તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 14th August 2024
ફાયર એનઓસીની કાર્યવાહી ઠપ્પઃ મારૂએ આપેલ એનઓસીની તપાસ પણ અટકી
મનપા ફરી રાજય સરકાર પાસે ફાયર ચીફ ઓફીસર આપવા હાથ લંબાવશે ૧૩૯ એનઓસીની ચકાસણી ચીફ ફાયર ઓફીસરના લેવલના જ અને ફાયર એકટ એકસપર્ટ જ કરી શકેઃ વર્ગ-૧ ની જગ્યા ફરી ખાલીઃ તપાસ કરાવવા પણ સરકાર પાસે અધિકારી માંગવા કમિશનર અને ડેકમિશરે ચર્ચા કરી

રાજકોટ તા. ૧૪ :.. શહેરના દુઃખદ બનાવ ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ બાદ મનપાના અધિકારીઓ ઉપર ગાઝ પડી હતી. મનપા દ્વારા ફાયર એનઓસીને લઇને ફાયર ઓફીસર માટે રાજય સરકાર પાસે દાદ માંગવામાં આવી હતી. જેને લઇને સરકારે અનિલ મારૂની નિમણુંક કરેલ પણ ચાર્જ સંભાળ્યાના દોઢ માસમાં જ તેઓ પણ સોમવારે ૧.૮૦ લાખની લાંચ લેતા પકડાતા મનપામાં ફરી ચીફ ફાયર ઓફીસરની જગ્યા ખાલી પડી છે.
મનપા દ્વારા હવે ફરીવાર સરકાર પાસે ચીફ ફાયર ઓફીસરની જગ્યા ભરવા માંગ કરવામાં આવનાર છે. જે અંગે મ્યુ. કમિશનર અને ડે. કમિશનર વચ્ચે ચર્ચા પણ થઇ ગઇ છે. હાલ ફરી એનઓસી આપવાનું કામ ઠપ્પ થઇ ગયું છે. ઉપરાંત અનિલ મારૂ દ્વારા આપવામાં આવેલ એનઓસીની તપાસ કરવા માટે પણ સીએફઓ કક્ષાના વર્ગ-૧ ના અધિકારી ફાયર એકટ એકસપર્ટ જ કરી શકે તેમ હોય તેથી અપાયેલ એનઓસીની ચકાસણી પણ ત્યાં સુધી નહીં આગળ વધી શકે.
હાલ શહેરમાં ફાયર એનઓસીની વધુ અરજીઓ પેન્ડીંગ નથી પણ સહીની સત્તા ધરાવનાર અધિકારી ન હોવાથી હાલ આ કામ બંધ છે. જાણવા મળેલ વિગતો મુજબ થોડા દિવસ પહેલા જ મ્યુ. કમિશનર પાસે અનિલ મારૂની ફરીયાદ આવતા તેમને ચેતવણી પણ અપાઇ હતી.
મનપામાં ચીફ ફાયર ઓફિસર અનિલ મારું લાંચ લેતા પકડાતા તંત્ર ફરી વખત નોંધાતુ બની ગયું છે. એસીબી દ્વારા લાંચિયા અધિકારી વિરુદ્ધ તપાસ શરૂ કરવામાં આવી છે. જયારે કોર્પોરેશનમાં ખાલી પડેલ સીએફઓની જગ્યા માટે મ્યુનિસિપલ કમિશનરે તૈયારીઓ આરંભી છે. તેમણે જણાવેલ કે, ચીફ ફાયર ઓફિસર વર્ગ-૧ની જગ્યા માટે સરકારમાં રજૂઆત કરવામાં આવશે. તેમજ અનિલ મારુ દ્વારા ઈસ્યુ કરવામાં આવેલ ૧૩૯ એનઓસીની તપાસ માટે પણ સરકાર એફએસઓની નિમણુંક કરે ત્યારબાદ તપાસ શરૂ થશે. તેમજ અનિલ મારુંની લાંચના ગુનામાં ધરપકડ થતાં તેમને સસ્પેન્ડ કરવાનો હુકમ પણ સરકાર કરી શકે છે.
મ્યુનિસિપલ કમિશનર ડી.પી. દેસાઈએ લાંચ અંગે જણાવેલ કે, સરકાર દ્વારા ઈન્ચાર્જ સીએફઓની નિમણુંક કરાતા ફાયર એનઓસી સહિતની કામગીરીનો ભાર હળવો થઈ ગયો હતો. પરંતુ ચીફ ફાયર ઓફિસર અનિલ મારૂ લાંચ લેતા એસીબીના હાથે ઝડપાઈ જતાં ફરી વખત વર્ગ-૧ની ચીફ ફાયર ઓફિસરની જગ્યા ખાલી થઈ ગઈ છે. પોલીસ વિભાગ દ્વારા લાંચ પ્રકરણ અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. પરંતુ કોર્પોરેશન લેવલની તપાસ માટે સીએફઓની જરૂરિયાત ફરી વખત ઉભી થઈ છે. જેના માટે ડેપ્યુટી કમિશનર સાથે ચર્ચા હાથ ધરવામાં આવી હતી. હાલ નવી એનઓસી કાઢવાનું અને એનઓસી રિન્યુ સહિતની કામગીરી બંધ થઈ ગઈ છે.
મ્યુનિસિપલ કમિશનરે વધુમાં જણાવેલ કે, સરકાર દ્વારા ઈન્ચાર્જ એફઓસઓની નિમણુંક કરવામાં આવી હતી. જેમની લાંચના ગુનામાં ધરપકડ કરવામાં આ જગ્યા ફરી વખત ખાલી થઈ ગઈ છે. ચીફ ફાયર ઓફિસરની નિમણુંક સરકાર દ્વારા જ કરી શકાય છે. હાલ ફાયરની કામગીરીબંધ થઈ ગઈ છે. ત્યારે કોર્પોરેશન લેવલે વર્ગ-૨ કે વર્ગ-૩ના કોઈ અધિકારીને સીએફઓનો ચાર્જ સોંપી શકાતો નથી. પરિણામે સરકાર જયાં સુધી નવા ચીફ ફાયર ઓફિસરની નિમણુંક ન કરે ત્યાં સુધી ફાયર વિભાગની મંજુરી અર્થે આવતી તમામ પ્રકારની કામગીરી પેન્ડીંગ રાખવામાં આવશે.
તેવી જ રીતે લાંચના ગુનામાં ધરપકડ થયા બાદ અનિલ મારૂની ખાતાકીય તપાસ માટે પણ સરકાર દ્વારા એફએસઓની નિમણુંક કરવામાં આવશે. જેના રિપોર્ટના આધારે તેમના વિરુદ્ધ પગલા લેવાશે. તેવી જ રીતે એસીબી દ્વારા લાંચની તપાસ કરવામાં આવી રહી છે. તેના રિપોર્ટના આધારે અનિલ મારુ સામે સસ્પેશન સહિતના પગલા પણ સરકાર દ્વારા લેવમા આવશે.
(4:18 PM IST)










