News of Friday, 9th August 2024
રામનાથ મંદિર પરિસર આસપાસની ગંદકી અને એ વિસ્તારની બદી દૂર થાય તો જ મહાદેવને ભકતોનો જળાભિષેક - દુગ્ધાભિષેક પહોંચશે
હે ભગવાન.. રામનાથ મહાદેવ મંદિર અને આસપાસના વિસ્તારનું શું થશે? રામ જાણે..

રાજકોટ : શિવભકતોની આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર એટલે રામનાથ મહાદેવ. આશરે પાંચસો વર્ષ પુરાણા આ મંદિરમાં સ્વયંભૂ મહાદેવ પ્રગટ થયા છે. રામનાથ મહાદેવ એક ખૂબ જ પૌરાણિક મંદિર હોય સદીઓથી લાખો લોકોની આસ્થા અને શ્રદ્ધા આ પવિત્ર સ્થળ સાથે જોડાયેલી છે. ફકત શ્રાવણ માસ જ નહીં, બારેમાસ શિવભકતોનું ઘોડાપુર અહીં ઉમટી પડતું હોય છે. જોકે આ પવિત્ર સ્થળ આસપાસની ગંદકી દૂર કરવાનું અહીં મહાદેવના દર્શને પધારતા કોઈને સૂઝયું નથી.
આપણે ત્યાં કહેવત છે કે, સ્વચ્છતા ત્યાં પ્રભુતા.. ઘરમાં પણ મંદિર સ્વચ્છ અને પવિત્ર જગ્યાએ રાખવામાં આવે છે. જો રામનાથ મહાદેવની વાત કરવામાં આવે તો નાગરિકોથી લઈ નેતાઓ રામનાથ મંદિરના શિવલિંગ પર જળાભિષેક અને દુગ્ધાભિષેક કરશે, મહાદેવને બીલીપત્ર અને પ્રસાદ ચઢાવશે પરંતુ રામનાથ મંદિર પરિસર આસપાસની ગંદકી કોઈ નગરજનોથી લઈ નગરસેવક દૂર કરવા આગળ નહીં આવે. આ ફકત સરકારની નહીં, સામાજિક કે ધાર્મિક જવાબદારી તરીકે લોકોનું પણ કર્તવ્ય છે. તંત્ર દ્વારા આ વિશે મોટીમોટી વાતો કરવામાં આવે છે.
ચોમાસાની સિઝનમાં થોડાઅમથા વરસાદમાં પણ રામનાથ મહાદેવ મંદિર પાણીમાં ગરકાવ થઈ જાય છે અને તેના પર ગટરના ગંદા પાણી સાથે કચરો ફરી વળે છે. આ કચરો આસપાસના વિસ્તારમાંથી આવીને મંદિર પરિસર આસપાસ ભેગો થઈ જાય છે. કેટલાક લોકો અહીંથી કચરો કાઢવા અને ગંદકી દૂર કરવાની જગ્યાએ વધુને વધુ કચરો ઠાલવી ગંદકીમાં વધારો કરે છે. અધૂરામાં પૂરું રખડતા ઢોર, કૂતરા, બિલાડા, ઉંદરડાના પણ સામ્રાજ્ય અહીં સ્થપાઈ ચૂક્યા છે. આ આખાય વિસ્તારમાં દેશી દારૃથી લઈ જુગારનું દૂષણ પણ જગજાહેર છે.
ખાસ વાત તો એ છે કે, આશરે એકસો વર્ષથી રામનાથ મંદિરમાં શ્રાવણ માસના ત્રીજા સોમવારે નીકળતી મહાદેવજીની વર્ણાગી આ વર્ષે નીકળશે કે કેમ તે પણ મોટો સવાલ છે. રાજકોટનું વર્ષોથી રખોપુ કરતા દેવાધિદેવ રામનાથ મહાદેવ મંદિરની વર્ણાગી આ વર્ષે ન કાઢવા પાછળ એવો તર્ક આપવામાં આવ્યો છે કે, વર્ણાગીમાં કેટલાક દારૃડિયા અને આવરાતત્વો એકઠા થાય છે અને ડીંગલ કરે છે. જેથી પોલીસની ગાઈડલાઈનનું પાલન થતું નથી અને બહેન દીકરીઓનું માનસન્માન જળવાતું નથી. આ અત્યંત આઘાતજનક બાબત છે. એક તરફ રામનાથ મહાદેવ આસપાસ ગંદકી-કચરા અને ઢોરથી લઈ દેશી દારૃની ભઠ્ઠી તેમજ જુગારના હાટડાની સમસ્યા તો બીજી તરફ અસામાજિક તત્વોને કારણે હવે સદીથી નીકળતી મહાદેવજીની વર્ણાગી નીકળશે કે કેમ તેના પર સવાલ થઈ રહ્યા છે. આ પાછળ જવાબદાર કોણ એ ચર્ચામાં પડવાની જગ્યાએ જનતાથી લઈ જનપ્રતિનિધિએ શું કર્યું કે શું કરી શકે એ મુદ્દો મહત્વનો છે.
એક વાત એવી પણ છે કે, ઓકટોમ્બર ૨૦૧૭માં ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રીએ રામનાથ મહાદેવ મંદિરનાં જીર્ણોદ્ધારના ભૂમિપૂજન અને ખાત મુહૂર્ત ઙ્કસંગે રામનાથ મહાદેવ સૌરાષ્ટ્રનું ભવ્ય-દિવ્ય યાત્રાધામ બનશે એ વિશ્વાસ વ્યકત કરવા સાથે રાજ્ય સરકાર તરફથી રામનાથ મહાદેવના નવીનીકરણ માટે પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડને ૪.૯૨ કરોડ રૃપિયાની ફાળવણી કરી હતી. બેથી ત્રણ વર્ષમાં આ પ્રોજેકટ પૂર્ણ થવાની સંભાવના હતી. આજે આઠ-આઠ વર્ષ થયાં પછી પણ રામનાથ મહાદેવ મંદિર પરિસર આસપાસ વિસ્તારનો વિકાસ વધવાની જગ્યાએ દુર્દશા વધી છે. કેટલાય નેતાઓ અને અગ્રણીઓથી લઈ સામાન્ય માણસોએ પણ ફકતને ફકત રામનાથ મહાદેવ મંદિર અને આસપાસના વિસ્તારની કાયાપલટ કરવાની વાતો જ કર્યા કરી છે. આજ સુધી થયું કશું નથી, થશે ક્યારે કહી ન શકાય પણ હા, જો રામનાથ મંદિર પરિસર આસપાસની ગંદકી અને આ વિસ્તારમાં રહેલી બદી દૂર થશે તો જ મહાદેવને સાચો જળાભિષેક અને દુગ્ધાભિષેક થયેલો પહોંચશે.
(4:45 PM IST)










