News of Friday, 16th August 2024
ભેળમાં કોથમરી શું કામ નાંખી?...ગાંધીગ્રામમાં ત્રણ શખ્સોની લુખ્ખાગીરીઃ ભેળવાળાને છરીના ઘા ઝીંક્યા
લાખના બંગલાવાળા રોડ પર બનાવઃ મારુ નામ રવિરાજ રાણા છે, મારી સામે બોલ્યો જ કેમ? કહી ડખ્ખોઃ વિક્રાંત અને કલ્પેશે પકડી રાખ્યો અને રવિરાજે છરીના ઘા ઝીંક્યાઃ ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધ્યો

રાજકોટ તા. ૧૫: ગાંધીગ્રામમાં સ્વાતંત્ર્ય દિવસની પુર્વ રાત્રીએ ભેળની રેંકડીએ કારમાં આવેલા ત્રણ શખ્સોએ ભેળનો ઓર્ડર આવતાં ભેળ વેંચતા યુવાને ડીશ બનાવીને આપી હતી. આ વખતે ત્રણ પૈકીના એક શખ્સે મારી ભેળમાં ડુંગળી સાથે કોથમરી શું કામ નાંખી છે? કહી ગાળો દઇ ડખ્ખો કર્યા બાદ સાથેના બે શખ્સે ભેળના ધંધાર્થીને પકડી રાખી ત્રીજાએ છરીથી હુમલો કરી સાથળ, હાથમાં ઘા ઝીંકી દેતાં દેકારો મચી ગયો હતો. પોલીસે ત્રણેયની શોધખોળ શરૂ કરી છે.
આ બનાવમાં ગાંધીગ્રામ પોલીસે ગોૈતમનગર-૫માં મારૂતિ હોલની પાછળ લાખના બંગલાવાળા રોડ પર રહેતાં અને ઘર નજીક જ સંતોષ ભેળ નામે રેંકડી રાખી ગુજરાન ચલાવતાં રવિ ઘુઘાભાઇ સોહલા (ઉ.વ.૧૯)ની ફરિયાદ પરથી રવિરાજ રાણા, કલ્પેશ તથા વિક્રાંત વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે.
રવિના કહેવા મુજબ હું બુધવારે રાતે અગિયારેક વાગ્યે મારી ભેળની રેંકડીએ હતો ત્યારે રવિરાજ, કલ્પેશ અને વિક્રાંત કારમાં બેસીને આવ્યા હતાં અને ભેળનો ઓર્ડર આપ્યો હતો. ત્રણેયને ભેળ ખાવા આપી ત્યારે ડુંગળીની સાથે કોથમરી પણ નાખેલી હોઇ જેથી રવિરાજે કોથમરી કેમ ભેળમાં નાંખીને આપી છે? કહી જેમ તેમ ગાળો બોલતાં તેને મેં ગાળો બોલવાની ના પાડતાં તે ઉશ્કેરાઇ ગયો હતો ‘મારુ નામ રવિરાજ રાણા છે તું કેમ મારી સામે બોલ્યો?' કહી પેન્ટના નેફામાંથી છરી કાઢી કલ્પેશ અને વિક્રાંત તમે આને પકડી રાખો તેમ કહેતાં એ બંનેએ મને પકડી રાખ્યો હતો અને રવિરાજે છરીથી હુમલો કરી મને ડાબા પગે સાથળના પાછળના ભાગે ઘા મારી દીધો હતો. તેમજ બીજો ઘા કરતાં હાથ આડો રાખતાં છરકો થઇ ગયો હતો. મેં રાડારાડી કરતાં નજીકમાં મારો મિત્ર કિશન ચુડાસમા તથા બીજા લોકો ઉભા હોઇ તે દોડી આવતાં આ ત્રણેય કાર લઇને ભાગી ગયા હતાં. બાદમાં કોઇએ પોલીસને અને ૧૦૮ને જાણ કરતાં મને સારવારમાં લઇ ગયા હતાં. જ્યાં ચાર ટાંકા લઇ રજા અપાતાં પોલીસ સ્ટેશને જઇ મેં ફરિયાદ નોંધાવી હતી. તેમ વધુમાં રવિએ જણાવતાં ગાંધીગ્રામ પીઆઇ બી. ટી. અકબરીની રાહબરીમાં હેડક કોન્સ. એમ. એમ. બારડે ગુનો દાખલ કર્યો હતો. પીએસઆઇ એસ. બી. જાડેજાએ આરોપીઓને શોધી કાઢવા તજવીજ હાથ ધરી છે.
(3:29 PM IST)










