તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 9th August 2024
રઘુનાથજી મંદિરે તુલસી જયંતિની પૂર્વ સંધ્યાએ ઓનલાઇન ચરિત્રગાન-સ્તુતિગાનનો કાર્યક્રમ

રાજકોટ તા. ૯ : લોહાણાપરા સ્થિત શ્રી રઘુનાથજી મંદિર દ્વારા તુલસી જયંતિની પૂર્વ સંધ્યાએ કાલે તા. ૧૦ ના શનિવારે રાત્રે ૯.૩૦ થી ૧૧ રામ ચરિત માનસ અને તેમના અન્ય ગ્રંથોનું અલગ અલગ વકતાઓ દ્વારા ચરિત્ર ગાન અને સ્તુતિ ગાન કરવાનો ઓનલાઇન કાર્યક્રમ યોજવામાં આવ્યો છે.
‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા આગેવાનોએ જણાવ્યુ હતુ કે કાલના આ ઓનલાઇન કાર્યક્રમમાં વકતાઓમાં હાલના મંડળના આચાર્યશ્રી ભગવાનજી નકુમ તથા મંડળના અન્ય સભ્યો વિષયને અનુરૂપ વકતવ્યા આપશે. જુનાગઢના જાણીતા કથાકાર રવિભાઇ દવે તુલસીદાસ જયંતિ અંગે ખાસ વકતવ્ય આપશે.
આ ઓનલાઇન કાર્યક્રમમાં જોડાવા માટે મો.૯૮૨૫૩ ૬૦૨૬૪ ઉપર સંપર્ક કરવા અને ગુગલ મીટમાં સમયસર જોડાઇ જવાનું રહેશે.
ઉલ્લેખનીય છે કે ૧૦૦ વર્ષ પહેલાના રઘુનાથ મંડળની સ્થાપના સદ્દગુરૂ શ્રી રણછોડદાસજી મહારાજે કરી હતી. ત્યારે ગુરૂદેવના અનુયાયી જે તે વખતના શિષ્યગણ દ્વારા શ્રી તુલસીદાસ કૃત રામાયણ અને અન્ય ગ્રંથોનું ગાન વિવેચન અને ચર્ચા ચિંતન સંવાદમાં અસંખ્ય લોકો તેમજ સાથે વોરા સમુદાય પણ જોડાતો હતો. આ મંડળને ૧૦૧ વર્ષ પૂર્ણ થયા બાદ સદ્દગુરૂની પ્રેરણાથી હાલ આ ઓનલાઇન કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો છે.
રાજકોટ ઉપરાંત અમદાવાદ, મુંબઇ, દુબઇ તેમજ અનેક સ્થળોએથી ધર્મપ્રેમીઓ જોડાશે. વધુને વધુ સંખ્યામાં જોડાવા મંડળના સંચાલક ધર્મેશભાઇ સોનીએ અનુરોધ કર્યો છે.
તસ્વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા ભગવાનભાઇ નકુમ, અરવિંદભાઇ રાયચુરા, રસીકભાઇ તન્ના, જગદીશભાઇ બાટવીયા, યોગેશભાઇ બોરીયા, ચંદુભાઇ ડોડીયા નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)
(3:40 PM IST)










