તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 9th August 2024
નિવૃત ડીવાયએસપી એસ. બી. ગોહિલના પુસ્તકની અમેરિકન લાયબ્રેરી કોંગ્રેસ દ્વારા પસંદગી થઇ
સમગ્ર રાજકોટ માટે ગોૈરવની વાતઃ 'એક પોલીસ અમલદારના અનુભવો' પુસ્તક હવે અમેરિકામાં વંચાશે : આ પુસ્તકમાં છે-ગરીબની ઝૂંપડીથી લઇને શ્રીમંતો અને રાજકારણીઓના મહેલો સુધીની વાતોની સફર, સમાજમાં બનતા વિવિધ બનાવો, ગુનાઓ, તેમાં પોલીસની ભુમિકા, આવા બનાવોમાં રાજકારણ, જ્ઞાતિના સંગઠનો, કહેવાતી સામાજીક સંસ્થાઓની ભુમિકાઓ, ઉભા કરાતાં અવરોધો વચ્ચે સત્ય, ન્યાય, જાહેર શાંતિ માટે ઝઝૂમતી પોલીસની ભુમિકા વાચકને છેક સુધી જકડી રાખે તેવી રસપ્રદ અને રોમાંચક એવી અનેક વાતોે

રાજકોટ તા. ૯: શહેરના નિવૃત ડીવાયએસપીશ્રી એસ. બી. ગોહિલ હાલ નિવૃતિ કાળમાં પોતાની ફરજ વખતના અનુભવોને લેખનના રૂપમાં કાગળ પર આલેખી રહ્યા છે. તેમના દ્વારા લેખિત અને પ્રકાશીત થયેલું પુસ્તક 'એક પોલીસ અમલદારના અનુભવો'ને અમેરિકન લાયબ્રેરી કોંગ્રેસ દ્વારા ત્યાંની નેશનલ લાયબ્રેરીઓ માટે પસંદ કરવામાં આવ્યું છે. જે સમગ્ર રાજકોટ શહેર માટે ગોૈરવની વાત છે.
આ પુસ્તક બે ભાગમાં છે અને તેના ૮૮૦ પેજ છે. નિવૃત પોલીસ અધિકારી એસ. બી. ગોહિલે તેમની દિર્ઘકાલીન પોલીસ દળની ફરજ સોૈરાષ્ટ્ર કચ્છ અને ગુજરાતના જીલ્લાઓમાં બજાવી હતી. ૧૯૭૯થી ૨૦૧૨ સુધીમાં રાજ્યમાં બનેલી રાજકીય, સામાજીક, હિંસક અને સરકારી કર્મચારીઓના આંદોલનમાં રાજકારણ, ગુનેગારો, સામાજીક સંસ્થાઓનો રોલ અને આમ જનતાની હાલાકી, સજ્જન લોકોની સજ્જનતા અને પોલીસ દળની હાલતનું સુપેરે વાસ્તવીક તાદ્રશ્ય અને સત્ય હકિકતો સાથેનું વર્ણ છે. આ પુસ્તકની ગુજરાત રાજ્ય સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ લાયબ્રેરી દ્વારા પણ સરકારી લાયબ્રેરીઓ માટે પસંદગી થઇ છે.
આ પુસ્તકમાં સિકસ્થ સેન્સથી વણશોધાયેલા ગુનાઓ કઇ રીતે શોધાતાં તેની તો વાતો છે જ સાથે તોફાનો, અન્ય સામાનજી બનાવોની પણ સરળતાથી સમજી શકાય તેવી ઉદાહરણીય વાતો રસપ્રદ અને રોમાંચક શૈલીમાં લખાયેલી છે. પુસ્તકમાં વિર રસ, રોૈદ્ર રસ, ભયાનક રસ, શાંત રસ અને હાસ્ય રસ એમ તમામ જેનરનો સમાવેશ કરવામાં આવ્યો છે. ટ્રેજડી છે તો સાથે થ્રિલર પણ છે. પોલીસ દળની વાત હોય એટલે થ્રિલર તો હોય જ! પણ આ બધુ સત્ય અને રસમય તથા નજર સામે જે બન્યું હોઇ તે છે અને વાસ્તવિક તાદ્રશ્ય થાય તેવી શૈલીમાં લખાયેલુ છે.
આ પુસ્તક વિશે પુર્વ ડીજીપી અને સીબીઆઇના સંયુકત નિયામક એ. કે. શર્મા લખે છે કે-આ પુસ્તકમાં ગરીબની ઝૂંપડીથી લઇને શ્રીમંતો અને રાજકારણીઓના મહેલો સુધીની વાતોની સફર છે. સમાજમાં બનતા વિવિધ બનાવો, ગુનાઓ, તેમાં પોલીસની ભુમિકા, આવા બનાવોમાં રાજકારણ, જ્ઞાતિના સંગઠનો, કહેવાતી સામાજીક સંસ્થાઓની ભુમિકાઓ, ઉભા કરાતાં અવરોધો વચ્ચે સત્ય, ન્યાય, જાહેર શાંતિ માટે ઝઝૂમતી પોલીસની ભુમિકા વાચકને છેક સુધી જકડી રાખે તે રીતે રસપ્રદ અને રોમાંચક શૈલીમાં રજૂ કરેલ છે.
જ્યારે પુવે સંયુકત માહિતી નિમાયક-સુરેન્દ્રનગરના ભુપેન્દ્ર દવે લખે છે કે-ધંધાદારી, રાજકારણ, ખટપટ અને કાવતરા, સંસદ સભ્ય ઉપર દારૂબંધીનો કેસ, રોસ્ટર આંદોલન, રામજન્મભુમિ શિલાયાત્રા, વિધાયક ઉપર દારૂબંધીનો કેસ, કોમી તોફાનો, પોરબંદરની ગેંગવોરનો ઉદય અને અસ્ત, રાજકિય ખૂનમાં પોલીસ સેન્ડવીચ, બાબરી ધ્વંશ તોફાનો, રાજ્યની રાજકિય ડામાડોળ સ્થિતિ, હજુરિયા ખજુરિયા, ગીરના જંગલનો વિરપ્પન હમાલ હસન, રાજ્યમાં સત્તા પરિવર્તન, ધાર્મિક સ્થળોની ખટપટ, ચંબલનો ડાકુ સોૈરાષ્ટ્રમાં પકડાયો, સંસદની ચૂંટણી, સદી દરમિયાન જવલ્લે જ બનતી ઘટના, ગોધરકાંડ અને તે પછીના તોફાનો...આ તો અગત્યના બનાવોની ઝલક માત્ર છે, અન્ય કેટલાક નાના મોટા ગુનાઓની તપાસમાંથી સાંગોપાંગ નિકળવું પડે! પુસ્તકની આ ઝલક માત્ર છે.
આ પુસ્તકનું આમુખ દેશની સીબીઆઇ ન્યુ દિલ્હીના પુર્વ સંયુકત નિયામક અને ડીજીપીશ્રી એ. કે. શર્મા (આઇપીએસ) તથા સોૈરાષ્ટ્રના સુવિખ્યાત લોકપ્રિય આઇપીએસ અધિકારી સ્વશ્રી આર. ડી. ઝાલા દ્વારા લખાયેલ છે. અમેરિકન લાયબ્રેરીયન કોંગ્રેસના ક્રાએટીશીયા મુજબ આ પુસ્તક સંશોધનાત્મક, માહિતીપ્રદ, વાસ્તવિક અને ઉદાહરણીય દસ્તાવેજી સમર્થન સાથેનું છે. હવે આ પુસ્તકની અમેરિકન લાયબ્રેરી કોંગ્રેસ દ્વારા ત્યાંની લાયબ્રેરીઓ માટે પસંદગી થતાં સમગ્ર રાજકોટ શહેર માટે ગોૈરવની વાત બની છે. નિવૃત પોલીસ અધિકારીશ્રી એસ. બી. ગોહિલની પોલીસ અધિકારી તરીકેની કારકિર્દીના ઘડતરની શરૂઆત રાજકોટ જીલ્લા અને શહેર ફરતી વધુ રહી છે. આ પુસ્તકનું લેખન તેમણે કર્યા બાદ તેનું વિમોચન પણ રાજકોટમાં શ્રી હેમુ ગઢવી હોલ ખાતે થયું હતું. શ્રી એસ. બી. ગોહિલને (મો. ૯૯૨૫૫ ૦૦૦૬૭) ઉપર સતત શુભકામનાઓ મળી રહી છે.
(1:31 PM IST)










