<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th August 2024

જંકશન પ્લોટમાં કરિયાણાની દૂકાનમાં માલસામાનની લિફટમાં માથું દબાઇ જતાં કલર કામે આવેલા હરેશભાઇ સાપરાનું મોત

લક્ષ્મી કિરાણા ભંડારમાં બનાવઃ ગંજીવાડાના પિસ્તાલીસ વર્ષિય આધેડ લિફટમાં ઉભા રહી કલર કામ કરતાં હતાંઃ ભુલથી લિફટ ચાલુ થઇ જતાં જીવલેણ દૂર્ઘટનાઃ ચાર સંતાને પિતાની છત્રછાંયા ગુમાવીઃ પરિવારમાં શોકની કાલીમા

રાજકોટ તા. ૧૬ઃ માનવીને પરલોકનું તેડુ કયારે કયાં અને કેવી રીતે આવી જાય તેની ખબર હોતી નથી. ગંજીવાડામાં રહેતાં અને કલર કામ કરી ગુજરાન ચલાવતાં આધેડ પંદરમી ઓગષ્ટની બપોરે જંકશન પ્લોટમાં આવેલી કરિયાણાની દૂકાનમાં કલર કામ કરતાં હતાં ત્યારે પોતે જેમાં ઉભા હતાં તે માલસામાન હેરફેર માટેની લિફટ ચાલુ થઇ જતાં બેલેન્સ ગુમાવતાં લિફટ અને ભીંત વચ્ચે તેમનું માથું દબાઇ જતાં કમકમાટી ભર્યુ મોત થયું હતું.

ગંજીવાડા શેરી નં. ૩૭માં રહેતાં હરેશભાઇ વિઠ્ઠલભાઇ સાપરા (ઉ.વ.૪૫) ગુરૃવારે પંદરમી ઓગષ્ટની બપોરે બે વાગ્યા આસપાસ જંકશન પ્લોટ મેઇન રોડ પર આવેલી શ્રીલક્ષ્મી કિરાણા ભંડાર નામની દૂકાને કલર કામ કરવા ગયા હોઇ ત્યાં તેઓ માલસામાનની હેરફેર કરવા માટેની લિફટમાં ઉભા રહી કામ કરી રહી રહ્યા હતાં. આ વખતે ભુલથી કે પછી કોઇપણ રીતે લિફટ ચાલુ થઇ જતાં તેઓ અંદર ઉભા હોઇ બેલેન્સ ગુમાવતાં માથું ભીંત તરફ નમી ગયું હતું. એ દરમિયાન લિફટ ચાલુ થઇ ગઇ હોઇ માથું ફસાઇને દબાઇ જતાં લોહીલુહાણ થઇ બેભાન થઇ ગયા હતાં.

બનાવની જાણ થતાં તેમને તુરત જ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃતદેહ જ પહોંચ્યાનું તબિબે જાહેર કરતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૃ, કેતનભાઇ નિકોલા, ધર્મેન્દ્રભાઇ હુદડ, ભાવેશભાઇ મકવાણા, તોૈફિકભાઇ જુણાચ સહિતે જાણ કરતાં પ્ર.નગર પોલીસે કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનાર હરેશભાઇ બે ભાઇ અને એક બહેનમાં મોટા તથા પરિવારનો આધારસ્તંભ હતાં. તેમને સંતાનમાં ત્રણ દિકરી અને એક દિકરો છે. ચારેય સંતાને પિતાની છત્રછાંયા ગુમાવતાં કલ્પાંત સર્જાયો હતો. ઘટના સ્થળે માલસામાન હેરફેરની લિફટમાં કઇ રીતે હરેશભાઇનું માથું દબાઇ ગયું તે દ્રશ્યો પ્રથમ બે તસ્વીરમાં, તેમનો ફાઇલ ફોટો અને નિષ્પ્રાણ દેહ જોઇ શકાય છે.

(11:41 AM IST)