News of Friday, 9th August 2024
ઓનલાઇન ફ્રોડનો ભોગ બનનારા અરજદારોના રૂા. ૪.૯૫ લાખ પરત અપાવતી પોલીસ
બી-ડીવીઝન પોલીસના પીઆઇ એસ.એમ.જાડેજાના માર્ગદર્શન હેઠળ સાયબર ટીમની કામગીરી : શિક્ષકને વળતરની લાલચ આપી ૫૦ લાખનો ધૂંબો માર્યો હતો, ભાડે મુકાવવાના બહાને ૮ લોકોની ૪૮ લાખની કાર સગેવગે કરી નાંખતાં માલવીયાનગર પોલીસે બે ગુનો નોંધ્યા'તા

રાજકોટ : સોશ્યલ મીડિયામાં ગઠીયાઓ અલગ-અલગ લોભામણી જાહેરાતો અથવા સ્કીમ દ્વારા લોકો પાસેથી ઓનલાઇન નાણા ટ્રાન્સફર કરાવી છેતરપિંડી કરતા હોવાની ફરિયાદો સાયબર ક્રાઇમ પોલીસમાં આવતી હોય છે. આ ફરિયાદોનું નીરાકરણ લાવવા માટે પોલીસ કમિશનર શ્રી બ્રજેશ ઝા, જોઇન્ટ પોલીસ કમીશનર મહેન્દ્ર બગડીયા તથા ઇન્ચાર્જ એસીપી જગદીશ બાંગરવાની સૂચનાથી બી-ડીવીઝન પોલીસ મથકની સાયબર ક્રાઇમની ટીમે ટેકનીકલ એનાલીસીસ કરી ઓનલાઇન ફ્રોડનો ભોગ બનનાર ૧૪ અરજદારો જેમાં ઇકબભાઇ કાછડીયા, વિજયપરી ગોસાઇ, યોગેશ ચોવટીયા, મિતેષભાઇ મેરીયા, ખુશ્બુબેન વ્યાસ, કેવલભાઇ બેલડીયા, હરદેવભાઇ બાલાસરા, ફાતેમાબેન માકડા, યોગેશભાઇ પાનસુરીયા, દર્શીલબેન રંગાણી, જીતેન્દ્રભાઇ પરમાર, શીવમભાઇ મકવાણા, અજયભાઇ બસીયા અને અમીતભાઇ રાઠોડે ગુમાવેલા કુલ રૂા. ૪,૯૫,૩૪૯ પરત અપાવ્યા હતા. આ કામગીરી પી.આઇ. એસ.એમ.જાડેજાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ કે.ડી.મારૂ તથા કોન્સ. પુજાબેન વાળા અને ભરતભાઇ ખોડભાયા દ્વારા કરવામાં આવી હતી.(૨૧.૨૬)
૯૮ લાખની ઠગાઇ કરી પોતે મૃત્યુ પામ્યો છે એવી અફવા ફેલાવી મુંબઇ ભાગી ગયો'તોઃ ચેતન પરમાર ઝડપાયો
પીઆઇ જે. આર. દેસાઇ, પીએસઆઇ વી.આર. ઝાલા, એએસઆઇ ડી. જી. ઝાલાની ટીમે મુળ જેતપુરના હાલ મેટોડા રહેતાં શખ્સને દબોચી રિમાન્ડ મેળવ્યાઃ દેવેન્દ્રસિંહ અને અમરદિપસિંહની બાતમી
રાજકોટ તા. ૯: શહેરના એક શિક્ષકને પોતાની ક્રિષ્ના એન્ટરપ્રાઇઝ પેઢીમાં ઉંચા વળતરની લાલચ આપી રોકાણ કરાવડાવી રૂા. ૫૦ લાખની ઠગાઇ કરી ભાગી ગયેલા શખ્સ સામે માલવીયાનગર પોલીસમાં ગુનો નોંધાયો હતો. આ ઉપરાંત આ જ શખ્સ સામે અલગ અલગ લોકો પાસેથી ૮ કાર ફલીપ કાર્ટમાં ભાડે મુકાવવાના બહાને મેળવી લઇ કાર માલિકોને ભાડુ નહિ આપી તેમની કારો બારોબાર સગેવગે કરી નાખવા સબબ રૂા. ૪૮.૭૫ લાખની ઠગાઇનો અલગથી ગુનો નોંધાયો હતો. ૯૮ લાખની ઠગાઇના આ બંને ગુનામાં ફરાર ચેતન કનકભાઇ પરમાર (ઉ.વ.૨૮-રહે. મુળ દાસી જીવણપરા નવાગઢ ધાર જેતપુર, હાલ મહાદેવ મકાન, ગ્લોરીયસ પાર્ક પ્લોટ નં. ૮૭, મેટોડા)ને માલવીયાનગર પોલીસે દબોચી લીધો છે. પોલીસને અને છેતરાયેલા લોકોને ઉઠા ભણાવવા આ શખ્સે પોતે મૃત્યુ પામ્યો છે એવું દેખાડવા સ્યુસાઇડ નોટ લખી અફવા પણ ફેલાવી હતી!
શહેરમાં રૂા. ૯૮ લાખની છેતરપીંડી અંગે નોંધાયેલા બે જુદા- જુદા બે ગુનામાં નાસતા ફરતા ચેતન કનકભાઈ પરમારને માલવીયાનગર પોલીસ મથકના કોન્સ. દેવેન્દ્રસિંહ જાડેજા અને અમરદિપસિંહ જાડેજાની બાતમી પરથી પકડી લઇ કોર્ટમાં રજૂ કરાતાં ત્રણ દિવસના રિમાન્ડ મળતાં વિશેષ તપાસ શરૂ કરવામાં આવી છે. આરોપી ચેતને એક શિક્ષકને ખોટા ડોકયુમેન્ટ અને બેન્કના સ્ટેટમેન્ટો બતાવી, પોતાની ક્રિષ્ના એન્ટરપ્રાઈઝ નામની પેઢીમાં રૂા.૫૦ લાખનું રોકાણ કરાવી, તે રકમ પરત આપી ન હતી. જે અંગે માલવીયાનગર પોલીસમાં ગુનો નોંધાયો હતો. ત્યાર પછી તેની સામે અલગ-અલગ લોકોની રૂા.૪૮.૭૫ લાખની કિંમતની ૮ કાર ફલીપ કાર્ટમાં ભાડે રખાવી દેવાના બહાને મેળવી લઇ બારોબાર સગેવગે કરી દેવાનો ગુનો નોંધાયો હતો.
આ બંને ગુનામાં ચેતન પરમાર સતત ફરાર રહેતો હતો. પોલીસ તેને શોધતી હતી તે વચ્ચે તે ગુમ થઈ ગયાની માલવીયાનગર પોલીસમાં તેના પરિવારજનોએ જાહેરાત કરી હતી. એટલું જ નહીં ગુમ થતાં પહેલાં આરોપી ચેતને સ્યુસાઈડ નોટ લખી, પોતે મળત્યુ પામ્યો છે તેવી અફવા પણ ફેલાવી હતી. જો કે પોલીસે તપાસ યથાવત રાખી હતી. એ દરમિયાન પાક્કી બાતમી મળતાં તેને દબોચી લેવાયો હતો. હાલ રૂા. ૫૦ લાખની છેતરપીંડીના ગુનામાં વિધીવત ધરપકડ કરી રિમાન્ડ પર મેળવ્યો છે. આ કાર્યવાહી પુરી થયા બાદ તેની કારના બહાને કરાયેલી ૪૮.૭૫ લાખની છેતરપીંડીના બીજા ગુનામાં ધરપકડ કરવામાં આવશે. તેણે છેતરપીંડીની રકમ ક્યાં વાપરી? કાર ક્યાં છે? તે સહિતની પુછતાછ થતાં એવુ રટણ કર્યુ હતું કે પોતે પોતાની પેઢીના ધંધાને આગળ વધારવા અલગ અલગ લોકો પાસેથી ઉછી ઉધારની મોટી રકમ લીધી હતી તે બધાને ચુકવી હતી, પણ ધંધામાં મોટી ખોટ જતાં આ બધાને રકમ ચુકવી દીધી હતી. હાલ પોલીસે પાંચ જેટલી કાર શોધી કાઢી છે.
ઠગાઇ કર્યા બાદ ચેતન મેટોડામાં જ અલગ અલગ જગ્યાએ છુપાતો ફરતો હતો અને બાદમાં મુંબઇ , અમદાવાદ તરફ ભાગી ગયો હતો. પોલીસ કમિશનર બ્રજેશ ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી બી. જે. ચોૈધરીની સુચના માર્ગદર્શન મુજબ પીઆઇ જે. આર. દેસાઇ, પીએસઆઇ વી.આર. ઝાલા, એએસઆઇ ડી. જી. ઝાલા, કોન્સ. દેવેન્દ્રસિંહ જાડેજા, દિગ્વીજયભાઇ લાંગા, અમરદિપસિંહ જાડેજા, જયભાઇ રંગાણી, અરજણભાઇ મકવાણા, હાજાભાઇ ધાંધલ સહિતે આ કામગીરી હતી.
(2:53 PM IST)










