તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 30th August 2024
નવી કોર્ટ બિલ્ડીંગ પાછળ પાણીના ખાડામાં બે બાળકો ડૂબ્યાઃ એકનું મોત
રૈયાધારમાં દમુબેનની ગોૈશાળા પાસે રહેતાં ભરવાડ અને દેવીપૂજક પરિવારના ત્રણ બાળકોમાંથી બે ન્હાવા પડયા હતાં, ત્રીજો બહાર બેઠો હતોઃ મૃત્યુ પામનાર ૧૦ વર્ષનો ભીખો ૪ બહેનનો એક જ ભાઇ હતોઃ બીજાનું નામ મયુર હળવદીયા

રાજકોટ તા. ૩૦: ભારે વરસાદને કારણે ઠેકઠેકાણે નદી, તળાવ, ડેમ છલકાઇ ગયા છે અને ખાડાઓ પણ છલોછલ થઇ ગયા છે. આવા સ્થળોએ લોકો ન્હાવાની ઇચ્છા રોકી શકતાં નથી. પરંતુ આવા સ્થળોએ ન્હાવાનું જોખમી અને ઘણીવાર જીવલેણ બની જતું હોય છે. બપોરે જામનગર રોડ પર નવી કોર્ટ બિલ્ડીંગ પાછળ રૈયારધાથી ત્રણ બાળકો આવ્યા હતાં. જેમાંથી બે બાળકો પાણીના ખાડામાં ન્હાવા જતાં પાણી સાથે કાદવ પણ હોઇ ખુંપી જતાં ડુબી ગયા હતાં. જેમાં એક બાળકનું ઘટના સ્થળે જ મોત થયું હતું. બીજાને સારવાર માટે લઇ જવાયો હતો. ત્રીજો બાળક બહાર હોઇ તે બચી ગયો હતો. મૃત્યુ પામનાર દસ વર્ષનો બાળક ચાર બહેનનો એકનો એક ભાઇ હતો.
બનાવની જાણવા મળેલી માહિતી મુજબ નવી કોર્ટ બિલ્ડીંગ પાછળ પાણીના ખાડામાં બે બાળકો આશરે ૧૨-૧૩ વર્ષના ડુબી ગયાની જાણ થતાં પોલીસ કન્ટ્રોલ રૂમ દ્વારા યુનિવર્સિટી પોલીસને જાણ કરવામાં આવતાં ડી. સ્ટાફ પીએસઆઇ બી. આર. ભરવાડ અને ટીમ તથા ઇન્વેસ્ટીગેશન ટીમ ત્યાં પહોંચી હતી. એક બાળકને તેના સ્વજનો બેભાન હાલતમાં સારવાર માટે લઇ ગયા હતાં. જ્યારે અન્ય એક બાળકને ૧૦૮ના ઇએમટીએ મૃત જાહેર કરતાં કલ્પાંત સર્જાયો હતો.
પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ બંને બાળકોની ઉમર આશરે ૧૨થી ૧૩ વર્ષની છે. રૈયાધારમાં દમુબેનની ગોૈશાળા પાસે રહેતાં આ બાળકો ન્હાવા માટે ખાડામાં ઉતર્યા બાદ આ બનાવ બન્યો હતો. ઘટનાને પગલે મૃતકના પરિવારજનોમાં કલ્પાંત સર્જાયો હતો. મૃત્યુ પામનાર બાળકનું નામ ભીખો મુન્નાભાઇ ભુંડીયા (ઉ.વ.૧૦) હોવાનું અને તે રૈયાધાર રંભામાની વાડી પાસે રહેતો હોવાનું ખુલ્યું હતું. તેના પિતા છુટક મજૂરી કરે છે. કરૂણતા એ છે કે મૃત્યુ પામનાર ભીખો ચાર બહેનનો એકનો એક નાનો ભાઇ હતો. યુનિવર્સિટી પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. બીજા બાળકનું નામ મયુર વિજયભાઇ હળવદીયા-દેવીપૂજક (ઉ.વ.૧૨) હોવાનું જાણવા મળ્યું હતું.
(5:05 PM IST)










