<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 9th August 2024

કેટલા કોંગ્રેસીઓ પીડિત પરિવારોની મદદે ગયા? ન્‍યાયયાત્રાનો એજન્‍ડા માત્ર રાજકીય

કોંગી સરકારો વખતે પાણી-વિજળીના ધાંધીયા હતાઃ મંત્રી-ધારાસભ્‍યના ખૂન થયેલા અગ્નિકાંડને દુઃખદ ગણાવી આકરા પ્રહારો કરતા ભરત બોઘરા

રાજકોટ તા. ૯ :.. શહેરમાં કાલે યોજાનાર તિરંગાયાત્રા સંદર્ભે યોજાયેલ પત્રકાર પરિષદમાં ભાજપના પ્રદેશ ઉપાધ્‍યક્ષ ડો. ભરત બોઘરાએ આક્રમક રીતે કોંગ્રેસની ઝીટકણી કાઢી હતી.

ગેમઝોનના અગ્નિકાંડ અને મોરબીના ઝૂલતા પુલની દુર્ઘટના સંદર્ભે કોંગ્રેસની ન્‍યાયયાત્રા અંગે પત્રકારોના પ્રશ્નના જવાબમાં ભરત બોઘરાએ જણાવેલ કે ઘટના દુઃખદ છે. ભાજપના આગેવાનો સતત પીડિતોની પડખે રહ્યા છે. મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલ પણ અસરગ્રસ્‍ત પરિવારોને મળ્‍યા છે. કોંગ્રેસ માત્ર રાજકીય એજન્‍ડા સાથે યાત્રા યોજે છે. કોંગ્રેસના શાસનમાં એના મંત્રી, ધારાસભ્‍યોના ખૂન થયેલા છે. ગુંડાઓના નામથી અમૂક શહેર ઓળખાતા હતાં. વીજળી અને પીવાના પાણીના ધાંધીયા હતાં. ખેડૂતો ગોળીએ વીંધાતા હતાં. ભ્રષ્‍ટાચાર શબ્‍દ કોંગ્રેસના મોઢામાં શોભતો નથી. હાલ જે ઘટના બની ને દુઃખદ છે પણ રાજકીય હેતુથી તે મુદ્‌્‌ો આગળ કરી ગુજરાતની શાંતિ ડહોળવાનો પ્રયાસ જનતા સહન કરશે નહિ.

ડો. બોઘરાએ કાલે કોઇ મહાનુભાવ અગ્નિકાંડનાં પીડિતોને મળશે કે નહિ? તે સીધા સવાલના જવાબમાં ઉપર મુજબ જણાવેલ. તેમણે મોરબીની પુલ દુર્ઘટનાના પીડિત પરિવારોને ન્‍યાય મળવામાં વિલંબ થાય તેવો પ્રયાસ કોંગ્રેસ કરી રહ્યાનો આક્ષેપ કર્યો હતો.

(2:38 PM IST)