તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 9th August 2024
કોંગ્રેસ ન્યાય યાત્રાના બદલે પ્રાયશ્ચિત યાત્રા કાઢેઃ રાજુભાઇ ધ્રુવ
ભગવાન શ્રી રામના અસ્તિત્વને પણ નકારનાર, લોકશાહીને જેલમાં પુરી દેશને કટોકટીના કાળા અંધકામરમાં ધકેલનાર નિષ્ફળ-નાસીપાસ કોંગ્રેસને ન્યાય યાત્રાનો કોઇ નૈતિક અધિકાર નથી

રાજકોટ તા. ૯: ન્યાય યાત્રા કાઢવાને બદલે કોંગ્રેસ પહેલા તેના ૬૦ વર્ષના દેશમાં કુશાસનની માફી-પ્રાયશ્ચિતયાત્રા કાઢે તેમ ભાજપ પ્રવકતા રાજુભાઇ ધ્રુવે આકરા પ્રહારો કરતા જણાવ્યું છે.
તેમણે વધુમાં જણાવ્યું છે કે, ગુજરાત ૩૦ વર્ષ અને દેશમાં ૧૦ વર્ષના સુશાસનના શિલ્પી શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં જે વિકાસ સાથે શાંતિ, સલામતી અને સમૃદ્ધિનું વાતાવરણ સર્જાયું છે. તેથી કોંગ્રેસ હતાશ થઇ છે અને નિરાશામાં હવે ભારતની સરખામણી બાંગ્લાદેશ સાથે કરી તેની તુષ્ટિકરણની માનસિકતા છતી કરે છે.
ગુજરાતમાં ર૦રર માં જ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વને સ્વીકારી ૧પ૬ બેઠકો પર ગુજરાતમાં કમળ ખીલવનાર રાજયના લોકો હજુ ખેડૂતો પર ગોળીબાર કરનાર અને દલિતો વંચિતોને અન્યાય સમાન કોંગ્રેસી શાસનના અન્યાયને ભૂલ્યા નથી. ભગવાન શ્રી રામના અસ્તિત્વને પણ નકારનાર, ભારતની મહાન લોકશાહીને જેલમાં પુરી દેશને કટોકટી કાળના અંધકારમાં ધકેલનાર કોંગ્રેસને ન્યાય યાત્રા કાઢવાનો નૈતિક રીતે કોઇ અધિકાર નથી.
કોંગ્રેસે તો ન્યાયયાત્રા હવે કાઢી, પરંતુ છેલ્લા પાંચ વર્ષથી તિરંગા યાત્રા ભાજપ કાઢે છે તેનો હેતુ રાષ્ટ્રભાવના દેશભકિત અને દેશની એકતા અખંડિતતાને મજબૂત કરવાનો છે. આ વર્ષે હર ઘર તિરંગા અંતર્ગત તિરંગા રેલી, તિરંગા યાત્રા, તિરંગા રન, તિરંગા કોનસર્ટ, તિરંગા કેનવાસ, તિરંગા શપથ, તિરંગા સેલ્ફી તેમજ તિરંગા મેલા જેવા બહુવિધ કાર્યક્રમો રાજયમાં યોજાવાના છે. આ હર ઘર તિરંગા અભિયાન ૧પ ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિનની ઉજવણી પૂર્વે જન જનમાં રાષ્ટ્રપ્રેમ, દેશભકિત અને દેશદાઝ જગાવનારૂં રાષ્ટ્ર ચેતના અભિયાન બને તેવી નેમ રાખવામાં આવી છે. વધુને વધુ લોકો આમા સહભાગી બને તેવો અનુરોધ ભાજપ પ્રવકતા રાજુભાઇ ધ્રુવે કર્યો છે. (૭.૩૪)
(3:43 PM IST)










