<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 27th August 2024

જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તૈયાર કરાયેલ લોધિકા તાલુકાના ત્રણ આશ્રયસ્થાનોમાં ૧૦૦ અસરગ્રસ્તોએ મેળવ્યો આશ્રય

રાજકોટ:  લોધિકા તાલુકાના ગામોમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બનાવાયેલા શેલ્ટર હોમમાં ૧૦૦ અસરગ્રસ્તો આશ્રય મેળવી રહ્યા છે.

સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદના પગલે કોઈ જાનહાની ન થાય તે માટે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનું અધિકારીઓને સીધું માર્ગદર્શન મળી રહ્યું છે. રાજકોટ જિલ્લામાં જિલ્લા પ્રભારી અને કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલના માર્ગદર્શનમાં તથા જિલ્લા કલેકટર પ્રભવ જોશીના સંકલન હેઠળ ટીમ રાજકોટ દ્વારા વરસાદની સ્થિતિ સંદર્ભે ત્વરિત કામગીરી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે જિલ્લામાં અલગ અલગ જગ્યાએ આશ્રયસ્થાનો બનાવાયા છે. જેમાં લોધિકા તાલુકામાં પારડી ગામે ૧૨, કાંગશીયાળી ગામે ૮ અને લોધીકા ગામે ૮૦ વ્યક્તિઓને શેલ્ટર હોમમાં આશ્રય અપાયો છે. આશ્રયસ્થાનોમાં અસરગ્રસ્તો માટે રહેવાની સાથે જમવાની સુવિધા ઉપલબ્ધ કરાઈ છે. 

            ન્યારી–૧ ડેમની અસર નીચે આવતા લોધીકા તાલુકાના નીચાણવાસના ગામો હરીપર પાળ અને વાજડી વડ ગામના સરપંચશ્રીઓ સાથે ટેલિફોનિક સંપર્ક કરીને ગામમાં નીચાણવાળા વિસ્તારમાં કે નદી કિનારાના વિસ્તારમાં કોઈ અવરજવર ન કરે તેની સાવચેત રાખવા સૂચના અપાઈ છે. તથા ડોન્ડી ડેમની અસર નીચે આવતા લોધીકા તાલુકાના નીચાણવાસના ગામો પાંભર ઇટાળા અને લક્ષ્મી ઇટાળા ગામના સરપંચશ્રીઓ સાથે પણ ટેલિફોનિક સંપર્ક કરીને ગામમાં નીચાણવાળા વિસ્તારમાં કે નદી કિનારાના વિસ્તારમાં કોઈ અવરજવર ન કરે તેની સાવચેત રાખવા સૂચના આપવામાં આવી છે. 

          ભારે વરસાદના પગલે લોધીકા તાલુકાના R&B પંચાયત હેઠળના લોધીકાથી કોઠા પીપળીયા કોઝ તેમજ લોધીકા તાલુકાના R&B સ્ટેટ હેઠળના ત્રણ રસ્તાઓ બંધ થયેલ છે. લોધીકાથી ચાંદલી કોઝ–વે લોધીકાથી થોરડી કોઝ–વે તથા પાળથી મવડી કોઝ–વે બંધ થયેલ છે. તેમ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જણાવાયું છે.

 

(3:07 PM IST)