<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 25th August 2024

રાજકોટ જિલ્લાના વિવિધ ડેમોમાં પાણીની આવક વધતાં દરવાજા ખોલાયા : ભારે વરસાદના પગલે આજી 3 ડેમના 6 દરવાજા 2.5 ફૂટ ખોલાયા

આજી-૩, આજી-૨ અને ન્યારી-૨ ડેમના વિસ્તારોના હેઠવાસમાં આવેલા ગામોના ગ્રામજનોને ડેમ વિસ્તારમાં અવરજવર ન કરવા વહીવટી તંત્ર દ્વારા સુચના

રાજકોટ : રાજકોટ જિલ્લામાં થઈ રહેલા સાર્વત્રિક વરસાદને પગલે વિવિધ જળાશયોમાં વરસાદી પાણીની ધીંગી આવક થઈ છે, જેના લીધે અમુક જળાશયોના હેઠવાસના ગામોના લોકોને સાવચેત રહેવા જિલ્લા વહીવટી તંત્ર તરફથી સૂચના અપાઈ છે.

જે મુજબ રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાનો આજી-૩ ડેમ પૂર્ણ સપાટીએ ભરાઈ જતા 6 દરવાજા ૦.૩ મીટરે ખોલવામાં આવ્યા છે. હાલ આજી -૩ જળાશયનું લેવલ ૫૨.૮૪ મીટર છે. આ ડેમના હેઠવાસમાં આવેલા પડધરી તાલુકાના ખજુરડી, થોરીયાળી, ખીજડીયા(મોટા) ગામોના ગ્રામજનોને ડેમના વિસ્તાર તેમજ કાંઠા વિસ્તારમાં અવરજવર ન કરવા રાજકોટ જિલ્લા સિંચાઈ પૂર્વ વર્તુળ એકમની યાદીમાં જણાવ્યું છે

રાજકોટ તાલુકાનો આજી-૨ ડેમ પૂર્ણ સપાટીએ પાણી ભરાઈ ગયેલ હોવાથી રૂલ લેવલ જાળવવા ડેમના ત્રણ દરવાજા ૦.૩૦૫ મીટરે ખોલવામાં આવ્યો હતો. હાલ આજી-૨ જળાશયનું લેવલ ૭૨.૫૨ મીટર છે. રાજકોટ આજી-૨ ડેમ વિસ્તારના અડબાલકા, બાઘી, દહીંસરા, ડુંગરકા, ગઢડા, હરીપર, ખંઢેરી, નારણકા, સખાપર, અને ઉકરડા એમ કુલ દસ ગામોના ગ્રામવાસીઓને સાવચેત કરવામાં આવે છે કે, ડેમ વિસ્તાર તેમજ કાંઠા વિસ્તારમાં કોઈ અવરજવર કરવી નહીં.

 પડધરી તાલુકાના ન્યારી-૨ ડેમમાં વરસાદની આવક વધતા ત્રણ દરવાજા ૦.૭૬૨ મીટર ખોલવામાં આવ્યા છે. જળાશયનું હાલનું લેવલ ૮૮.૫૫ મીટર છે. પડધરી તાલુકાના ગોવિંદપર, ખામટા, રામપર, વણપરી સહિતના ગામોના ગ્રામજનોને ડેમ વિસ્તારમાં અને કાંઠાના વિસ્તારો પર હાઈ એલર્ટ કરાયા છે.

(3:20 PM IST)