એક જ હોય, અણઘડ હોય તો અનેકની ઠોકર ખાય અને પ્રતિમા બને તો પૂજાઈ જાય આપણું દુર્ભાગ્ય છે કે આપણી પાસે પ્રભુના દેહ ચરણ નથી પૂજવા માટે પરંતુ સૌભાગ્ય છે આપણું કે આપણી પાસે જ્ઞાનરૂપી પ્રભુના અક્ષર દેહરૂપી આગમજ્ઞાન ગ્રંથો છે. એ ગ્રંથોને પૂજવાનું એ જ્ઞાનની પ્રભાવના કરવાનું પરમ સૌભાગ્ય આપણી પાસે છે.
આવતીકાલ ૭.૯.૨૦૨૪ શનિવાર પર્વના સાતમા દિવસે સવારના ૯ કલાકે ભાઈ v/s ભાઈનો વિશિષ્ટ કાર્યક્રમ યોજાશે. એક જ પરિવારના બે ભાઈઓ વચ્ચે સર્જાએલી ગેરસમજણ, મતભેદ અને વર્ષોના અબોલાને દૂર કરાવીને પરસ્પર સ્નેહ અને ક્ષમાનું આદાન-પ્રદાન કરતા અદભૂત દ્રશ્યો સર્જાશે. વિશેષમાં, તા.૮.ને રવિવારે પર્વના અંતિમ દિવસે બપોરના ૩ થી ૫ કલાક દરમિયાન પર્વાધિરાજ પર્વના આવશ્યક કર્તવ્ય સ્વરૂપ 'સંવત્સરી આલોચના વિધિ'નો કાર્યક્રમ યોજાશે.
એ સાથે જ, સાંજના સમયે ૬:૩૦ કલાકે આત્મા પર લાગેલા દરેક દોષ અને પાપોની વિશુદ્ઘિ કરાવતી 'સવંત્સરી પ્રતિક્રમણ આરાધના વિધિ' કરાવવામાં આવશે
(4:07 PM IST)










